________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
૧૪૯
“એક દિવસમાં જેટલા દેવો અવે (મરે) છે તેના કરતાં પણ સંસારમાં માણસોની સંખ્યા ઓછી છે. આથી અમને સહજતાથી માનવભવ ક્યાંથી મળે ? આમ વિચારીને દેવતાઓ દુ:ખી થાય છે. આમ માનવભવ દેવને પણ દુર્લભ છે. આથી તેનો સમ્યક્ ઉપયોગ કરી લેવો જોઈએ અને તેને પ્રમાદમાં એળે ગુમાવવો જોઈએ નહિ.”
પ્રભુએ પ્રમાદનું સ્વરૂપ સમજાવતાં કહ્યું : “અજ્ઞાન, સંશય, મિથ્યાત્વ, રાગ, દ્વેષ, મતિભ્રંશતા, ધર્મમાં અનાદર, યોગનું દુષ્પ્રણિધાન (મન-વચન અને કાયાનો દુરાચાર) આ આઠ પ્રકારના પ્રમાદ છે. ભવભીરૂ જીવોએ સંસાર સાગર પાર કરવા માટે આ આઠેય પ્રમાદનો ત્યાગ કરવો જોઈએ.’
શ્રી કૃષ્ણે ત્યારે વિનયથી કહ્યું : “હે ભગવંત્ ! રાજ્યની વિરાટ જવાબદારીઓ વચ્ચે હું નિરંતર ધર્મની આરાધના કરવા અસમર્થ છું. તો આપશ્રી મને આખા વરસનો કોઈ એક દિવસ બતાવો કે તે દિવસે કરેલી આરાધના મને વિશિષ્ટ ફળ આપનારી બને.'
ભગવાનશ્રી બોલ્યા : “હે વાસુદેવ ! તમારી જો એવી ભાવના છે તો તમે માગશર સુદ અગિયારસના દિવસે ઉત્તમ પ્રકારની ધર્મસાધના કરો. આ દિવસે આ વર્તમાન ચોવીશીના શ્રી અરનાથ ભગવંતે શ્રી ચક્રવર્તીનો વૈભવ છોડીને દીક્ષા લીધી હતી. શ્રી મલ્લિનાથ ભગવાનના જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન કલ્યાણક ત્રણેય આ દિવસે જ થયાં હતાં. શ્રી નમિનાથ ભગવંતને કેવળજ્ઞાન પણ આ જ દિવસે પ્રાપ્ત થયું હતું. તેવી જ રીતે આ અજવાળી અગિયારસે પાંચ ભરત અને પાંચ ઐરવતમાં પણ ત્રણ-ત્રણ તીર્થંકરોનાં પાંચ-પાંચ કલ્યાણક થવાથી દસ ક્ષેત્રમાં પચાસ કલ્યાણક થયાં છે. વળી ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળની ગણતરી મૂકીએ તો આ એક જ દિવસે દોઢસો કલ્યાણક થાય છે. આમ આ દિવસ ખૂબ જ પવિત્ર અને પાવન છે.”
અન્ય ધર્મમાં પણ આ એકાદશીનો ઉત્તમ મહિમા ગાયો છે. “અર્કપુરાણ”માં લખ્યું છે ઃ “હે અર્જુન ! હેમંતઋતુમાં આવતી માગસર માસની અજવાળી અગિયારસ ખૂબ જ કલ્યાણકારી છે. આ દિવસે અચૂક ઉપવાસ કરવો. એ દિવસે ઉપવાસ કરવાથી હંમેશાં બે લાખ બ્રાહ્મણોને જમાડ્યા જેટલું પુણ્ય મળે છે. જેમ કેદારનાથ તીર્થનું પાણી પીવાથી પુનર્જન્મ થતો નથી. તેમ આ એકાદશીએ ઉપવાસ કરવાથી ફરી જન્મ થતો નથી.
હે અર્જુન ! આ એકાદશી ગર્ભાવાસના દુઃખોનો નાશ કરે છે માટે આ વ્રત જેવું બીજું કોઈ વ્રત છે નહિ અને બીજું થનાર પણ નથી.
હે અર્જુન ! હજા૨ ગાયના દાન કરતાં વધુ પુણ્ય એક બ્રહ્મચારીની ભક્તિ કરવાથી મળે, હજાર બ્રહ્મચારીની ભક્તિ કરતાં એક વાનપ્રસ્થાશ્રમીની ભક્તિસેવા વધે, એક હજાર વાનપ્રસ્થાશ્રમીની સેવા કરતાં પૃથ્વીદાનનું પુણ્ય વધે, પૃથ્વીદાનનાં પુણ્ય કરતાં દશગણું પુણ્ય સર્વલંકારયુક્ત કન્યાદાનથી મળે. કન્યાદાનના પુણ્યથી દશગણું પુણ્ય વિદ્યાદાનથી મળે, વિદ્યાદાનના