________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
૧૫૫
મને દર્શન ન આપત ? બધા શિષ્યો મારી આજ્ઞાનું પાલન કરતા હતા. મારી છેલ્લી આજ્ઞાનું પણ તેમણે જરૂર પાલન કર્યું હોત. પરંતુ મને હવે થાય છે કે સ્વર્ગ-નરક જેવું કંઈ છે જ નહિ.' અને પછી ઊંડો નિઃસાસો નાંખી અફસોસ કરવા લાગ્યા : “અરેરે ! આજ સુધી મેં તપ, વ્રત નકામાં કર્યાં. પરિષહો સહન કરીને મેં નકામું જ કષ્ટ સહન કર્યું. અરરર ! મારાં આટલાં બધાં વરસો નાહક બરબાદ થઈ ગયાં !...” આમ મિથ્યાત્વભાવમાં આવીને તેમણે ગચ્છનો ત્યાગ કર્યો અને એકલા જ ચાલી નીકળ્યા.
આ બાજુ તેમના વ્હાલા શિષ્ય દેવલોકમાં વિચાર્યું : ‘હું આ દેવભવ કેવી રીતે પામ્યો ? અવધિજ્ઞાનના ઉપયોગથી તેણે પોતાનો મુનિભવ જોયો અને જાણ્યો. પોતાના ગુરુ અષાઢાચાર્યે કરાવેલ અંતિમ આરાધના પણ તેણે જાણી. એ સમયે આપેલ અંતિમ વચન પણ તેને યાદ આવ્યું, આથી તે ગુરુને દર્શન આપવા માટે તૈયાર થયો. ત્યાં તેણે જોયું કે ગુરુ મહારાજ તો હતાશ થઈને અને મિથ્યાત્વભાવમાં ગચ્છ છોડીને ચાલી નીકળ્યા છે. પણ કંઈ નહિ. હજી કંઈ ઝાઝું બગડ્યું નથી. ગુરુદેવ મોહમાં તણાઈને કંઈ દુષ્કર્મ ન કરી બેસે તે પહેલાં હું તેમને ઉગારી લઉં.”
અને દેવે પોતાની લબ્ધિથી અષાઢાચાર્યના માર્ગમાં એક ભવ્ય નાટકશાળાની રચના કરી. તેમાં તેણે ચિત્તાકર્ષક નાટક પણ ભજવ્યું. આચાર્ય તો એ જોઈને નાટકશાળામાં બેસી ગયા. દૈવનિર્મિત આ નાટક છ છ મહિના સુધી ચાલ્યું. અષાઢાચાર્ય ભૂખ, તરસ, ઊંઘ, આરામ બધું જ ભૂલીને છ મહિના સુધી સતત એ નાટક જોતા રહ્યા. દેવે માયા સંકેલી લીધી. નાટક પૂરું થયું. આચાર્ય બોલી ઊઠ્યા : “હાશ ! કેવું સુંદર નાટક હતું ! ભૂખ, તરસ, થાક કશાયનું ભાન ન રહ્યું. જીવનમાં પહેલીવાર થોડુંક સુખ આજે માણવા મળ્યું.”
દેવ, ગુરુના મનોભાવ બરાબર જોઈ રહ્યો હતો. તેણે થયું : “ઓહ ! મારા ઉપકારી ગુરુના ભાવ કેટલા બધા બદલાઈ ગયા છે ! પરંતુ શું તેમનાં વ્રતો પણ ખંડિત અને મલિન બન્યાં હશે ? આની પણ મારે તપાસ કરવી જોઈએ.”
અને દેવે એક સોહામણા બાળ રાજકુમારનું રૂપ ધારણ કર્યું. હીરા-મોતી રત્નો આદિના ભરપૂર અલંકારો પહેરીને તે આચાર્યના માર્ગમાં આવ્યો. જંગલના નિર્જન રસ્તામાં દાગીનાથી લદબદ નાનકડા બાળકને જોઈ અષાઢાચાર્યે પૂછ્યું : ‘એય છોકરા ! તું કોણ છે ? તારું નામ શું ? આમ એકલો આ ઘોર જંગલમાં કેમ રખડે છે ?'
:
બાળક બોલ્યો ઃ ‘મારું નામ પૃથ્વીકાયિક છે. આ ઘનઘોર જંગલમાં મને માત્ર એક તમારું જ શરણ છે. હું તમારા શરણે આવ્યો છું. તમે જંગલના જાનવરો આદિથી મારું રક્ષણ કરો. કારણ આ પૃથ્વી શરણે આવેલાનું રક્ષણ કરનાર સત્પુરુષોથી જ શોભે છે.
આચાર્યે તેને તેડી લીધો. તેના શરીર પરના દાગીના જોઈને તેમની દાઢ ચસકી. તેમણે બાળકની ડોક મરડવા પ્રયત્ન કર્યો. બાળક તરત બોલી ઊઠ્યો : ‘ભગવંત ! મારી એક વાત તમે પહેલાં સાંભળો. એ પછી તમારે મારું જે કરવું હોય તે કરજો અને બાળકે કહ્યું :