________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
૧૮૫ જોઈ તેમને આશ્ચર્ય ઉપજાવવા સિંહનું રૂપ વિદ્યાબળે લીધું. સાધ્વીઓ તો વિકરાળ સિંહને જોઈ ભયભીત થઈ પાછાં દોડી આવ્યાં ને કહ્યું : “ભાઈ મહારાજનું શું થયું? ત્યાં તો વિકરાળ સિંહ બેઠો છે.”
આ સાંભળી મહારાજજીએ ઉપયોગ મૂકી જોયો ને કહ્યું: ‘તમે પાછા જાવ, ત્યાં સિંહ નથી સ્થૂલભદ્ર મુનિ છે. તેમને વંદન કરી આવો.” આ સાંભળી સાધ્વીજી પાછાં ગયાં ને ત્યાં સ્થૂલભદ્રમુનિને સાશ્ચર્ય જોયા ને વંદના કરી. શાતા પૂછી પોતાના ભાઈ શ્રીયકમુનિના સ્વર્ગવાસ આદિની બીના કહી, પોતે સિંહ જોયો હતો તે સંશય પૂછી નિઃશંક થઈ પાછી ફરી. પછી અવસરે સ્થૂલભદ્રમુનિ ઉપાશ્રયે આવ્યા અને યોગ્ય સમયે વાચના લેવા ઉપસ્થિત થયા ત્યારે આચાર્યશ્રીએ કહ્યું : “તું યોગ્ય નથી માટે તને વાચના નહીં આપી શકું.”
આ સાંભળતાં જ વજાહિતની જેમ શૂન્ય થઈ ગયેલા સ્થૂલભદ્ર દીક્ષા દિવસથી આરંભી તે સમય સુધીમાં થયેલા પોતાના અપરાધો સંભારી ગયા પણ કોઈ એવો અપરાધ જણાયો નહીં. પછી તેઓ બોલ્યા: “એ પૂજયવર્ય! આપશ્રીની અપ્રીતિના કારણ સ્વરૂપ કોઈ અપરાધ મારાથી થયો જણાતો નથી. આપશ્રીના ખ્યાલમાં હોય તો જણાવવા કૃપા કરો.” શ્રી ભદ્રબાહુસ્વામીએ કહ્યું: “અપરાધનો સ્વીકાર કર્યા વિના પાપ શાંત થતું નથી. તું યાદ કર.' ત્યાં સ્થૂલભદ્રમુનિને સિંહનું રૂપ કરવા દ્વારા શ્રતની આશાતના યાદ આવી ને તેઓ આચાર્યના ચરણકમળમાં પડી મને ક્ષમા કરો, આવી ભૂલ હું ફરી નહીં કરું ઇત્યાદિ કહી ક્ષમા માંગવા લાગ્યા. પણ શ્રી ભદ્રબાહુસૂરિજીએ સાફ ના પાડી. આર્ય સ્થૂલભદ્રજીએ સંઘના આગેવાનોને બધી બીના કહી. ગુરુ મહારાજને મનાવી લેવા અનુનય કર્યો. કારણ કે મોટાઓના કોપને મોટા જ ઉપશાંત કરી શકે છે. સંઘના અગ્રણીઓનો ઘણો આગ્રહ જોઈ સૂરિજીએ કહ્યું: “સ્થૂલભદ્રની જેમ બીજા જીવો પણ હવે નિરર્થક વિદ્યાનો ઉપયોગ કરતા થઈ જશે. હવે પછીના જીવો તો મંદસત્વવાળા હોઈ દુરુપયોગ થવા સંભવ પણ ખરો. માટે તમે આગ્રહ નહીં કરો.” પણ સંઘે આગ્રહ નહીં છોડતાં પોતે ઉપયોગ મૂકી જાણ્યું કે “બાકીના પૂર્વોનો મારાથી અભાવ નથી.” “બાકીના આ ચાર પૂર્વે બીજાને તારે ભણાવવા નહીં” એવો અભિગ્રહ આપી તેમણે સ્થૂલભદ્રમુનિને ચાર પૂર્વની મૂળ મૂળ વાચના આપી. જેથી શ્રી સ્થૂલભદ્ર ચૌદ પૂર્વના ધારક થયા.
પરમાત્મા શ્રી મહાવીરદેવના નિર્વાણ પછી એકસો સિત્તેર વર્ષે શ્રી ભદ્રબાહુવામી પણ પંડિતભાવે સમાધિપૂર્વક સ્વર્ગસ્થ થયા. આ દષ્ટાંતનો ઉપનય વિચારી શ્રુતની આશાતનાનો ત્યાગ કરવો. આ પ્રમાણે શ્રુતનો વિનય સમજાવ્યો.
તેમજ શુશ્રુષા આદિ કરવાનો અવસરે જ્ઞાનીનો પણ વિનય કરવો. તે બાબતમાં સૂત્રમાં ફરમાવ્યું છે કે :