________________
13
.
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
ઉપરાપ્રાસાદ મહાપ્રથમ ઉપલક્ષણથી મિથ્યાત્વની સ્થિતિના ચાર ભાંગા થાય. ૧. અનાદિ અનંત, ૨. અનાદિ સાંત, ૩. સાદિ અનંત અને ૪. સાદિ સાંત.
અભવ્ય જીવોને વિપરીત રૂચિરૂપ મિથ્યાત્વ અનાદિ અનંતકાળનું હોય છે. કારણ તેમને અનાદિકાળથી મિથ્યાત્વ લાગેલું છે અને તેનો કોઈ કાળે અંત આવવાનો નથી.
ભવ્ય પ્રાણીઓને આશ્રયી મિથ્યાત્વનો કાળ અનાદિ સાંત હોય છે. કારણ કે તેમને પણ મિથ્યાત્વ અનાદિકાળથી લાગેલું હોય છે. પરંતુ તેઓ મોક્ષે જનાર હોવાથી સમ્યકત્વની પ્રાપ્તિ થતાં તેમના મિથ્યાત્વનો અંત થાય છે. આથી ભવ્ય જીવોને અનાદિસાત મિથ્યાત્વ હોય છે.
વળી કોઈ અનાદિ ભવ્ય જીવ સમ્યકત્વ પામીને કોઈ કારણવશ તેને ખોઈ બેસે તો તે મિથ્યાત્વ પામે. આથી તેનું એ મિથ્યાત્વ આદિવાળું હોઈ સાદિ થયું. આ મિથ્યાત્વ જઘન્યથી અંતર્મુહૂર્ત અને આશાતનાદિ ઘોર પાપના લીધે અર્ધપુદ્ગલ પરાવર્તકાળ સુધી રહે અને ફરી સમ્યકત્વ પ્રાપ્ત થતાં એ મિથ્યાત્વનો અંત થતાં તે સાદિ અંત થયું ગણાય.
અને સાદિ અનંત નામનો ત્રીજો ભાંગો કોઈપણ જીવને સ્પર્શતો ન હોવાથી તે શૂન્ય જાણવો. કારણ કે સાદિ મિથ્યાત્વ તો ભવ્ય જીવને જ હોય અને તેનું મિથ્યાત્વ અનંત નથી હોતું. અર્ધપુદ્ગલ પરાવર્ત કાળે તો તેના મિથ્યાત્વનો અચૂક અંત થાય છે.
જિજ્ઞાસા: “ભવ્ય કોને કહેવો અને અભવ્ય કોને કહેવો? એ બન્નેનું સ્વરૂપ શું છે?”
જે મુક્તિને યોગ્ય હોય તે ભવ્ય. પરંતુ એવો ભવ્ય જીવ મુક્તિ પામે જ એવું નહિ. કારણ કેટલાક આત્માઓ ભવ્ય હોવા છતાં પણ મુક્તિ નહિ પામે. આથી મુક્તિને-સિદ્ધિને યોગ્ય તે જ ભવ્ય જીવ અને જેઓ ભવરૂપ સાગરનો પાર પામ્યા નથી, પામતા નથી, અને પામશે પણ નહિ તેઓ અભવ્ય જીવ.
ભવ્ય તથા અભવ્યનું લક્ષણ જાણવા માટે વૃદ્ધો કહે છે કે જે કોઈ જીવ સંસારથી વિરૂદ્ધ એવા મોક્ષને માને અને તેને મેળવવા માટે વિચારે કે “હું ભવ્ય હોઈશ કે અભવ્ય ? જો ભવ્ય હોઉં તો સારું પણ જો હું અભવ્ય હોઉં તો મને ધિક્કાર હોજો...” આવો વિચાર જેને પણ આવે તે ભવ્ય જીવ જ હોય. પરંતુ જેને આવો વિચાર કદી પણ આવ્યો નથી કે આવતો નથી તેને અભવ્ય જાણવો. શ્રી આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે -
अभव्यस्य हि भव्याभव्यशङ्काया अभावः । “અભવ્ય જીવને હું ભવ્ય છું કે અભવ્ય એવી શંકા ઊપજતી નથી.