________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૪
૧૬૩ જીવને માટે એમ માનવું-કહેવું કે તેઓ આનંદમાં સદા લીન છે, તેઓ મુક્ત નિવૃત્ત આત્મા છે. તેઓ દસ્તર સંસાર સાગર તરી ગયા છે. તે અમુક્તમાં મુક્ત સંજ્ઞા કહેવાય.
(૧૦) સકલ કર્મ અને તેના વિકારથી રહિત તેમજ અનંતજ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્યના ધારક મુક્ત જીવોને અમુક્ત માનવા. તે મુક્તમાં અમુક્ત સંશા કહેવાય.
પાંચ ભેદ - ૧. અભિગ્રહિક, ૨. અનભિગ્રહિક, ૩. અભિનિવેશિક, ૪. સાંશયિક અને ૫. અનાભોગિક.
(૧) પોતાના માનેલા મતને જ પ્રમાણભૂત માનતા કુદષ્ટિવાસિત માણસોને જે મિથ્યાત્વ હોય છે તે અભિગ્રહિક મિથ્યાત્વ કહેવાય.
(૨) બધા ભગવાન સરખા છે. નામ અલગ છે પણ ભગવાન એક છે. સર્વ દેવોને અને સર્વ ગુરુઓને નમસ્કાર કરવો. ધર્મ અને અધર્મની ઓળખ વિના સર્વ ધર્મને સરખા માનવા તે અનભિગ્રહિક મિથ્યાત્વ કહેવાય.
(૩) પોતાના ઇષ્ટ એવા શ્રી અરિહંત ભગવાનના મતનું કોઈ યથાર્થ વર્ણન કરે પણ અદેખાઈ, અહંકાર આદિના કારણે જાણી જોઈને તેનો વિરોધ કરે, તેના મતનું ખંડન કરે. તે અભિનિવેશિક મિથ્યાત્વ કહેવાય.
અથવા પહેલાં અજાણતાં સૂત્ર વિરુદ્ધ પ્રરૂપણા થઈ હોય પછી તે સત્ય સમજાયું હોય છતાંય અગાઉની પ્રરૂપણાને જ સાચી ઠેરવવાનો પ્રયત્ન કરે તેને પણ અભિનિવેશિક મિથ્યાત્વ કહેવાય.
(૪) સૂત્ર, અર્થ કે બન્નેમાં શંકા થાય પરંતુ એ શંકાનું સમાધાન મેળવે નહિ. તે સાંશયિક મિથ્યાત્વ કહેવાય.
(૫) જેઓ કંઈપણ તત્ત્વાત્ત્વનો વિચાર જાણે નહિ તે અનાભોગિક મિથ્યાત્વ કહેવાય.
આમ શાસ્ત્રોમાં મિથ્યાત્વના એકથી વધુ ભેદો-પ્રકારો બતાવાયા છે. વિધિકૌમુદીમાં તેના તોતેર ભેદ બતાવ્યા છે. કોઈ સ્થળે તેના એકવીશ ભેદ પણ કહ્યા છે. એ ભેદો જાણીને એ મિથ્યાત્વનો સર્વથા ત્યાગ કરવો જોઈએ.
મિથ્યાત્વની સ્થિતિ अभव्याश्रितमिथ्यात्वेऽनाद्यनन्ता स्थितिर्भवेत् ।
सा भव्याश्रितमिथ्यात्वेऽनादिसान्ता पुनर्मता ॥ “અભવ્ય જીવને આશ્રયી મિથ્યાત્વની સ્થિતિ અનાદિ કાળથી માંડીને અનંતકાળ સુધીની અને ભવ્યજીવને આશ્રયી અનાદિસાંત એટલે આદિ વિનાની પરંતુ અંતવાળી માનવામાં આવી છે.”