________________
૧૯૦.
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ (૨) બહુમાન હોય પણ વિનય ન હોય. સાંબકુમાર અથવા હમણા કહેવાતા બે નિમિત્તિયા આદિની જેમ.
(૩) વિનય હોય ને બહુમાન પણ હોય. કહેવામાં આવશે, તે કુમારપાળ આદિની જેમ અને -
(૪) કોઈને વિનય પણ ન હોય અને બહુમાન પણ ન હોય. કપિલા દાસી અથવા કાલસૌકરિક કસાઈ આદિની જેમ જાણવું.
બે નૈમિત્તિકનું દૃષ્ટાંત એક ગામમાં કોઈ સિદ્ધપુત્ર પાસે બે શિષ્યો નિમિત્તશાસ્ત્ર ભણતા હતા. તેમાં એક શિષ્ય બહુમાનપૂર્વક ગુરુવિનય કરતો હતો. ગુરુ જે કાંઈ કહે તે યથાર્થ રીતે સ્વીકારતો હતો. ત્યારે બીજા શિષ્યમાં તે ગુણ નહોતો. એકવાર બને શિષ્યો કાષ્ટાદિ લેવા જંગલમાં ગયા હતા. માર્ગની ધૂળમાં મોટાં પગલાં જોઈ એકે કહ્યું “આગળ એક હાથી ચાલ્યો જાય છે.” બીજાએ કહ્યું “હાથી નહીં હાથણી જાય છે. તે ડાબી આંખે કાણી છે. તેના ઉપર સધવા ને સગર્ભા રાણી બેઠેલાં જણાય છે આજકાલમાં જ તેઓ પુત્રની માતા બનશે.” આ સાંભળીને બીજાએ ઊકળીને કહ્યું “જોયા વિના આવું અસંબદ્ધ શાને બોલે છે?” બીજાએ કહ્યું: “આમાં અસંબદ્ધ જેવું કાંઈ નથી. જ્ઞાનથી બધું જ જણાય છે. તમને આગળ જતાં વિશ્વાસ થઈ જશે.”
તેઓ આગળ ચાલ્યા ને શહેરમાં આવતાં તેઓને ખબર મળ્યા કે અહીંનાં રાણીબાએ પુત્ર પ્રસવ્યો છે. શિષ્યને પ્રતીતિ તો થઈ પણ સાથે સાથે ગુરુમહારાજ પર ખેદ પણ થયો. ચાલતાં ચાલતાં તેઓ કોઈ ગામની સીમમાં નદી કાંઠે આવ્યા ત્યાં એક વૃદ્ધાએ પાણીનો ઘડો ભરી માથે મૂક્યો ને વિદ્વાન સિદ્ધપુત્રના શિષ્યો જાણી તેમને પૂછ્યું “સિદ્ધપુત્રો! વર્ષોથી દેશાંતર ગયેલા મારા દીકરાના કોઈ વાવડ નથી તે ઘેર ક્યારે આવશે?” આટલું પૂછતાં તે વૃદ્ધાના માથેથી ઘડો પડ્યો ને ફૂટી ગયો. તે જોઈ પેલા શિષ્ય કહ્યું ! “ડોશી નાહી નાખ. હવે તારો પુત્ર કદી ઘેર નહીં આવે તે મરી ગયો છે.”
આ સાંભળતાં જ વૃદ્ધા ફસડાઈ પડી. ત્યાં બીજા શિષ્ય કહ્યું “મા! શા માટે ખેદ કરો છો ? તમારો દીકરો ઘરે આવ્યો જ સમજો,” આ સાંભળી ડોશી ઊભી થઈ. પણ શંકા રહ્યા જ કરી કે બન્નેમાંથી કોણ નિમિત્તજ્ઞાની! બન્ને સમર્થ જાણકારના શિષ્યો ! વૃદ્ધા ઘેર જુએ છે તો દીકરો સાચે જ ઘરે આવેલ. વૃદ્ધાના આનંદનો પાર ન રહ્યો. તે ઘેલી ઘેલી થઈ વાલા દીકરાને કહે “હું પેલા નાના શિષ્યને મળીને તરત પાછી આવું” ને વસ્ત્ર, મીઠાઈ ને રૂપિયા લઈ તે ઉતાવળે ગઈ ને નાના શિષ્યને આપતાં કહ્યું “તમે સાવ સાચું કહ્યું. હું તો સાવ ભાંગી પડી હતી. પણ તમારું જ્ઞાન ખરેખરું !”