________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
૨૦૭
જ જણાવવું જોઈએ પણ ઓછું-વતું કહેવાય નહીં. તેમ કરવાથી - મૃષાવાદ, મનનું કાલુષ્ય તેમજ જ્ઞાનાતિચાર આદિ દોષો લાગે છે. ગુરુનો તેમજ શ્રુતનો અપલાપ કરવાથી રોહગુપ્તની જેમ સર્વગુણની હાનિ થાય છે.
રોહગુપ્તની કથા
અંતરિકાપુરીના ઉદ્યાનમાં શ્રીગુપ્ત આચાર્ય પોતાના સમુદાય સાથે પધાર્યા. ત્યાં બલશ્રી નામે રાજા રાજ્ય કરે, આચાર્યનો વિદ્વાન અને પ્રજ્ઞાવાન શિષ્ય રોહગુપ્ત બીજા ગામથી અહીં ગુરુમહારાજને વાંદવા આવ્યો, તે નગરીમાં થોડા દિવસથી એક વાદી તાપસ આવેલો હતો. તેણે લોહની પટ્ટીથી પેટ બાંધ્યું હતું ને હાથમાં જંબૂવૃક્ષની ડાળી રાખી હતી. તે નગરમાં ભમતો વાદ માટે આહ્વાન આપતો હતો. આ પટ્ટી ને ડાળીનો મર્મ લોકોએ પૂછતાં તેણે કહ્યું કે - “ઘણા જ્ઞાનના લીધે પેટ ફાટી જવાનો ભય ઊભો થતાં આ પટ્ટી પેટે બાંધી છે તથા આ જંબૂવૃક્ષની ડાળનો અર્થ એ છે કે આખા જંબુદ્રીપમાં મારી સામે વાદમાં ઊભો રહી શકે એવો કોઈ પ્રતિવાદી નથી. અંતે કોઈ પ્રતિવાદી ન મળવાથી તે વાદીએ આખી નગરીમાં ઘોષણા કરી કે - આખી નગરી શૂન્ય છે, બધા પરપ્રવાદી છે, મારો પ્રતિવાદી કોઈ નથી.’’
નગરમાં આવી પહોંચેલા રોહગુપ્તે આ ઘોષણા સાંભળી અચંબો અનુભવ્યો. તેણે તરત ઢંઢેરાને હાથ લગાડી વગાડવાની ના પાડી અને કહ્યું “હું વાદ કરીશ” ને વાદ માટેનો દિવસ નક્કી થયો. રોગુપ્તે ઉપાશ્રયે આવી ગુરુવંદન કરી ગુરુશ્રીને વાદની વાત જણાવી. ગુરુશ્રીએ કહ્યું : “તેં ઉતાવળ કરી. કારણ કે શાસ્રવાદ નહીં પણ હલકી વિદ્યાથી આ પ્રતિવાદીને પરાભવ પમાડે છે. કદાચ તે શાસ્ત્રાર્થમાં પરાભવ પામશે તો પણ તને હેમખેમ જવા નહીં દે. તે મંત્રવિદ્યાથી પ્રતિવાદીને ઉપદ્રવ કરે છે. તેની પાસે વીંછી, સર્પ, ઉંદર, હરિણ, ડુક્કર, કાગડા અને સમળીની વિદ્યાઓ છે.”
રોહગુપ્તે કહ્યું “હવે શું થાય ? પ્રગટમાં ઘોષણા નિવારી છે, તે હવે જે થવાનું હશે તે થશે.” ગુરુશ્રીએ તેનો દૃઢ નિર્ધાર જાણી કહ્યું : “જો તારો નિશ્ચય જ હોય તો હું તને પાઠસિદ્ધ તે સાતેની પ્રતિવિદ્યા આપું, તે તું ધારણ કર.” એમ કહી મોર, નોળિયા, બિલાડા, વાઘ, સિંહ, ઘુવડ અને બાજની પ્રતિવિદ્યા તેને આપી કહ્યું : “તે તે વિદ્યાની સામે પ્રતિકારરૂપે તારે આ વિદ્યાનો ઉપયોગ કરવો. તે વાદી અતિ દુષ્ટ અને ક્ષુદ્ર હોઈ તને બીજો ઉપદ્રવ ન કરે માટે લાવ તારો ઓઘો મંત્રી આપું. એવે સમયે આ ઓઘો તું તારા માથા પર ફે૨વજે, લે હવે તને ઇન્દ્ર પણ નહીં જીતી શકે.”
પછી ઉત્સાહિત થયેલો રોહગુપ્ત સમયે રાજસભામાં ગયો. ત્યાં માણસોની ઠઠ જામેલી. ન્યાયપંચની સામે વાદી-પ્રતિવાદીનાં આસનો હતાં ને ચારે તરફ કીડિયારાની જેમ જનમેદની હતી. રોહગુપ્તે કહ્યું ‘આ ભિક્ષુ-તાપસમાં કેવુંક જ્ઞાન છે તે તે જ બતાવે. તેની ઇચ્છા પ્રમાણે તે જ પૂર્વયક્ષ સ્થાપન કરે, હું ઉત્તર આપી ઉત્તરપક્ષ સમજાવીશ !'