________________
ઉપદેશપ્રસાદ મહાગ્રંથ ભાગ-૪
૧૭૭ ઓળખતો નથી. તમે ક્યાંથી આવો છો?” સાધુઓ બોલ્યા “અમે ઉજ્જયિનીથી આવીએ છીએ.” સાગરમુનિએ કહ્યું “ઉજ્જયિનીથી એક વૃદ્ધ સાધુ આવ્યા છે. તેઓ કદાચ તમને કાંઈ જણાવે. તેઓ ઉપર મેડા પર બેઠા છે.” આ સાંભળતાં તેઓ ત્યાં દોડી ગયા ને કાલકાચાર્યને જોતાં જ હર્ષ, વિષાદ, લજ્જા આદિ મિશ્રિતભાવો તેમની આંખોમાં અશ્રુ સાથે ઝળકી રહ્યા. તેમના ચરણોમાં માથું મૂકી તેઓ ક્ષમાની યાચના કરવા લાગ્યા. ત્યાં આવેલા સાગરમુનિ આભા બની આ બધું જોઈ રહ્યા. સાગરમુનિને પરિસ્થિતિ સમજાતાં વાર ન લાગી. “મેં મારા ગુરુના ગુરુને મારું પાંડિત્ય બતાવી મારી આછકલી વૃત્તિનું જ દર્શન કરાવ્યું છે. સૂર્યને આગિયો બતાવવા કે આંબા પર આસોપાલવનું તોરણ બાંધવા જેવું કાર્ય કર્યું છે.' એમ વિચારી તેઓ પણ વિનયપૂર્વક વંદના કરી ગુરુમહારાજને સહુની સાથે ખમાવવા લાગ્યા. પગમાં માથું મૂકી બોલ્યા “હે જગભૂજય ગુરુવર્ય! અજ્ઞાનવશ મેં આપની આશાતના કરી, મારું એ દુષ્કૃત મિથ્યા થજો.”
સાગરમુનિ આદિને બોધ આપવાના શુભ હેતુથી શ્રી કાલકાચાર્યે પ્યાલો ભરી નદીમાંથી રેતી અને એક ચાલણી મંગાવી. સહુની સામે તે ચાળી તો ઝીણી રેતી સરી પડી ને કાંકરા-કાંકરી રહી ગયાં ને દૂર નાંખ્યાં. એ રેતી પણ ત્યાંથી ઉપાડી બીજે સ્થાને ને પછી ત્યાંથી ત્રીજે-ચોથે સ્થાને મૂકી-ઉપાડી, એમ કેટલીક જગ્યાએ મૂકતાં ઉપાડતાં રેતી ઘટતી ગઈ ને અંતે સાવ થોડી જ રહી. આનો ઉપનય સમજાવતાં કાલકાચાર્યે કહ્યું: “હે વત્સ ! સ્વાભાવિક રીતે જ જેમ નદીમાં ઘણી બધી રેતી હોય છે. તેમ તીર્થંકર પ્રભુજીમાં પણ પરિપૂર્ણ અનંતજ્ઞાન હોય છે. જેમ નદીની ઘણી રેતીમાંથી પ્યાલામાં થોડી જ સમાઈ શકી તેમ ગણધર ભગવંતોએ તીર્થંકર દેવો પાસેથી થોડુંક શ્રુત ગ્રહણ કર્યું અને જેમ રેતી ભિન્ન-ભિન્ન સ્થાનમાં મૂકવા ઉપાડવાથી ઓછી થતી ગઈ ને અંતે ઘણી જ ઓછી થઈ ગઈ તેમ ગણધરો પાસેથી પરંપરાએ આવતું અને કાળાદિકના દોષથી ઘટતું-ઘટતું અને અલ્પ અલ્પતર બુદ્ધિવાળા શિષ્યોમાં વિસ્મરણાદિ દોષથી ક્ષીણ થતું હાલમાં ઘણું જ ઓછું રહ્યું છે. ચાલણીની જેમ આપણામાંથી સૂક્ષ્મ જ્ઞાન સરી ગયું-ચાલી ગયું છે અને માત્ર સ્થૂલજ્ઞાન જ રહ્યું છે. માટે તે સાગર ! જ્ઞાનનો કદી દેખાવ કરવો નહીં. નમ્રતા કદી છોડવી નહીં, તું વિદ્વાન તો થયો પણ શ્રુતજ્ઞાનનો પ્રથમ આચાર પણ તે બરાબર ધાર્યો નથી. કારણ કે તું અકાળે પણ અધ્યયનાદિ કરે છે. તે બાબત નિશીથચૂર્ણિમાં કહ્યું છે કે -
संज्झाचउ ति अणुदिए सूरए मज्झएहिं जत्थमणे ।
अद्धरत्ते एआसु चउसु सज्झायं न करिंति ॥१॥ અર્થ:- ચારે સંધ્યા એટલે (૧) સૂર્યોદય પૂર્વે, (૨) મધ્યાહ્ન સમયે, (૩) સૂર્યાસ્ત સમયે અને (૪) મધ્ય રાત્રે. આ ચારે સંધ્યા સમયે સ્વાધ્યાય ન કરવો. ઇત્યાદિ ઉપદેશ સાંભળી સાગર આચાર્ય મિચ્છામિ દુક્કડે માંગ્યાં. ફરી ફરી વંદના કરીને તેમનું વૈયાવૃત્ય કરવા લાગ્યા. તેમના સર્વ શિષ્યો પણ સંયમમાં જ્ઞાન-ધ્યાન અને ગુરુભક્તિમાં સાવધાન બન્યા.