________________
૧૯૧
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૪
આ બધું જોઈ સાંભળી મોટા શિષ્યને ઘણું લાગી આવ્યું છે “ગુરુએ મને સારી રીતે ભણાવ્યો જ નથી. વિદ્યાનું રહસ્ય બધું આને જ શિખવાડ્યું લાગે છે નહીં તો તે આટલું બધું ક્યાંથી જાણે? પક્ષપાતી ગુરુનો જ બધો વાંક છે.”
ઇત્યાદિ સંકલ્પ-વિકલ્પ કરતો તે ગુરુ મહારાજ પાસે આવ્યો. ગુરુને જોતાં જ પેલા નાના શિષ્યને આનંદ આનંદ થઈ ગયો. આંખ પણ ભીની થઈ ગઈ. જાણે કેટલાંય વર્ષે પાછો ગુરુને મળ્યો હોય ! અતિ નમ્રતાથી તેણે ચરણવંદના કરી. ત્યારે પેલો તો અક્કડ હતો તેમાં આજે ગુરુ ઉપર રોષ હોઈ વધારે જડ બન્યો. ગુરુએ કહ્યું “કેમ ભાઈ ! આજે આમ દૂર ઊભો છે ? પગે તો લાગ” શિષ્ય કહ્યું : “તમારા જેવા ગુરુઓ પણ આંતરું રાખશે ને પક્ષપાત કરશે તો આ સંસારમાં કોઈને કાંઈ કહેવા જેવું રહેશે જ નહીં. ચંદ્ર પણ આગ વર્ષાવે તો કોને કહેવું?” ગુરુએ અચંબો પામતાં કહ્યું: “તું આ શું બોલે છે? મેં કદી પણ વિદ્યા આપવામાં કે આમ્નાય બતાવવામાં મન ચોર્યું નથી કે પડદો રાખ્યો નથી.” શિષ્ય કહ્યું “જો તમે સાચું કહેતા હો તો આ તમારો વહાલો શિષ્ય શાથી હાથણી આદિનું સ્વરૂપ જાણી શક્યો? કેમ મને કશું જ સમજાયું નહીં?”
આ સાંભળી ગુરએ નાના શિષ્યને બોલાવી પૂછ્યું. “વત્સ! તેં શી રીતે જાણું ! તે કહે” તેણે કહ્યું “આપના પસાયથી હું નમ્રતા-બહુમાનના લીધે માનસિક સ્વસ્થતા જાળવી શકું છું. તેથી ઊંડાણપૂર્વક વિમર્શ કરી શકાય છે. હાથી પગલાં જોઈ મેં વિચાર્યું કે હાથીનાં પગલાં સહુ જાણે છે. પણ આ હાથીનાં હશે કે હાથણીનાં? એમ વિચાર કરતાં તેણે કરેલ લઘુનીતિ (પિશાબ)થી જાણ્યું કે હાથીના પિશાબની ધાર આમ ન હોય. માટે હાથણી જ હોવી જોઈએ. તથા એક તરફના ઝાડપાન ને વેલાઓ સૂંઢથી ખેંચાયેલા-તૂટેલા ને બીજી તરફનાં પરાં જોતાં લાગ્યું કે હાથણી કાણી હશે. આવી હાથણી ઉપર રાજ પરિવાર જ હોય. માર્ગમાં એક જગ્યાએ રાણી પિશાબ કરવા ઊતર્યા હશે. તેમની ચરણરેખા ધૂળ પર પડેલી જોવાથી જાણ્યું કે અતિ પુણ્યવતી રાણીનો પગ છે. તેમના વસ્ત્રનો છેડો ઝાંખરામાં ભરાયો હશે તે તેનો લાલ તાંતણો ત્યાં જોઈ મેં વિચાર્યું કે “રાણી સધવા છે. તે પિશાબ કરી ઊઠ્યાં હશે ત્યારે પૃથ્વી પર હાથ મૂકી ઊભાં થયાં હતાં. તેમની હથેળી ધૂળમાં જોઈ મેં વિચાર્યું નિશ્ચય રાણી સગર્ભા છે. તેમજ ઊઠતાં જમણો પગ પહેલો મૂક્યો હોઈ જાયું કે તેમના ગર્ભમાં પુત્ર છે. તેમની ચાલ ઘણી જ મંદ હોઈ જાણ્યું કે પ્રસવકાળ ઘણો જ સમીપ છે. ઇત્યાદિ પ્રકારે મેં જે જાયું તે મારા ગુરુભાઈને કહ્યું” મોટાએ પૂછ્યું ઘણું સારું કર્યું પણ પેલી ડોશીના દીકરાની વાત કેવી રીતે કરી? ઘડો ફૂટવો એ તો મોટું અપશુકન છે. આ વાત તો આખો સંસાર જાણે છે. તેણે ગુરુને કહ્યું “તાત ! તે વૃદ્ધાએ જેવો પ્રશ્ન કર્યો કે તરત તેનો ઘડો પડ્યો ને ફૂટી ગયો. તે જોઈ મેં વિચાર્યું, “જેમ માટીથી જુદો પડેલો ઘડો માટીમાં અને પાણીથી જુદું પડેલું પાણી ઘડામાંથી નીકળી પાછું પાણીમાં મળી ગયું તેમ વૃદ્ધાથી જુદો પડેલો તેનો પુત્ર પાછો ઘરે આવ્યો જ હશે.” આ પ્રમાણે સાંભળી તેની સ્વચ્છમતિથી પ્રસન્ન થયેલા ગુરુએ બીજાને કહ્યું: “હે વત્સ! તેં મારો વિનય તો ઘણો કર્યો પણ હૃદયમાં બહુમાન ન હોવાથી યથાર્થ રીતે જ્ઞાન પરિણમ્યું નહીં.” ત્યારે આ નાનો શિષ્ય-સ્વાભાવિક રીતે જ મારા પર બહુમાન રાખે છે. બહુમાનપૂર્વક