________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
૧૪૭
રાજા : ‘તું તારા પતિને ઓળખી શકીશ ?’
કન્યા : ‘શું એ જીવતા છે ? તમે તેમને જોયા છે ? તેમને જોઈને હું જરૂર કહીશ કે એ મારા પતિ છે કે બીજું કોઈ ?’
રાજાએ મત્સ્યોદરને બોલાવ્યો. ‘આને તું ઓળખે છે ?’ કન્યાએ મત્સ્યોદરને નખશિખાંત જોયો. તેની આંખમાં આનંદનાં આંસુ છલકાઈ આવ્યાં. દોડીને એ મત્સ્યોદરના ચરણે નમી પડી.
રાજાએ પેલા વેપારીને મારી નાંખવાનો હુકમ કર્યો. ધનદત્તે તેને પણ અભયદાન અપાવ્યું. રાજાએ તેની ઉદારતાની અનુમોદના કરી. એ પછી રાજા વાજતે-ગાજતે ધનદત્તને અને તેની પત્નીને લઈને તેના પિતાના ઘરે ગયા. પુત્રને પાછો આવેલો જોઈને માતા-પિતાના આનંદનો પાર ન રહ્યો.
થોડા દિવસો બાદ નગરમાં જ્ઞાની ગુરુ ભગવંત શિષ્ય સમુદાય સહિત પધાર્યા. તેમની ધર્મદેશના સાંભળવા કનકરથ રાજા પણ આવ્યો. ધનદત્ત પણ ભક્તિભાવથી તેમની દેશના સાંભળી રહ્યો હતો. દેશના પૂર્ણ થઈ. ધનદત્તે વિનયથી પૂછ્યું : ‘હે ભગવંત ! મને એકથી વધુ વખત વૈભવ મળ્યો. પણ દરેક વખતે હું જીવલેણ દુઃખમાં આવી પડ્યો. આમ હું મારા કયા કર્મના કારણે સુખી-દુઃખી થયો ?' જ્ઞાની ભગવંત બોલ્યા :
“હે ધનદત્ત ! તારા પૂર્વભવના શુભ-અશુભ કર્મનું ફળ તું આ ભવમાં પામ્યો છે. પૂર્વભવમાં તું રત્નપુરનગરમાં માહણ નામે શ્રેષ્ઠી પુત્ર હતો. ગીતાર્થ ગુરુ ભગવંતની દેશના સાંભળીને તેં શ્રાવકધર્મ અંગીકાર કર્યો.
એક વખત તેં ઉદારદિલે અઢળક ધન ખર્ચીને દેવવિમાન જેવું ભવ્ય જિનાલય બંધાવ્યું. જિનાલય પૂર્ણ થયું. ત્યાં તારા ભાવ ફર્યાં. મનમાં તે અફસોસ કર્યો. અરે ! એક જિનાલય પાછળ કેટલા બધા ધનનું આંધણ થઈ ગયું ! આ મેં ખર્ચ ન કર્યો હોત તો ? આમ છતાંય તે જિનાલયમાં જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. પરંતુ તે માટે તારા હૈયે કોઈ ઉત્સાહ કે ઉમંગ નહોતો. ન છૂટકે તેં પ્રતિષ્ઠા કરાવી.
ત્યાર પછી તારા ભાવ ઊંચા થવા લાગ્યા. તેં નક્કી કર્યું : ‘મારી આવકનો ચોથો ભાગ હું ધર્મકાર્યમાં ખર્ચીશ.’ પણ તરત જ તેં વળતો વેપારી વિચાર કર્યો : મેં આ પ્રતિજ્ઞા તો લીધી પરંતુ આનું મને ફળ મળશે કે નહિ ?' આમ શંકા-કુશંકાથી તું તારી આવકનો ચોથો ભાગ ધર્મકાર્યમાં વાપરતો રહ્યો.
હે ધનદત્ત ! તારા ઊંચા ને ઉદાર ભાવમાં તને પૂર્વભવમાં જરાય સ્થિરતા નહોતી રહેતી. એકવાર શ્રમણ ભગવંતને જોઈ તને વિચાર આવ્યા : “આવા ખાનદાન કુળના માણસો દીક્ષા લે. જ્ઞાની બને અને તેઓ આવાં બરછટ જાડાં અને મેલાં કપડાં પહેરે તે સારું નથી લાગતું. તેમણે સુંદર કપડાં પહેરવાં જોઈએ. હું તેમને એવાં વસ્ત્રો વહોરાવીશ.”