________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪
૨૨૫
દેવાંગનાઓના વિશેષણનું વિવરણ કરતાં શૃંગારરસનો એવો વિસ્તાર કર્યો કે શૃંગારરસરસિક રાજકુમારી રસ્તે જતાં સાંભળવા ઊભી રહી ને મુગ્ધ થઈ ગઈ.
તેણે વિચાર્યું : “ખરેખર ! આ કોઈ અદ્દભુત પુરુષ લાગે છે. શૃંગારરસના જાણનારા માણસો સંસારમાં દુર્લભ છે. પંડિત તો ઘણા છે. જો આની સાથે મારા લગ્ન થાય તો મારું જન્મવું ને જીવન બને ધન્ય બની જાય. આમોદ-પ્રમોદ-લીલા અને શૃંગારરસના વિનોદ દ્વારા જ જીવનની એક એક પળ સાર્થક બને. માટે હું પોતે જ તેની પાસે જઈ પ્રાર્થના કરું.” એમ વિચારી ઉપાશ્રયના બારણે આવી મધુર-મંજુલ સ્વરે બોલી “હે શૃંગારશાસ્ત્ર વિચક્ષણ બુદ્ધિનિધાન ! દ્વાર ઉઘાડો. હું રાજકુમારી મદનમંજરી છું ને ગુણગોઠડી કરવા તમારી પાસે આવી છું.”
આ સાંભળી ગુરુમહારાજે કહ્યું : “સાંભળ! આવા સમયે કોઈ યુવતી આવી છે તે શું કહે છે? પહેલાં પણ શિખામણ આપી હતી ને કે કોઈપણ પ્રકારનું વર્ણન કરતાં પૂર્વે સાવધાની રાખવી. જ્યાં ત્યાં પાંડિત્ય અને ચતુરાઈ બતાવે છે તે શર્મ આવવી જોઈએ. આ તારા વર્ણનથી બહાવરી બનેલી બાઈ જાણે દુર્ગતિનો સાદ હોય તેમ તને વારે વારે બોલાવે છે, જાણે વિયોગિની ! હવે શું કરીશ. રાજાની દીકરી છે?”
તેમણે ઉત્તર આપતાં કહ્યું: “પૂજ્ય ! મારાં વચનોથી ભ્રમિત થઈ તે જેમ અહીં આવી છે તેમ આપશ્રીની કૃપાથી ડાહી થઈ પાછી જશે, આપ જરાય ખિન્ન થશો નહીં, એમ કહી બારણું ઉઘાડ્યું. જોયું તો અપ્સરા જેવી રાજકુંવરી, સુંદર ને સોહામણી, અભયદેવે કહ્યું “રાજપુત્રી ! અમે તો સાધુ છીએ. એકાંતમાં સ્ત્રી સાથે ધર્મગોષ્ઠિ કરવી પણ અમને કલ્પ નહીં, તો પ્રેમગોષ્ઠિની વાત તો ક્યાંથી થઈ શકે? અમારે ને પ્રેમગોષ્ઠિને બને નહીં. કારણ કે અમે દાતણ ન કરીએ, મોટું પણ ન ધોઈએ, સ્નાનની તો વિચારણા ય ન કરી શકીએ. ભોજન પણ અંત-પ્રાંત અને લૂખું-ઠરેલું ભિક્ષામાં લાવીએ ને માત્ર શરીરના નિર્વાહ માટે જ ખાઈએ. અમારો સાથ તમને પાલવે જ નહીં. આ સુંદર દેખાતું શરીર હાડકાં, મળ-મૂત્ર આદિ ગંદા પદાર્થોથી ભરેલું છે, જે પદાર્થો જોતાં જ સૂગ ચડે. શરીરની જેમ વિષયો પણ બીભત્સ છે, કુપુરુષો જ વિષયોની ઈચ્છા રાખી શકે. બાલ્યકાળમાં અમારાં મા-બાપે અમારા શરીરની શુશ્રુષા કરી હશે. અમે તો શરીરની ભાળ પણ નથી લીધી, તારા જેવી મહેલોમાં અને સગવડોમાં રહેનારી રાજકુમારી માટે તો અમારા દુર્ગધમય શરીરનો સ્પર્શ પણ વજર્ય છે.
આમ અભયદેવમુનિએ બીભત્સરસનું એવું વર્ણન કર્યું કે રાજકુંવરી ત્યાંથી જીવ લઈ નાઠી. આ ઉપાધિ જતાં શ્રી અભયદેવ પોતાના ગુરુજી પાસે આવ્યા. ગુરુએ તેમની પ્રશંસા કરતાં કહ્યું “વત્સ! તારું બૌદ્ધિકકૌશલ્ય સમુદ્રપૂરની જેમ વિસ્તૃત છે, પરંતુ વર્તમાનમાં તેને મર્યાદામાં રાખવું આવશ્યક છે.” અભયદેવજીએ તેનો ઉપાય પૂછતાં ગુરુજીએ કહ્યું : “છાશમાં રાંધેલ જારનો હુમરો તથા કાલિંગડાનું શાક વહોરી લાવી તેનો આહાર કરવો. જેથી બુદ્ધિમાં થોડી ન્યૂનતા આવશે. કહ્યું છે કે :