________________
8 mm
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ “ધનદ નામનો એક શ્રેષ્ઠીપુત્ર હતો. તેનું બીજું નામ મત્સ્યોદય પણ હતું. આ ધનદ પચ્ચખાણ રૂપ ધર્મનું ખંડન કરવાથી તેનું ફળ પણ ખંડિત પામ્યો.”
મસ્યોદરની કથા કનકપુર નામનું નગર. તેના રાજાનું નામ કનકરથ. આ નગરમાં રહેતા એક શ્રેષ્ઠીનું નામ હતું સાગરદત્ત. ધનદત્ત નામે તેને એક પુત્ર હતો.
આ જ નગરમાં સિંહલ નામનો જુગારી હતો. જુગારમાં તે ઉપરાઉપર હારી ગયો. બબ્બે દિવસ સુધી તેનો એક પણ દાવ સફળ ન થયો. જુગારમાં તેણે પોતાનું બધું જ ગુમાવી દીધું. ગરીબાઈથી હવે એ તંગ આવી ગયો. કોઈપણ રીતે તેને એક કોડી પણ ન મળી. એથી એ ખૂબ જ ગુસ્સે થયો. ગુસ્સામાં તે પોતાની કુળદેવીના મંદિરે ગયો. મુશળ ઉપાડીને દેવીને ઉદ્દેશીને તેણે ઊંચા અવાજે કહ્યું : “હે દેવી! પૈસા વિના હું અકળાઈ ગયો છું તું મને જલદી ધન આપ. નહિ તો આ મુશળથી તારી પ્રતિમાના ટુકડે ટુકડા કરી નાંખીશ.”
દેવી પ્રકટ થઈ. તે બોલી: “હે સિંહલ! તારા ભાગ્યમાં જ ધન નથી તો હું તને કેવી રીતે એ આપું? આમ છતાંય તને હું એક ગાથા આપું છું. આ ગાથા તું એક હજાર સોનામહોરમાં વેચી દેજે.” દેવીએ તેને ગાથા આપી અને અદૃશ્ય થઈ ગઈ.
जं चिय विहिणा लिहियं, तं चिय परिमणइ सयललोयस्स । इय जाणे वि धीरा, विहुरे वि न कायरा हुंति ॥
“સમસ્ત લોકમાં ગમે ત્યાં જાવ, પરંતુ ભાગ્યમાં જે કાંઈ લખાયું હોય તે જ મળે છે, આમ જાણીને ધીર પુરુષો સંકટમાં હિંમત હારતા નથી.”
સિંહલ બજારમાં ગયો. ઘણાંને તેણે આ ગાથા ખરીદવા કહ્યું. ધનદત્ત પાસે પણ તે ગયો. તેણે એક હજાર સોનામહોર આપીને આ ગાથા ખરીદી લીધી. પિતા સાગરદત્તે પુત્રના આ સોદાની વાત જાણી. ધનદત્ત ઉપર તે ગુસ્સે થઈ ગયા અને તેને ઘરમાંથી કાઢી મૂક્યો.
ધનદત્ત પહેરેલા કપડે ઘર બહાર નીકળી ગયો અને કનકપુર નગરની ઉત્તર દિશાએ ચાલવા માંડ્યો. રાતના સમયે કેટલાક ચોરોએ તેને પકડી લીધો અને બીજી સવારે તેને મામૂલી કિંમતે કોઈ વણઝારાને વેચી દીધો. આ વણઝારાએ તેને ઊંચા ભાવે પારસ કુળના રંગારા સાથે સોદો કર્યો. ધનદત્તને તેમણે ખરીદી લીધો અને પછી તેના શરીરમાંથી લોહી કાઢીને કપડાને રંગ કરવા લાગ્યા. દિવસો પસાર થયા. ધનદત્તનું શરીર ઠેક-ઠેકાણેથી વધાઈ ગયું, લોહી બધું ખલાસ થઈ ગયું અને તે બેભાન થઈ જમીન પર પટકાઈ પડ્યો. રંગારાઓએ તેને ધોમ તડકામાં નાંખી દીધો.