________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
૧૭૩ ને ચોથી પોરિસીમાં ભણાય-ગણાય અને દશવૈકાલિક આદિ તથા દૃષ્ટિવાદ આદિ આગમો ઉત્કાલિક છે. અર્થાત્ બધી પોરિસીમાં તે ભણી-ગણી શકાય છે. તેમાં સૂત્ર-પોરિસીમાં ભણવું અને અર્થપોરિસીમાં અર્થ કરવા અથવા ઉત્કાલિકસૂત્ર ભણવા એવી વ્યવસ્થા છે. દિવસ તથા રાત્રિની પ્રથમ તેમજ છેલ્લી પોરિસીમાં અસ્વાધ્યાયના અભાવે ભણી શકાય માટે તે કાલિકસૂત્ર કહેવાય. કાલિકનો શબ્દાર્થ એવો છે કે યોગ્ય કાલે જ ભણવું તે અને માત્ર કાળવેળા સિવાય બધી પોરિસીમાં ભણાય તેને ઉત્કાલિક કહ્યું છે. કાલિક તથા ઉત્કાલિક બન્ને શ્રુતનો લઘુ અસ્વાધ્યાય (અનધ્યાય) કાળ બે ઘડીનો છે. તેવી કાળવેળા રાત-દિવસમાં ચાર આવે છે. તેટલો વખત સ્વાધ્યાય કરાય નહીં. તે સમય આ પ્રમાણે છે :
(૧) સાયંકાળની સંધ્યા સમયે. (૨) મધ્ય રાત્રે. (૩) પ્રભાતકાળે તથા (૪) મધ્યાહ્ન સમયે. આ કાળમાં સ્વાધ્યાયનો નિષેધ સમજવો. કિંતુ પ્રતિલેખન-પ્રતિક્રમણ-દેવવંદન કે સ્મરણસ્તોત્રાદિ ક્રિયામાં નિષેધ નથી. અન્ય દર્શનકારોએ પણ કાળ વખતે સંધ્યાવંદન વગેરે ક્રિયાઓ, કરવી વિહિત માની છે. બ્રાહ્મણો સદા ત્રણ સંધ્યાએ મળી ત્રણસો ચોવીસ વાર ગાયત્રી મંત્રનો જાપ પૂર્ણ કરે છે. આ દુષ્ટ કાળ (અસજઝાય)માં સર્વ શાસ્ત્રોમાં સૂત્રનું પઠન-પાઠન વર્જિત કરવામાં આવ્યું છે. અન્ય દર્શનો પણ કહે છે કે –
चत्वारि खलु कर्माणि, सन्ध्याकाले विवर्जयेत् ।
आहारं मैथुनं, निद्रां, स्वाध्यायं च विशेषतः ॥१॥ અર્થ - સંધ્યાટાણે આહાર, મૈથુન, નિદ્રા અને વિશેષે કરી સ્વાધ્યાય આ ચારે વસ્તુ અવશ્ય છોડી દેવી. કેમ કે :
आहाराज्जायते व्याधिः, क्रूरगर्भश्च मैथुनात् ।।
निद्रातो धननाशः स्यात्, स्वाध्याये मरणं भवेत् ॥२॥ અર્થ:- સંધ્યા સમયે જો જમવામાં આવે તો વ્યાધિ થાય, મૈથુન સેવવામાં આવે તો ગર્ભ રહે તો ક્રૂર રહે, નિદ્રા કરવામાં આવે તો ધનનો નાશ થાય અને સ્વાધ્યાય કરવાથી મૃત્યુ થાય.
તેમજ કાળ વખતે સ્વાધ્યાય કરવાથી તે કાળે કરવાની ઉચિત ક્રિયામાં સાધુ કે શ્રાવકને ઉપયોગ ન રહેવાથી તે કાળે તે ક્રિયા ન થવાથી ક્રિયાભ્રષ્ટત્વ આવે છે. સ્વાધ્યાયાદિમાં ગાથાછંદના પ્રચુરત્વને કારણે સહજપણે મધુર ધ્વનિ ઉત્પન્ન થતો હોઈ લોકો પણ નિંદા કરે છે કે આ જૈન સાધુઓ પઠનકાળને જાણતા પણ નથી.
વળી નિરંતર સ્વાધ્યાય કરવાથી પરિશ્રમ થાય. અસ્વાધ્યાયના કાળમાં વિશ્રામ પણ મળી રહે, તે કાળે આવશ્યક ક્રિયા પણ કરવાની હોય જ છે, તે યથાવસરે કરાય. કારણવશે ક્રિયામાં કાળનો અતિક્રમ થાય તે જુદી વાત છે – બાકી તો સમય જ કરવાની હોય છે.