________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
૨૧૫ વાંચવા માંડ્યો. પત્ર વાંચતા તે ખિન્ન થઈ ગયો ને દુઃખ-વિલ થતાં આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં. આરક્ષકે કારણ પૂછ્યું પણ કુમાર કાંઈ જ કહી ન શક્યો. આરક્ષકે પોતે લેખ વાંચ્યો ને તે પણ વિમાસણમાં પડ્યો. દુઃખી થયો. તેણે કુમારને કહ્યું આ પત્રનો નિરાંતે નિર્ણય લેવાશે, તમે ખેદ ન ધરશો. કુમારે કહ્યું “મૌર્યવંશમાં આજ સુધી કોઈ આજ્ઞાલોપક થયું નથી. હું જ પિતાજીની આજ્ઞાનું ઉલ્લંઘન કરું તો બીજા તેનું ઘણી સહેલાઈથી અનુકરણ કરશે. પછી કુમારે એકાંતમાં લોઢાની શલાકા (સળી) તપાવી ને બન્ને આંખમાં નાંખી જાતે જ અંધ થયો, કારમી વેદના ને બાળી નાંખે તેવી નિરાશા સહી રહ્યો. આ વાત જ્યારે સમ્રા અશોકે જાણી ત્યારે તેના દુઃખની અવધિ ન રહી. તેણે પોતાની જાતને ઘણી નિંદી ધિક્કારી કે પત્ર લખવામાં ભૂલ કરી ને લખીને ફરી વાંચ્યો પણ નહીં. તપાસ કરતાં રાજાને ખબર પડી કે અમુક રાણીનું આ કામ છે, પણ તેના પુત્રને પાટલીપુત્રનું રાજ્ય ન આપ્યું ને અવંતીનું આપ્યું. કુણાલ અંધ હોઈ રાજા કે માંડલિક થઈ શકે એવું નહોતું. પોતા પર આવી અજોડ ભક્તિ રાખનાર પુત્ર રાજ્ય વિના રહેશે તેનો રાતદિવસ વસવસો અશોકને રહેતો.
કુણાલ ખૂબ જ સારી રીતે રહી શકે માટે તેને ઘણી જ સમૃદ્ધિવાળી આવક આપી ને યુવાન થતાં શરદશ્રી નામની સુંદર અને ગુણિયલ કન્યા સાથે પરણાવ્યો. કુણાલ ગીત-સંગીતની સાધનામાં જ સમય વિતાવતો. તેના કંઠમાં મધુર ગંભીરતા અને તેના સંગીતમાં અદ્ભુત આશ્ચર્ય સમાયું હતું. માણસ તો શું પશુ-પક્ષી પણ તે સાંભળી મુગ્ધ થઈ જતાં.
સમય જતાં કુણાલની પત્ની શરદશ્રીએ ઉત્તમ લક્ષણવાળા સુંદર ને તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. હું પોતે રાજ્ય માટે અધિકારી અને યોગ્ય હોવા છતાં રાજ્ય ન મેળવી શક્યો, પણ મારા પુત્રને તે મળવું જોઈએ એવી ભાવનાથી પ્રેરાઈ કુણાલ ગુપ્ત રીતે પાટલીપુત્ર પહોંચ્યો ને ગીતસંગીતના કાર્યક્રમો નગરમાં ગોઠવવા લાગ્યો. તે ત્યાં અતિલોકપ્રિય થઈ ગયો. જ્યાં જ્યાં તેનો કાર્યક્રમ હોય ત્યાં ત્યાં હરિણની જેમ આકર્ષાઈ લોકો દોડી જતા. મહાન ગાંધર્વકલાકુશલ ગાયકની પ્રશંસા સાંભળી રાજાએ પણ પોતાને ત્યાં સંગીતસભા માટે આમંત્રણ આપ્યું. કુણાલના કહ્યા પ્રમાણે તેના માણસોએ રાજદરબારમાં બધો પ્રબંધ કર્યો અને ઝીણા પડદા જેવી યવનિકામાં કુમાર પોતાના વાઘમંડલ સાથે ગોઠવાયો. મંદ્ર-મધ્ય અને તાર એ ત્રણે ગ્રામ અને સાત સ્વર-લય મૂછનાની સંગતિવાળું તેણે ધીરે રહીને સંગીત છેડ્યું. ધીરે ધીરે સ્વર ઘૂંટાવા લાગ્યો.
કોઈ દિવ્યઘોષમય મંજુલ ધ્વનિ વાતાવરણમાં પથરાવા લાગ્યો. સાંભળનારા બધા રાગિણીમાં જાણે ભીંજાઈ ગયા-દીવાલો પણ જાણે તેથી પ્રભાવિત થઈ ગઈ. અંતે પ્રસન્ન થયેલા રાજાએ વાહ-વાહના પોકાર કરી ગાયક! તમારું ગીત અદ્ભુત છે. ઘણું અદ્ભુત છે. હું પણ ઘણો પ્રસન્ન છું. તમારી ખ્યાતિ કરતાં પણ તમારી કલાસાધના મહાન છે. બોલો તમારે શું જોઈએ ? જે જોઈએ તે કહો, હું તમને અવશ્ય આપીશ. ત્યારે કુણાલે કહ્યું -
ઉ.ભા.-૪-૧૫