________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ પરમાત્માની પણ ઘોર આશાતના કરનાર સંખલીપુત્ર ગોશાળકનો જીવ છે !” એ પછી મુનિ ગોશાળકને તેનો પૂર્વભવ કહેશે અને અકારણ પોતાને ન સતાવવા સમજાવશે. મહા મિથ્યાત્વી ગોશાળક તેમની એક પણ વાત નહિ માને. ફરી એ મુનિને રથ ચલાવીને તેમને ઈજા પહોંચાડશે. આથી ક્રોધે ભરાઈને સુમંગલ મુનિ પોતાની તેજોલેશ્યાથી ગોશાળકને રથ સહિત બાળી મૂકશે.
પછી મુનિ એ પાપની આલોચના કરીને, નિર્મળ ચારિત્રનું પાલન કરતાં અંતે એક માસનું અનશન કરીને સમાધિ મરણ પામશે. તેમનો જીવ ત્યાંથી સર્વાર્થસિદ્ધ નામના દેવલોકમાં ઉત્પન્ન થશે.
હવે ગોશાળકનો જીવ મહાપદ્મ તે મરીને સાતમી નરકે જશે. તેત્રીશ સાગરોપમ જેવા સુદીર્ઘ સમય સુધી અસહ્ય દુઃખો ભોગવીને તેનો જીવ મલ્ય યોનિમાં જશે. ત્યાંથી પુનઃ સાતમી નરકે જશે. ફરી પાછો મત્સ્ય બનશે. મરીને તે છઠ્ઠી નરકે જશે. ત્યાંનું આયુષ્ય ભોગવીને દુર્ભાગી નારી બનીને અનેકવિધ દુઃખ ભોગવશે અને મરીને છઠ્ઠી નરકે જશે.
છઠ્ઠી નરકેથી નીકળીને તેનો જીવ ફરી સ્ત્રીનો અવતાર પામશે. ત્યાં અનેક કદર્થના પામશે. મરીને પાંચમી નરકે જશે. નરકમાંથી છૂટીને ઉર:પરિસર્પ બનશે. ત્યાં તાડના-તાડનબંધનાદિ દુઃખો સહન કરતાં મૃત્યુ પામીને પુનઃ પાંચમી નરકમાં અને ત્યાંથી પુનઃ ઉર પરિસર્પપણું પામશે. તેનું આયુષ્ય ભોગવી વિકરાળ સિંહ બનશે. હિંસા કરીને ચોથી નરકે જશે. ત્યાંથી ફરી સિંહયોનિમાં ઉત્પન્ન થશે અને મરીને ફરી સિંહ બનીને મરીને પક્ષી બનશે. પક્ષીનું આયુષ્ય ભોગવીને ત્રીજી નરકે જઈ પાછો પક્ષી થઈને બીજી નરકે જશે. ત્યાંથી ભૂજપરિસર્પ થઈ પાછો બીજી નરકે જશે અને ફરી ભૂસર્પ થઈને પ્રથમ નરકમાં જશે અને પછી અસંજ્ઞી પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થઈને પુનઃ પ્રથમ નરકે જશે.
ત્યાર પછી ગોશાળકનો જીવ ચામાચીડિયા વડવાગળ આદિ ચામડાની પાંખવાળા જીવોની યોનિમાં ભટકશે. પછી અજગર, અળસિયાં આદિ ઉર:પરિસર્પમાં પણ હજારો ભવ કરશે.
પછી તે ગોશાળાનો જીવ ઘોડા ખચ્ચર આદિ બે ખરીવાળા, ગેંડા, પાડા આદિ, હાથી, ઊંટ આદિ નખ વિનાના તેમજ સિંહ, વાઘ, ચિત્તા, દીપડા આદિ નખવાળા જીવોની યોનિમાં હજારો ભવ કરશે. પછી તેનો જીવ જળચર, ચઉન્દ્રિય, તે ઇન્દ્રિય, બેઇન્દ્રિય, વનસ્પતિકાય, વાઉકાય, તેઉકાય, અપ્લાય અને પૃથ્વીકાયાદિમાં લાખો વાર ઉત્પન્ન થશે.
ત્યાર પછી ગોશાળાનો જીવ રાજગૃહનગરીમાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ વેશ્યાના ત્રણ ભવ કરશે. પછી તે બ્રાહ્મણને ત્યાં પુત્રી તરીકે અવતરશે. તેનો બાપ તેને સારા મહોત્સવપૂર્વક પરણાવશે. પ્રથમ પ્રસૂતિ માટે તે પિતાના ઘરે આવવા નીકળશે ત્યારે માર્ગમાં તેને અશુભ શુકનો થશે અને માર્ગમાં રાતે જ્યાં વિસામો કર્યો હશે ત્યાં આગ લાગશે અને વેદનાથી તરફડી-તરફડીને મરણ પામશે.