________________
૨ ૨૦
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ રે ભરડા! આવું અનુચિત કેમ કહે છે ?' ત્યારે થોડો વિચાર કરી વેદમાતામાં બતાવેલા શબ્દાર્થને પોતાની બુદ્ધિ પ્રમાણે ગોઠવતો તે પોતાનું પાંડિત્ય બતાવતો બોલ્યો કે “ક એટલે કાગડા, ખ એટલે ખાવા યોગ્ય છે?” ગ એટલે ગણ (સમૂહ), ઘ એટલે ઘણાં હૃષ્ટ-પુષ્ટ થયેલા અર્થાત્ ઘણા પુષ્ટ થયેલા કાગડાનો સમૂહ ખાવા યોગ્ય છે. પાપકારી અને દુષ્ટ વચનો સાંભળી દયાર્દ્ર હૃદયવાળા પંડિતે કહ્યું: “હે નંદન ! દયાધર્મથી વિરુદ્ધ આવા અનર્થો શા માટે કરે છે ! વેદમાતા વેદમાતા કરે છે, પણ તેના અર્થને તું જાણતો નથી. હું તને બતાવું સાંભળ. એટલામાં તો કૌતુકથી ભેગા મળેલા ભરડાઓ નવા પંડિતની ઉત્સુકતાપૂર્વક વાત સાંભળવા બેસી ગયા. તેણે કહ્યું : વિદ્વાને તે ભરડાને અનુકૂળ કહ્યું ‘ત થ એટલે તથૈવ ચ. એટલે તે જ પ્રમાણે સત્ય કે - દ ધ એટલે દગ્ધાઃ કાકા (બળેલા. કાગડા), ન એટલે ન ભક્ષણીયાઃ (ભક્ષણ કરી શકાય નહીં.) માટે સત્યાર્થ છોડી મતિકલ્પનાથી અનર્થ કરવો સારો નથી. આ પંડિતની ચતુરાઈ અને યુક્તિથી પ્રભાવિત થયેલા તે ભરડાઓ બોધ પામ્યા ને અયોગ્ય પ્રવૃત્તિથી અટક્યા. પરોપકારી પંડિતનો ઉપકાર માન્યો ને તેનું સત્કાર-સન્માન કર્યું. કહ્યું છે કે -
यो यथात्र समुपैति बोधं, तं तथैव हि नयेद्विबोधम् । यत् कखेति वचनाद् द्विकभक्षी, बोधितस्तथदधेति न वाक्यात् ॥१॥
અર્થ:- જે વ્યક્તિ જે પ્રમાણે બોધ પામી શકે તે વ્યક્તિને તે જ પ્રમાણે બોધ પમાડવો જોઈએ. કેમ કે “ક ખ” ના વચનથી કાગડા ખાવા તૈયાર થયેલા ભરડા ત થ દ ધ ન' નાં વાક્યોથી બોધ પામ્યા. નંદને અર્થ નહીં પણ અનર્થ ઉત્પન્ન કર્યો, ત્યારે પંડિતે અર્થની સાર્થકતા સિદ્ધ કરી. સમજુ માણસે શુદ્ધ અર્થ ગ્રહણ કરવા માટે સારો પ્રયત્ન કરવો જોઈએ.
यथार्थं श्रोतुं समीहा, भृशं कार्या दृढादरैः ।
श्रमणोपासकैर्नित्यं सुज्ञे गुरावुपागते ॥१॥ અર્થ :- જ્ઞાની-ગીતાર્થ ગુરુમહારાજનો યોગ પ્રાપ્ત થયે યથાર્થ બોધ આપનારી વાણી સાંભળવાના દઢ આદરવાળા શ્રાવકે સદા ઘણી ઇચ્છા રાખવી. કંડકોલિકની જેમ.
કુંડકોલિકનું દૃષ્ટાંત શ્રી રત્નાકરસૂરિજી મહારાજ સકલશાસ્ત્ર નિપુણ અને સ્વપર શાસ્ત્રના રહસ્યને જાણનાર હતા. તેમને રાજા પણ માનતા હતા ને રાજસભામાં આમંત્રી તેમની પાસે ધર્મશાસ્ત્ર સાંભળતા હતા. શ્રી રત્નાકરસૂરિજી ધર્મસિદ્ધાંત, દર્શનશાસ્ત્ર, ન્યાય-વ્યાકરણ, સાહિત્ય, છંદ, જયોતિષ, પ્રશ્ન પ્રહેલિકા આદિમાં સુનિપુણ હતા ને તેથી તેમની સામે કોઈ માણસ પોતાની ઓળખાણ પંડિત તરીકે ન આપતો. તેમનું નામ સાંભળતાં જ પંડિતો બોલવાનું પણ ટાળતા. આચાર્યશ્રી પણ અદ્ભુત પ્રજ્ઞાના ધણી ને જબરા વિવેચક હતા. એક પદના તેઓ અનેક સુસંગત અર્થ કરતા ને સભા અચંબામાં પડી ધન્ય બની જતી. રાજાએ તેમને “અનેકાર્થવાદી”નું બિરૂદ આપ્યું હતું.