________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૪
૧૪૩ ત્યાં આકાશમાં ઊડતા ભારેડ પક્ષીએ તેને જોયો. પોતાનો શિકાર સમજીને એ ઊડતું નીચે આવ્યું અને બેભાન ધનદત્તના હાડપિંજર જેવા શરીને લઈને ઊડી ગયું. ઊડતાં ઊડતાં તે સુવર્ણદ્વીપમાં આવીને ઊતર્યું. અહીંની શુદ્ધ હવાથી ધનદત્ત ભાનમાં આવ્યો, મનોબળથી તે ઊભો થયો. ઠંડી હતી. આથી ઠંડીથી બચવા તે ક્યાંકથી લાકડાં શોધી લાવ્યો. ચકમકથી ઘસીને તેણે તાપણું કર્યું. હવે તેને હૂંફ મળવા લાગી. તે વિચારવા લાગ્યો. હું ક્યાં હતો અને આજ ક્યાં આવી ગયો?
ક્યાં કનકપુર અને ક્યાં આ અજાણ્યું સ્થળ? મારું શરીર પણ કેવું હાડપિંજર જેવું થઈ ગયું છે? પરંતુ આમાં મારા પિતાનો શો દોષ કાઢવો ? મારા ભાગ્યમાં જ આવું લખ્યું હશે. આથી તેનો અફસોસ શું કરવો? ભાગ્યમાં જે હોય તે હસતાં હસતાં ભોગવવું જ રહ્યું અને આ વિચારમાં જ તે ઊંઘી ગયો.
સવારે ધનજરે જોયું તો તેની આંખો આશ્ચર્યથી હસી ઊઠી. બન્યું એવું કે જે જગાએ તેણે તાપણું કર્યું હતું તે જગાની માટી બધી સોનાની બની ગઈ હતી. તેણે એ માટીની ઈંટો બનાવી. એ ઈંટોની અંદર તેણે પોતાનું નામ પણ લખ્યું.
બીજે દિવસે ત્યાં કોઈ વહાણવટીઓ આવી ચડ્યો. ધનદત્તે તેની સાથે સોદો કર્યો કે તું મને તારા વહાણમાં લઈ અન્ય સ્થળે સલામત મૂકીશ તો મારી આ સોનાની ઈંટોનો ચોથો ભાગ તને આપીશ. વહાણવટીઆએ તેની શરત મંજૂર રાખી. વહાણ ઊપડ્યું. બે ચાર દિવસે વહાણ કોઈ દ્વીપ પાસે લાંગર્યું. વહાણવટીઓ અને ધનદત્ત બન્ને સાથે એ દ્વીપ પર ફરવા નીકળ્યા. ત્યાં ધનદત્તને તરસ લાગી. સામે જ કૂવો હતો. એ ત્યાં ગયો. પાણી કાઢવા લાગ્યો. આ જોઈને વહાણવટીઆના મનમાં પાપ બેઠું થયું. ઝડપથી જઈને તેણે ધનદત્તને જોરથી ધક્કો માર્યો. ધનદત્ત ગબડ્યો એટલે એ ઝડપથી વહાણ પર પહોંચ્યો અને માણસોને ઝડપથી વહાણ હંકારવાનો આદેશ આપ્યો અને ધનદત્તની સોનાની બધી જ ઈંટો લઈને તે છૂમંતર થઈ ગયો.
ધનદત્ત કૂવામાં ગબડ્યો પણ તેનું ભાગ્ય સાવ ભાંગી નહોતું ગયું. ઊંડા પાણીમાં પટકાવાના બદલે તે એક પગથિયા પર પટકાયો. કળ વળતાં તેણે ચોતરફ જોયું. તેને આશ્ચર્ય થયું. પાણી તો ઘણે નીચે હતું અને પગથિયાં કોઈ બીજી જ દિશા તરફ જતાં હતાં. સાવધાનીથી તે પગથિયાં ઊતરતો ગયો. ઊતરતો જ રહ્યો. ઠેઠ નીચે આવ્યો, ત્યારે તેણે એક માણસ વિનાનું શૂન્ય નગર જોયું. થોડું ચાલ્યો ત્યાં તેની નજર એક મંદિર પર પડી. તે મંદિરમાં ગયો. તેમાં ચક્રેશ્વરી દેવીની ભવ્ય પ્રતિમા હતી.
ધનદત્તે દેવીને ભાવથી પ્રણામ કર્યાં. ભૂખ અને થાકથી તેનું શરીર સખત તૂટતું હતું છતાંય મન મજબૂત કરીને તે દેવીનું એકચિત્તે ધ્યાન કરવા લાગ્યો. તેની ભક્તિથી દેવી પ્રસન્ન થઈ. પ્રકટ થઈને તેણે ધનદત્તને પાંચ દિવ્ય રત્ન ભેટ આપ્યાં. એ દરેક રત્ન ચમત્કારી હતાં. એક સૌભાગ્યકારક, બીજું રોગનાશક, ત્રીજું આપત્તિનાશક. ચોથું વિષનાશક અને પાંચમું વૈભવ આપનાર હતું. ધનદત્ત એ પાંચેય રત્નોને પોતાની જંઘામાં ખૂબીથી સંતાડી દીધાં.