________________
૧૫૦
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ પુણ્યથી સો ગણું પુણ્ય ભૂખ્યાને જમાડવાથી મળે, તેથી સોગણું પુણ્ય ગોમેધ યજ્ઞ કરવાથી મળે, તેથી સો ગણું પુણ્ય અશ્વમેધ યજ્ઞ કરવાથી મળે, તેથી સો ગણું પુણ્ય નરમેધ યજ્ઞ કરવાથી મળે અને તેનાથી હજારગણું પુણ્ય બદ્રીકેદારની યાત્રા કરવાથી મળે છે. પરંતુ હે અર્જુન ! માગસર માસની અજવાળી એકાદશીએ ઉપવાસ કરવાના ફળની તો ગણના જ થઈ શકે તેમ નથી. આથી બ્રહ્મા આદિ દેવો પણ એકાદશી વ્રત કરે છે.”
ભગવાનના શ્રીમુખે એકાદશીનો રોમાંચક મહિમા સાંભળીને શ્રી કૃષ્ણ પુનઃ વિનયથી પૂછ્યું: “હે ભગવંત! આ અગાઉ એકાદશી પર્વનું ઉત્કૃષ્ટ આરાધન કોણે કર્યું છે તે કહેવા આપ કૃપા કરો.” ત્યારે ભગવાનશ્રીએ આ કથા કહી.
સુવતશેઠની કથા ધાતકીખંડમાં વિજયપત્તનમાં સુર નામના એક અતિ ધનાઢ્ય શેઠ હતા. તેમની પત્નીનું નામ હતું સુરમતી. એક રાતની વાત છે. વહેલી સવારે સુર શેઠની આંખ ઊઘડી ગઈ. તે એકદમ અંતર્મુખ બન્યા. તેમણે વિચાર્યું: “આ ભવે મને અઢળક ધન મળ્યું છે. સુશીલ પત્ની મળી છે. ભરપૂર યશ-પ્રતિષ્ઠા મળ્યાં છે. પરંતુ આ બધું તો મને પૂર્વભવના કોઈ પુણ્યથી મળ્યું છે. હવે જો હું પરલોકનું હિત ન સાધું તો મારું આજનું જીવવું બધું એળે જાય.” વિચારમાં ને વિચારમાં સૂર્યોદય થયો. સુરશેઠ નિત્ય કર્મ પતાવી નહાઈ ધોઈને ગુરુ મહારાજ પાસે ગયા. તેમણે સુરશેઠને ઉપદેશ આપ્યો.
आलस्स मोहवन्ना, थंभा कोहा पमाय किविगित्ता ।
भय सोगा अन्नाणा, विक्खेव कुऊहला रमणा ॥ “આળસ, મોહ, અવજ્ઞા, ઘમંડ, ક્રોધ, કંજૂસાઈ, ભય, શોક, અજ્ઞાન, કુતૂહલ અને રતિ આ તેર કાઠિયાનો અવશ્ય ત્યાગ કરવો જોઈએ.” નહિ તો જીવ નરક ગતિનાં ભયંકર દુઃખોને પામે છે. કહ્યું છે કે : “સાતમી નરકના અપ્રતિષ્ઠાનના અંતિમ પાથડના જીવને પાંચ કરોડ, અડસઠ લાખ, નવ્વાણું હજાર પાંચસો ને ચોર્યાશી (૫, ૬૮, ૯૯, ૫૮૪) પ્રકારના રોગ થાય છે.” આથી હે સુર શેઠ! નરકાદિનાં દુઃખોના નિવારણ માટે ધર્મ કરવો જરૂરી છે. ધર્મનો મહિમા અચિંત્ય છે. કહ્યું છે કે –
भरहेय केइ जीवा, मिच्छादिट्ठिय महवा भावा ।
ते मरिऊण य नवमे, वरिसंमि हुंति केवलिणो ॥
આ ભરતભૂમિમાં કેટલાક જીવો મિથ્યાદષ્ટિ હોવા છતાંય એવા ભદ્ર પરિણામી હોય છે કે તેઓ અહીંનું આયુષ્ય પૂર્ણ કરીને આગામી ભવે નવમા વર્ષે તો (મહાવિદેહ ક્ષેત્રમાં) કેવળી થાય છે. (કવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે અને નિર્વાણપદને પામે છે.) માટે હે સુરશેઠ! સુલભબોધી જીવને કશું જ દુર્લભ નથી.”