________________
૧૪૬
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪
~
પોતાનું “ધનદત્ત' નામ રાજાને અને વેપારી બન્નેને વંચાવ્યું. રાજાએ આથી ધનદત્તની બધી મિલકત પાછી મેળવી આપી અને વેપારીને મારી નાંખવાનો હુકમ કર્યો. “નહિ રાજનું! તેનો વધ ન કરાવશો. મારી પ્રાર્થના છે કે તેને જીવતો છોડી મૂકો.” રાજાએ આથી વેપારીને પોતાના નગરમાંથી તત્કાલ ચાલ્યા જવા હુકમ કર્યો.
એકાંત મળતાં કનકરથ રાજાએ ધનદત્તનો વિશેષ પરિચય પૂક્યો. ધનદત્તે નિખાલસતાથી કહ્યું : “હે રાજન્ ! “હું તમારો જ નગરજન છું. આ જ નગરમાં મારા પિતા સાગરદત્ત શ્રેષ્ઠી રહે છે.”
રાજા : “અરરર ! સાગરદત્ત શ્રેષ્ઠી જેવા મોટા ઘરના દીકરાને આટ-આટલા દુઃખમાંથી પસાર થવું પડ્યું! પણ કંઈ નહિ. તું ખૂબ જ સમતા અને હિંમતથી એ બધામાંથી પસાર થયો છે. ચાલ હું તને તારા પિતાના ઘરે મૂકી જઉં.'
ધનદત્તઃ “નહિ રાજ! એ સમયને હજી વાર છે. હજી મારે એક બીજા વહાણવટીઆની રાહ જોવી છે. મને શ્રદ્ધા છે. એ પણ જરૂર આપને ત્યાં આવશે જ.”
રાજાઃ “શા માટે તું એની રાહ જુએ છે?” ધનદત્ત : “એ વેપારીએ મારું ધન લૂંટી લીધું છે એટલું જ નહિ તે મારી પત્નીને પણ લઈ ગયો છે.” આમ કહી તેણે શૂન્ય નગર અને રાક્ષસવાળી બધી વાત કરી.
બે ચાર દિવસમાં જ ધનદત્તની શ્રદ્ધા ફળી. મોંધું નજરાણું લઈને એ વેપારી પેલી કન્યાને લઈને રાજસભામાં આવ્યો. તેને જોતાં જ ધનદત્તે રાજાને મોઘમ ઈશારામાં સમજાવ્યું કે આ જ એ વેપારી અને તેની સાથે યુવતી છે તે જ મારી પ્રિયતમા. રાજા તો આભો બનીને જોઈ જ રહ્યો. પછી તેણે આગંતુક વેપારીને તેનો પરિચય પૂક્યો. છેલ્લે વેપારીએ આદ્ર સ્વરે કહ્યું: ‘પણ મારાં કેવાં કમભાગ્ય છે તે આપને શું કહું? આ યુવતીને હું મનાવી મનાવીને થાકી ગયો. પરંતુ એ તો જીદ પકડીને જ બેઠી છે કે કનકરથ રાજા મને કહે તો જ હું તમારી સાથે લગ્ન કરું. હવે આપ જ મારો ઉદ્ધાર કરો.”
રાજા: “હે પુત્રી! તું જરાય ભય અને શંકા ન રાખીશ. તારી ઇચ્છા પ્રમાણે જ હું વર્તીશ. પરંતુ તું મને એ કહે કે આ વેપારી કહે છે કે તું તેને કટાહ દ્વીપમાંથી મળી હતી વગેરે બધું શું સાચું છે ?'
કન્યાઃ “હે રાજનું! આ વેપારીના બોલવા પર તમે જરાય વિશ્વાસ ન કરશો. વિશ્વાસઘાત કરીને તેણે મારા પતિને સમુદ્રમાં નાંખી દીધા છે. મારા પતિ જીવતા છે કે તેમનું કંઈ અમંગળ થયું છે તેની મને ખબર નથી. પરંતુ હું જાણું છું કે મારું સાસરું તમારા નગરમાં જ છે. આથી તમને મળવાની મેં જીદ કરી અને આજ સુધી તેની ઇચ્છાને હું સતત ટાળતી રહી છું.”