________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
૧૬૭
ફરી હું તમને કહું છું કે તમે મને ગોશાળક માનવાની ભૂલ ન કરશો. હું પરકાયા પ્રવેશ વિદ્યા જાણું છું. એક શરીર નિર્બળ થઈ જાય ત્યારે હું બીજા શરીરમાં પ્રવેશ કરું છું. તમે બધા અત્યારે મને જે જુઓ છો તે મારું સાતમું શરીર છે.
તમારો શિષ્ય ગોશાળક તો ક્યારનોય મૃત્યુ પામ્યો છે. તેનું શરીર સુદૃઢ હોઈને મેં તેનામાં પ્રવેશ કર્યો છે. મારું વૃત્તાંત હું તમને કહું.
સર્વ પ્રથમ હું રાજગૃહી નગરીનો ઉદાયી નામે રાજા હતો. તે શરીર છોડીને બીજા માણસના શરીરમાં હું બાવીશ વર્ષ સુધી રહ્યો. એ પછી દંડપુર નગરના મલરાજાના શરીરમાં એકવીશ વરસ સુધી, ચંપાનગરના રહેવાશી મંડિતના શરીરમાં વીસ વરસ, વારણશી નગરીના વારાહના શરીરમાં ઓગણીશ વરસ, આલંભિકા નગરીમાં ભારંડના શરીરમાં અઢાર વરસ, વિશાલા નગરીના નાગાર્જુનના શરીરમાં સત્તર વરસ સુધી અનુક્રમે રહ્યો છું અને છેલ્લે, શ્રાવસ્તી નગરીમાં રહેતા મંખલીપુત્ર ગોશાળકનું શરીર સ્વસ્થ અને સુદૃઢ જાણીને તેમાં હું રહું છું. આ શરીરમાં હું કુલ સોળ વરસ રહીશ. અમારા સિદ્ધાંત પ્રમાણે એકસો ત્રીસ વરસમાં અમારે સાત શરીર બદલવાનાં હોય છે.”
ગોશાળકે પોતાની વાત પૂરી કરી. હવે ભગવાન શ્રી મહાવીર બોલ્યા : ‘હે ગૌશાળક ! તું તદ્દન નાના બાળક જેવી વાત કરે છે. કોઈ ચોર ઊનના એક તાંતણાથી કે રૂના પૂમડાથી કે પછી એક તણખલાથી પોતાને સંતાડવાનો પ્રયત્ન કરે તેવું તું કરી રહ્યો છે. તું પોતે મંખલીપુત્ર ગોશાળક છે. આમ છતાંય તું તારા આત્માને છુપાવાનો અને છેતરવાનો શા માટે પ્રયત્ન કરે છે ?'
ભગવાનની વાણીમાં ગોશાળક પ્રત્યે પ્રેમ અને કરુણાની ગંગા-યમુના ઘૂઘવતી હતી. પરંતુ ગોશાળક મિથ્યાભિમાનમાં અંધ બન્યો હતો. તેણે ભગવાનશ્રીની સત્ય વાતનો ધરાર ઇન્કાર કર્યો અને તેમને મનફાવે તેમ ઉદ્ધતાઈથી બોલવા લાગ્યો.
ભગવાનનું આવું અપમાન તેમના શિષ્યો સર્વાનુભૂતિ અને સુનક્ષત્રથી સહન ન થયું. પ્રથમ સર્વાનુભૂતિ બોલ્યા : ‘હે આર્ય ! તમારે ભાષાના વિવેક અને સંયમ રાખવા જોઈએ. ગુરુની આશાતના કરવાથી તો ઘોર પાપ બંધાય છે. હે મંખલીપુત્ર ! ભગવાન શ્રી મહાવીરપ્રભુ પાસેથી જ તમે જ્ઞાન અને તેજોલેશ્યા પામ્યા છો તે તમે કેમ ભૂલી જાવ છો ?’’
તેનો જવાબ આપવાને બદલે ગોશાળકે તેજોલેશ્યા છોડીને સર્વાનુભૂતિ મુનિને જીવતાં બાળી મૂક્યા. આ જોઈને સુનક્ષ મુનિ બોલ્યા : ‘હે મંખલીપુત્ર ગોશાળક ! ત્રિલોકગુરુની આશાતના કરીને તમે શા માટે નાહક નરકગતિની તૈયારી કરો છો ?' ગોશાળકે તેમને પણ તેજોલેશ્યાથી સળગાવી મૂક્યા.
ઉ.ભા.-૪-૧૨