________________
૧૪૪
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ - દેવીનું ઉત્તમ વરદાન મેળવી ધનદત્ત મંદિરમાંથી બહાર નીકળી શૂન્યનગરમાં ફરવા નીકળ્યો. ફરતો-ફરતો તે એક ભવ્ય રાજમહેલ પાસે આવ્યો. કુતૂહલથી તેમાં તે ગયો. સાવધાનીથી તે મહેલમાં ઘૂમી રહ્યો હતો. ત્યાં તેણે અપ્સરા જેવી રૂપાળી કન્યા જોઈ. તેણે પણ ધનદત્તને જોયો. કન્યાએ તેનું સ્વાગત કર્યું. ભોજન કરાવ્યું. જમતાંજમતાં ધનદત્તે કન્યાને પૂછ્યું: “આ નગર આમ વેરાન કેમ છે? અને આ રાજમહેલમાં માત્ર તું એકલી કેમ છે? શું બીજું કોઈ અહીં રહેતું નથી ?
કન્યાએ આંસુભીની આંખે ટૂંકમાં પોતાની આપવીતી કહી : “હે ધનદત્ત ! આ નગરનું નામ તિલકપુર છે. આ નગરની હું રાજપુત્રી છું. મારા પિતાનું નામ મહેન્દ્ર. એક દિવસ અચાનક જ કેટલાક દુશ્મનોએ આ નગરને ઘેરી લીધું, તે જ રાતે એક વ્યંતરદેવે પ્રકટ થઈને મારા પિતાને કહ્યું કે : “હું તારા પૂર્વભવનો મિત્ર છું. બોલ, હું તારું શું કામ કરું ?” પિતાએ કહ્યું : “તું મારા માટે એક એવું નગર નિર્માણ કર કે જેના પર ક્યારેય કોઈ દુશ્મન હુમલો ન કરી શકે. આથી એ દેવે એક નગર કૂવા પાસે અને બીજું કૂવાની અંદર એમ બે નગરનાં નિર્માણ કર્યા. થોડા દિવસ પછી ત્યાં કોઈ નરભક્ષી રાક્ષસ આવ્યો. તે આ નગરનાં બધાં માણસોને ખાઈ ગયો. તેના ભયથી કેટલાક જીવ બચાવીને નાસી ગયા. આથી આ નગર વેરાન થઈ ગયું. પણ એ રાક્ષસે મને જીવતી રાખી છે, કારણ કે એ મારી સાથે પરણવા માંગે છે. આથી તેણે મને બળજબરીથી જીવતી રાખી છે.
આજ તું આવ્યો તેથી મને આનંદ થયો છે. મને શ્રદ્ધા છે કે આ રાક્ષસના ક્રૂર પંજામાંથી છોડાવવા માટે તું મને જરૂર મદદ કરશે.”
ધનદત્તઃ “તું મને ઉપાય બતાવ. મારા જાનના જોખમે પણ હું તને મદદ કરીશ.”
ત્યાં રાક્ષસનો પગરવ સંભળાયો. કન્યા સાવધાન થઈ ગઈ. ઝડપથી તે બોલી : “ઝડપ કરો, રાક્ષસ આવે છે. જુઓ, ત્યાં ખડ્રગ પડ્યું છે તે લઈને દેવીના મંદિરમાં સંતાઈ જાવ. રાક્ષસ ત્યાં જશે અને આંખ મીંચીને તેનું ધ્યાન ધરશે. એ સમયે તમે તેને એ ખગ્નથી મારી નાખજો.”
રાક્ષસ જાણે નહિ તેમ ધનદત્ત વિના વિલંબે ખડ્રગ લઈને મંદિરમાં સંતાઈ ગયો. રાક્ષસ ત્યાં આવ્યો. ધ્યાનમાં બેઠો અને ધનદતે જોરથી ખડ્ઝ વીંઝીને રાક્ષસનું માથું ધડથી જુદું કરી નાખ્યું.
રાક્ષસના મોતથી કન્યા નાચી ઊઠી. સમય બગાડ્યા વિના તેણે રાજમહેલમાંથી જરઝવેરાત બધું ભેગું કરી લીધું અને ધનદત્તને લઈને તે કૂવાની બહાર આવી. દરિયાકિનારે જઈને કોઈ વહાણવટીઆ સાથે વહાણમાં બેસવાનું ભાડું ઠરાવ્યું અને વહાણમાં બેઠાં.
દેવાંગના જેવી રૂપરૂપના અંબાર સમી કન્યા અને માલસામાનમાં અઢળક દોલત. આ જોઈને વહાણવટીઆના મોંમાં પાણી આવ્યું. તેની દાનત બગડી. આથી તેણે ધનદત્તને વિશ્વાસમાં લીધો. બને તૂતક પર વાતો કરતા બેઠા. ત્યાં લાગ જોઈને તેણે ધનદત્તને ધક્કો માર્યો.