________________
૧૯૪
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ સુગંધિત કેવી રીતે થાત? પછી આચાર્યદેવે ગુર્જરાધિપતિ કુમારપાળને કહ્યું: “મહારાજા ! આ યુગમાં તમારા જેવા રાજા હોઈને જ શ્રી જિનાગમનો વિસ્તાર થયો છે. ત્રિકરણશુદ્ધ શ્રુતભક્તિ તથા બહુમાનનું આ વિસ્મયકારી ફળ તમને અહીં જ મળ્યું છે. ઈત્યાદિ ગુરુમુખે પોતાની પ્રશંસા નમ્રમુખે રાજા સાંભળી રહ્યા. અંતઃકરણની ભક્તિથી જ્ઞાન-જ્ઞાનીના અનેક પ્રકારના બહુમાનપૂર્વક એક જ ઉપવાસથી શાસનદેવે જેનો મહિમા કર્યો છે અને તેથી જ જેનો સવિશેષ અભ્યદયપૂર્વકનો પ્રતાપ, પ્રભાવ અને વૈભવ વિસ્તાર પામ્યો છે એવા તે ઉત્તમ શ્રાવકે મહેલમાં આવી મોટા ઉત્સવપૂર્વક પારણું કર્યું. રાજાના ઉપવનમાં ઊપજેલા તે સ્તીર્ણ તાડપત્રો પર લહિયાઓએ શ્રી હેમચંદ્રસૂરિજીના અનેક ગ્રંથો લખ્યા.
શ્રી કુમારપાળ મહારાજા જ્ઞાન-જ્ઞાની ઉપર સહર્ષ બહુમાનને ધારણ કરતા અલૌકિક ને શુદ્ધ શ્રાવકપણું પામ્યા.
૨૬૦ ચોથો આચાર-ઉપધાન વહન उपधानतपस्तप्त्वा, आवश्यकं पठेद् गृही ।
योगैश्चाप्तागमान् साधु-रित्याचारचतुर्थकः ॥१॥ અર્થ - ઉપધાનતપની આરાધના કરીને શ્રાવકે આવશ્યકાદિ સૂત્રો ભણવાં જોઈએ અને યોગોદ્વહન કરીને સાધુમહારાજોએ આગમ ભણવાં જોઈએ. આ ચોથો જ્ઞાનાચાર છે.
શ્રુત અધ્યયનની ભાવનાવાળા શ્રાવકે ઉપધાનતપ કરવાપૂર્વક આવશ્યકાદિ ભણવા જોઈએ. ‘ઉપ' એટલે સમીપે ધીયતે” એટલે ધારણ કરાય તે ઉપધાન. અર્થાત્ આત્માની સમીપે રહી, તપ વડે જ્ઞાનને ધારણ કરાય તે ઉપધાન.
- સાધુ મહારાજને આવશ્યકાદિ શ્રુત ભણવા માટે આગાઢ અને અનાગાઢ એમ બે પ્રકારના યોગ સિદ્ધાંતથી અવિરૂદ્ધ એવી સ્વસામાચારી પ્રમાણે જાણવાં. શ્રાવકોને પંચમંગલ મહાશ્રુતસ્કંધ (નવકાર મંત્ર) આદિ સૂત્રની આરાધના માટે શ્રી મહાનિશીથ આદિ સૂત્રમાં જણાવેલાં છ ઉપધાન પ્રસિદ્ધ જ છે. જેમ સાધુઓને યોગવહન કર્યા વિના સિદ્ધાંતનું અધ્યયન સૂઝતું નથી તેમ શ્રાવકોને પણ પંચપરમેષ્ઠિ મહામંત્રાદિ ભણવા-ગણવાનું સૂઝે નહીં. કલ્પે નહીં. મહાનિશીથ સૂત્રમાં જણાવ્યું છે કે અકાળ, અવિનય, અબહુમાન તથા અનુપધાન આદિ જ્ઞાન સંબંધી આઠ અનાચારમાં ઉપધાન નહીં કરવા રૂપ અનાચાર મોટો દોષ છે. જેઓ ઉપધાનવહન કે યોગવહનના વિધિ પ્રત્યે અનાદર કે મંદાદર રાખનારા છે તેમણે પૂર્વાચાર્યો તથા સૂત્રોનાં વાક્યોનું અવલોકન કરવું જોઈએ.