________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪
૨૦૫ મારવા તૈયાર થયા છો?' રાજાએ કહ્યું “કોણ જાણે તમે કોણ છો? ચોર છો કે જાસૂસ છો? અમને શી ખબર !” તેમણે કહ્યું “તમે આમ કેમ બોલો છો? અમે તમારા ધર્મગુરુઓ ને સાધુઓ જ છીએ, વિશ્વાસ રાખો, અમે બીજા કોઈ જ નથી - સાધુ જ છીએ.'
રાજા બોલ્યા “તમારા મતમાં તો બધી વસ્તુ અવ્યક્ત એટલે સંદિગ્ધ છે. તેથી તમે સાચા સાધુ છો કે નહીં તે કેવી રીતે જાણવું? અને તમે પણ કેવી રીતે કહી શકો કે “અમે સાચા સાધુઓ છીએ? તેમજ તમારા જ મત પ્રમાણે હું શ્રાવક છું કે અન્ય? એ પણ શંકાનું જ કારણ છે, તો પછી તમે મને શ્રાવક કહી પણ કેમ શકો? આમ બોલવાથી તો તમારા મતને જ હાનિ પહોંચશે.”
ઈત્યાદિ સાંભળી સાધુઓ ચમક્યા. તેમને કાંઈક સમજાવા લાગ્યું કે આપણે કાંઈક ગંભીર ભૂલ કરી રહ્યા છીએ. તેઓ અરસપરસ એકબીજા સામે જોઈ જાણે પૂછી રહ્યા હતા કે “રાજા કેટલી સાફ અને સરલ વાત કરી રહ્યા છે તે સાચી લાગે છે ને?' ત્યાં રાજા ફરી બોલ્યા “તમે સર્વે સમજુ અને વિદ્વાન છો. ભગવાન સર્વજ્ઞ દેવના માર્ગને નિશ્ચયવ્યવહારે ઉભયથી માનીને ચાલો. વ્યવહાર માર્ગ છોડીને ક્ષણવાર પણ તમે સ્વસ્થ ન જ રહી શકો. તમે સમજો તો હું તમારો શ્રાવક અને વિનમ્ર ઉપાસક છું. આપનો એક એક બોલ મારા માટે સર્વસ્વ હોય ત્યારે હું તમને સદઉં.”
આ સાંભળી સાધુ લજ્જા-આનંદ-બોધ અને સ્વસ્થતા પામ્યા. તેમણે સર્વની સાક્ષીએ કહ્યું કે “શ્રી જિનેશ્વર પરમાત્માએ બતાવેલી ક્રિયાવાળા ક્રિયાના કરનારા તેમજ લઘુ-જયેષ્ઠના પર્યાયે પરસ્પર વંદન કરનારા અમે નિગ્રંથ સાધુ છીએ. એમ વારંવાર બોલવા લાગ્યા. ને રાજાને કહ્યું હે રાજા ! મિથ્યાત્વના પ્રાબલ્ય ઘણા સમયથી અમે ભ્રાંત હતા, આજે તમે પાછો સન્માર્ગ બતાવ્યો. તમને ધન્ય છે. તે સાંભળી આનંદિત થયેલા રાજાએ પણ વિનમ્રતાપૂર્વક કહ્યું “પૂજયો ! મારી ધૃષ્ટતાને ખમજો. આપને બોધ થાય, એ જ માત્ર ઉદ્દેશ હતો મારા આ અયોગ્ય વ્યવહારમાં.” ઈત્યાદિ સ્તુતિપૂર્વક તે મહાન રાજાએ સર્વમુનિઓને ભાવપૂર્વક વાંદ્યા ને ક્ષમા માંગી.
સાધુઓ પણ શ્રી જિનેન્દ્રમતની અને રાજાની મહાનતાની પ્રશંસા કરતા વિહાર કરી ગયા. લાંબા કાળ સુધી તેમણે લોકોને સર્બોધ આપ્યો.
શ્રી મહાવીર પ્રભુના નિર્વાણ પછી બસો ચૌદ વર્ષે આ ત્રીજા નિદ્ભવ થયેલા.
સૂત્ર-સિદ્ધાંતોના યોગવાહી પોતાના શિષ્ય સાધુઓને વિઘ્ન ન થાય તે માટે શ્રુતભક્તિમાં આસક્ત એવા તે આષાસૂરિના જીવ દેવતાએ સ્વર્ગમાંથી આવી યોગવિધિની ક્રિયા પૂર્ણ કરાવી.
માટે આ ઉપધાન નામના ચોથા શુભાચારનું વર્ણન સાંભળી આગમાનુસાર ઉપધાનવિધિમાં આદર કરવો જેથી આપણો આત્મા ઉત્તમતાનું પાત્ર બને.