________________
૨૦૦
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
વસ્ત્રાભૂષણનો શણગાર ઉતારી લોકો ચાલતા થયા. થડ જેવો એકલો થાંભલો ઉજ્જડ સીમમાં રહી ગયો ને કાગડાઓએ ત્યાં કાગારોળ કરી મૂકી, આચાર્ય મહારાજે આ જોઈ વિચાર્યું કે “માણસોનો સમૂહ હતો તેથી થાંભલો શણગાર્યો હતો ને માણસોથી જ તેની શોભા હતી. એ માણસો ચાલ્યા જતાં થાંભલો હાડપિંજર જેવો લાગે છે. ખરેખર પરિવારથી પરિવરેલાની જ શોભા છે. એકલાની કશી શોભા નથી. શિષ્યાદિ પરિવાર અને ધર્મથી ભ્રષ્ટ થઈ એકલા વિચરવાનો વિચાર કરનાર મને ધિક્કાર છે.” ઇત્યાદિ વિચારતાં તેઓ ઉપાશ્રયે પાછા ફર્યા. પ્રાયશ્ચિત્ત લઈ તે પાપની નિંદાગહ કરી છતાં દુર્ભાવનાથી બાંધેલું જ્ઞાનાવરણીય કર્મ નષ્ટ ન થયું. પછી તો તેમણે શુદ્ધ ચારિત્ર પાળ્યું, અંતે અણસણ પણ કર્યું ને કાળ કરી સ્વર્ગે ગયા.
- દેવલોકનું આયુ પૂર્ણ કરી તેઓ રબારીને ત્યાં પુત્ર તરીકે અવતર્યા. યુવાન થતાં તેનાં લગ્ન થયાં ને તેને એક રૂપાળી દીકરી પણ થઈ. એ તરૂણ થતાં તેનું રૂપ પણ ખીલી ઊઠ્યું. હંમેશાંની જેમ એકવાર ઘણા રબારી પોતપોતાનાં ગાડાં ભરી બીજા ગામ ઘી વેચવા ચાલ્યા. આ રબારી પણ ચાલ્યા ને કાંઈ કાર્યવશ તેની દીકરી પણ સાથે આવી. તે ગાડું હાંકતી હતી. તેને જોઈ બીજા ગાડીવાળાનાં મન બગડ્યાં. મોહાંધ થવાથી તેઓ એટલા વ્યગ્ર થઈ ગયા કે માર્ગ છોડી આડા માર્ગે ગાડાં હાંકવા લાગ્યા ને તેમ કરવાથી તેમનાં ગાડાં ધડાધડ ભાંગવા લાગ્યાં. આ જાણી પેલા રબારી બાપે વિચાર્યું “આ સંસારની વૃત્તિ-પ્રવૃત્તિને ધિક્કાર છે. અસાર અને મળ-મૂત્રની મશક જેવા સ્ત્રીના શરીરમાં બધાં જ મુગ્ધ ને કામાંધ બને છે અને પોતાના હિતાહિતને પણ સમજતા નથી.” આમ અશુચિત્વાદિ ભાવના ભાવમાં વૈરાગ્ય ઊપજ્યો, ઘી વેચી પોતાને ઘેર આવ્યો. પુત્રીને યોગ્ય સ્થાને પરણાવી અને એમાં સદ્ગુરુનો સમાગમ થતાં દીક્ષા લીધી. આવશ્યકાદિસૂત્રના યોગ કરી અનુક્રમે ઉત્તરાધ્યયનના યોગ આરંભ્યા. ત્રણ અધ્યયન તો પૂરા કર્યા પણ ચોથા અધ્યયનના પ્રારંભમાં પૂર્વસંચિત જ્ઞાનાવરણીય કર્મનો ઉદય થતાં, ઘણો જ પ્રયત્ન કરવા છતાં ચોથા અધ્યયનના અસંખયજીવિય આદિમાંથી એક અક્ષર પણ ન આવડ્યો,
આ વાત તેમણે પોતાના ગુરુજીને જણાવી કે “અચાનક આ શું થઈ ગયું? મને ઉપાય બતાવો.” ગુરુએ કહ્યું “તમે આયંબિલનું તપ કરો, રાગ-દ્વેષનો નિગ્રહ કરો અને તે માટે મા મા તુસ (રોષ ન કર, તોષ-રાગ ન કર)નું રટણ કર્યા કરો, તેથી રાગ-દ્વેષ ઉપજાવનાર વૃત્તિ પર તમારું નિયંત્રણ થશે. આને તમે રહસ્યમય મંત્ર સમજીને રટતા રહેશો તો ઘણો લાભ થશે.” તે મુનિએ ગુરુમહારાજે આપેલું પદ લઈ ગોખવા માંડ્યું ને બીજો પાઠ ન લીધો. કેમ કે કંઠસ્થ થતું જ ન હોતું. ગોખવા છતાં જોરજોરથી ગોખવા છતાં જ્ઞાનાવરણીય કર્મના પ્રાબલ્યથી આ બે પદમાં પણ જીભ થોથરાવા લાગી, મા રુસ મા તુસ ગોખતાં ગોખતાં તો માસ તુસ મા તુસ બોલવા લાગ્યા ને આ સાંભળી બધા હસવા લાગ્યા. છતાં મુનિએ ગુરુમહારાજની શિખામણ ધ્યાનમાં, રાખી અને આપેલા પદને મંત્રની જેમ માની રોષ ન કર્યો ને ક્ષમા રાખી. જેમ જેમ બીજા હસતા તેમ તેમ તેઓ પોતાના આત્માની વધારે નિંદા કરતા કે “હે જીવ! તું રોષ ન કર, તું તોષ ન કર.”