________________
૧૯૮
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
એમ કહ્યું છે. તેથી જણાય છે કે ‘શ્રાવકે પણ શ્રુતનો અભ્યાસ કરી શકાય' તેનો ઉત્તર જણાવે છે કે આ પાઠના શ્રુતનો આશય આવશ્યક સૂત્રથી છે અને તેની પણ ઉપધાનપૂર્વક ભણવાની ભલામણ કરવામાં આવી છે. ‘સુક્ષ્મપરિરિંગ' આ પાઠ નંદિસૂત્રનો છે ને તરત ‘તવોવાળારૂં’ (તપ ઉપધાનાદિપૂર્વક) એ પાઠ કહ્યો છે. ફરી શંકા થાય કે ‘તો આવશ્યકસૂત્ર ભણવાની પણ છુટ્ટી ન જોઈએ. તેનો પણ નિષેધ કરવો જોઈએ કે આના પણ સાધુઓ જ અધિકારી છે. તેનો ઉત્તર આપતાં જણાવે છે કે અનુયોગદ્વાર સૂત્રમાં જણાવ્યું છે કે -
-
समणेण सावएण वाऽवस्सं कायव्वं हवइ जम्हा । अतो अह निसिस्सय, तम्हा आवस्सयं नाम ॥१॥
અર્થ :- શ્રમણ તેમજ શ્રાવકે રાત્રિએ તેમજ દિવસે આ ક્રિયા અવશ્ય કરવાની હોઈ તેને આવશ્યક કહેવામાં આવે છે.
આ વચને આવશ્યકસૂત્ર વિધિપૂર્વક વાંચવા ભણવા યોગ્ય છે, અને કારણ વિશેષે તો છ જીવનિકા અધ્યયન ભણવામાં દોષ નથી એમ ચૂર્ણીમાં કહ્યું છે.
અથવા ‘જે કોઈ આ મર્યાદા-નિયંત્રણ ન ઇચ્છે. વિનય તથા ઉપધાનાદિ વિના નવકાર આદિ શ્રુતજ્ઞાન ભણે-ભણાવે કે ભણતા-ભણાવતાની અનુમોદના કરે તેને ધર્મપ્રિય ન જાણવો. તેને ગુરુમહારાજની, અતીત, વર્તમાન અને અનાગત તીર્થંકરોની અને શ્રુતજ્ઞાનની આશાતના કરી છે એમ જાણવું. તે આત્માને અનંતકાળ સંસારમાં ભ્રમણ અને અનેક નિયંત્રણાઓ સહવી પડે છે. ઇત્યાદિ શ્રી મહાનિશીથસૂત્રના આલાપકથી બધે ઉપધાનનો વિધિ જાણવો. વર્તમાનકાળમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળાદિની અપેક્ષાએ, લાભાલાભને કારણે ઉપધાન તપ વહન કર્યા પૂર્વે સૂત્ર ભણવાની આચરણા જણાય છે. કિંતુ આ આચરણા શ્રી જિનેશ્વરદેવની આજ્ઞારૂપ જ જાણવી જોઈએ. કેમ કે– असढाइण्णवज्जं गीयत्थअवारिअंति मज्झत्था । आयरणा विहु आत्ति, वयणओ सुबहुमन्नंति ॥ १ ॥
અર્થ :- અશટ એવા પ્રાજ્ઞપુરુષોથી આચીર્ણ અનવદ્ય-નિષ્પાપ આચરણા, જેનું મધ્યસ્થ અને ગીતાર્થ પુરુષોએ વારણ કર્યું નથી એવી આચરણા પણ ભગવાન જિનેશ્વરદેવની જ આજ્ઞા છે. એ વચનથી તે તે આચરણાને પણ બહુમાનપૂર્વક માનવામાં આવે છે.
જેણે બાળવય આદિ કારણે ઉપધાન કર્યા વિના જ નવકાર આદિ સૂત્રોનું અધ્યયન કર્યું હોય તેણે પોતાની શક્તિ અનુસાર અવશ્ય ઉપધાનની આરાધના કરવી જોઈએ. ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે કદાચ ગુરુમહારાજનો યોગ ન મળે તો નિપુણ શ્રાવકે સ્થાપનાચાર્યજીની સમક્ષ ઉપધાનની સર્વ વિધિ કરવી, પણ આ ઉત્તમ અનુષ્ઠાન આળસમાં ખોવું નહીં. આ વાત હીરપ્રશ્નમાં પણ છે. માત્ર સંસાર ને વ્યવહારના કામકાજમાં અત્યંત વ્યગ્ર ને વ્યસ્ત રહેવાને કારણે કે પ્રમાદના