________________
૨૧૦
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ અભિન્ન ? જો ભિન્ન માનીશ તો તે પ્રદેશો જીવ સાથે ફરી સંગમ કેવી રીતે થશે? કારણ કે ભિન્ન પ્રદેશો પરમાણુની જેમ બીજા (સામા) ભાગમાં મળી જાય, અને તે પ્રદેશોનો બીજા જીવ સાથે સંબંધ (એકાકારપણું) થવાથી તે બન્ને જીવોના કર્મનો પણ સંબંધ (સંકરપણું) થાય. આમ થતાં બન્ને જીવોના સુખ દુઃખાદિ પણ એક થઈ જવા જોઈએ મળી જવા જોઈએ, પણ તેવું તો થતું નથી. માટે તે પ્રદેશો તે આત્માથી ભિન્ન છે તેમ તો તું કહી શકવાનો નથી, અને જો તું એમ કહે કે તે પ્રદેશો જીવથી અભિન્ન છે, તો તે પ્રદેશો તે જીવના અંતર્ગત જ થયા. અર્થાત્ તે જ જીવના તે પ્રદેશ-તેમાં જ પાછા ભળી જવાવાળા નિશ્ચિત થયા. ને એમ થતાં જીવ અને અજીવ એમ બે જ રાશિ નિશ્ચિત થયા, પણ ત્રણ રાશિ ન થઈ શક્યા.
રોહગુતે કહ્યું: “ગુરુજી! તે પ્રદેશો છે તો અભિન્ન જ પણ સ્થાનભેદ થતાં તેને નોજીવ કહી શકાય. જેમ આકાશ એક છતાં સ્થાનભેદથી ઘડામાં રહેલું આકાશ ઘટાકાશ, અને ગૃહમાં રહેલું ગૃહકાશ કહેવાય છે તેમ. આમ સ્થાનભેદે તેને નોજીવ કહેવામાં કશો જ વાંધો નથી.”
આચાર્યદેવે કહ્યું “તેમ કહેવાથી તારે નોઅજીવ નામનો ચોથો રાશિ પણ માનવો પડશે. કારણ કે આકાશ વગેરે પણ અજીવ છે અને તેના પણ પ્રદેશો સંભવે છે. તેને પણ સ્થાનભેદની વિવક્ષાએ નોઅજીવ માન્યા વિના છૂટકો નથી; ને ચાર રાશિ થશે. કિંતુ લક્ષણની સમાનતાને લીધે, તે માનેલ નો જીવ ભિન્ન નથી તેવી જ રીતે સમાન લક્ષણે નોઅજીવ પણ અજીવથી ભિન્ન નથી.
આમ રાજસભામાં વાદ કરતાં છ મહિના થયા. રાજાએ નમ્રતાપૂર્વક કહ્યું : “ભગવન્! હવે આનો અંત આવે એમ ઇચ્છીએ છીએ, કારણ કે આથી રાજકાર્ય ખોરંભે ચડ્યું છે. આચાર્યશ્રીએ કહ્યું “આટલા દિવસ તો મેં એમ સમજીને વિતાવ્યા કે અશુભ પળો ટળે-અથવા સમય જતાં પણ શિષ્ય વાસ્તવિકતા સમજે. તેથી આ શિષ્ય સાથે મેં શાસ્ત્રાર્થની ક્રીડા જ કરી છે – પણ આવતીકાલે પ્રભાતે આનો અવશ્ય નિગ્રહ કરીશ.”
બીજે દિવસે આચાર્યશ્રીએ રાજાને કહ્યું “કુત્રિક (કુ=પૃથ્વી ત્રિક===ત્રણે લોકોની દુકાને એવી દૈવી શક્તિવાળાની દુકાન કે જયાં બધી જ વસ્તુ મળે) જઈએ. ત્યાં આખી પૃથ્વીનો માલ મળે છે. તે સર્વ વિદિત વાત છે. ત્યાં જઈ આપણે નોજીવ માંગીએ.”
રાજા અને નગરના ગણ્ય-માન્ય વ્યક્તિઓ સાથે ગુરુ-શિષ્ય કુત્રિકાપણે ગયા. રોહગુપ્તના કહ્યા પ્રમાણે આચાર્ય મહારાજ આદિએ પ્રથમ જીવ માંગતાં મેના-પોપટ મોર આદિ આપ્યાં અને અજીવની માંગણી કરતાં નિર્જીવ પથ્થર-લોખંડ આદિ આપ્યાં ત્યારબાદ નોજીવ માગતાં પાછાં જડ-નિર્જીવ પદાર્થો જ આપ્યા. કારણ કે “નો” નો અર્થ પણ નિષેધવાચક હોઈ નજીવ = નજીવ = અજીવ જ થાય. ફરી નો જીવ માંગતાં અજીવ વસ્તુઓ જ લાવવામાં આવી. ત્યારે પૂછ્યું કે “આ નોજીવમાં જીવનો અંશ ખરો કે નહીં?” ત્યારે અધિષ્ઠતાએ કહ્યું “ના વાસ્તવમાં જીવ અને અજીવ સિવાય સંસારમાં બીજું કાંઈ જ નથી.” ત્યારે ગુરુ મહારાજે શિષ્યને સમજાવતાં કહ્યું :