________________
૧૮૮
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ચૂંકા રસ્તા પર ચાલતાં ને પગલે પગલે ઠોકર ખાતાં આચાર્ય ક્રોધે ભરાયા. આક્રોશ કરી બોલ્યા ! ‘રે દુષ્ટ ! આ કેવો રસ્તો શોધ્યો ?’ ને એમ કરતાં વધારે ખિજાઈ તેમણે નૂતન મુનિને ઠંડો ફટકારી દીધો. શિષ્ય વિચારે છે કે ‘હું જ કેવો નિર્ભાગી, ગુરુમહારાજને અશાંતિ ઉપજાવું છું. તેઓ તો પોતાના શિષ્યો સાથે સુખે રહેતા હતા ને મેં જ તેમને ત્રાસ આપ્યો. કેટલાક શિષ્યો તો જીવનપર્યંત ગુરુમહારાજને સુખ આપનારા હોય છે. ત્યારે મેં પ્રથમ દિવસે જ ગુરુને દુભવ્યા ને આશાતના કરી. પરંતુ હવે સ્થાને તો પહોંચવું જ રહ્યું. માર્ગમાં કોઈ ઠૂંઠુ આદિ ન વાગે કે ઠોકર ન વાગે તેવા હેતુથી તે સંભાળપૂર્વક આગળ ચાલી મહારાજજીને માર્ગ બતાવવા લાગ્યો.
ન
આમ યતનાપૂર્વક આગળ ચાલતાં તે મુનિ વિચારે છે કે ‘આ સંસારમાં ગુરુ મહારાજનો મારા પર મોટો ઉપકાર છે. અનાદિકાળથી નહીં મળેલો મોક્ષમાર્ગ આમના પસાયે મને મળ્યો. ધન્ય હો ગુરુવર્ય ! અનાદિથી હું સંસારમાં રખડું છું. મને પરમાત્મા વીતરાગદેવે કહેલા માર્ગનું રહસ્ય તમે જ બતાવ્યું છે. અનાદિથી આજ સુધી મને એવો કોઈએ માર્યો નથી કે જેથી ક્રોધના બદલે શાંતિ ઊપજે !!! મારા તો ભવોભવનાં કર્મ નાશ જ પામ્યાં. આવો ઉપકાર સાચા ગુરુ વિના કોણ કરી શકે તેમ છે ?
આમ શુભધ્યાનમાં મગ્ન થઈ ઉપશમશ્રેણિ દ્વારા કર્મદલિક ઉપશમાવી-ફરી ક્ષપકશ્રેણિએ આરૂઢ થઈ તે કર્મોના અંશોનો ક્ષય કરી અદ્ભુત સામર્થ્ય મોહરાજાની સેનાનો પરાજય કરી કેવળજ્ઞાન પામ્યા. માત્ર ગુરુવિનયથી જ કેવળજ્ઞાનની ઉપલબ્ધિ થઈ. જેને માટે ઉદ્યમ કર્યો હતો તે તત્કાળ મળી ગયું. કેવળજ્ઞાન થયા પછી તે મુનિ જ્ઞાનબળે બધું જોતા-જાણતા હોઈ વિષમ માર્ગ છોડી સારા માર્ગે ચાલવા ને ગુરુમહારાજને લઈ જવા લાગ્યા. ગુરુને ધર્મપ્રીતિથી સુપ્રસન્ન કર્યા.
પ્રાતઃકાળ થતાં આચાર્યશ્રીજીએ નૂતન શિષ્યના માથા ઉપર લોહી વહેતું જોયું. તેઓ સમજી ગયા કે તરતના લોચવાળા મસ્તક પર મારા પ્રહાર થતાં લોહી નીકળ્યું છે. ઊગતી વયનો અને નવો જ દીક્ષિત હોવા છતાં આની મન-વચન અને કાયાના યોગથી ઉત્તમ ક્ષમા અને પ્રબળ વિનય છે. આ બધું અલૌકિક અને અદ્ભુત કહેવાય. હું લાંબા કાળથી દીક્ષિત, અનુભવી અને પંડિત છું. છતાં મારા ક્રોધની ઉગ્રતા ઘણી છે. હું ક્ષમા રાખી શકતો નથી. ભગવાને ક્રોધને ક્ષમાથી જીતવાના ઉપાય બતાવ્યા છે. છતાં તેમાં મને સફળતા મળી નથી. મારા ક્રોધને વારંવાર ધિક્કાર છે.'
ઇત્યાદિ ઊંડાણપૂર્વક ચિંતન કરતાં આચાર્યદેવે નૂતન શિષ્યને પૂછ્યું : “ભદ્ર ! મને આ આશ્ચર્ય વિસ્મય ઉપજાવે છે કે પહેલાં તો તું માર્ગમાં વારંવાર ઠોકર ખાઈ જતો પણ પછી તો તે અંધારામાં જ તું મને જરા પીડા ન થાય-જાણે તને સૂર્ય માર્ગ બતાવતો હોય તેમ સારી રીતે ચાલતો હતો. આ અચરજ મનમાં માતું નથી.” શિષ્યે શાંતિથી કહ્યું : દેવ-ગુરુના વિનયથી શ્રુતજ્ઞાન પ્રાપ્ત થાય છે. તેમજ શ્રુતજ્ઞાન બીજાં જ્ઞાન મેળવી આપે છે અને જ્ઞાનથી શું અજાણ્યું છે ? ને જ્ઞાનથી શું પ્રાપ્ત થયું નથી ? અર્થાત્ બધું જ મળે છે.' ઇત્યાદિ