________________
૧૪૦
~
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ જોઈ રહી. ત્યાં તેની નજર એક કવર પર પડી. મનોમન તે બોલી ઊઠી. “અરે ! આ તો મારા પિતાશ્રીનો જ પત્ર છે અને તેણે કવર ઉઘાડીને પત્ર વાંચ્યો. તેમાં લખ્યું હતું :
“ગોકુળથી સાગરદત્તના આશીર્વાદ વાંચજો . ચિ. સમુદ્રદત્તને જણાવવાનું કે આ પત્ર લઈ આવનારને વિના વિલંબે વિષ આપજો. આ અંગે જરાય શંકા રાખવી નહિ.”
યુવતી પત્ર વાંચીને ઘડી ધ્રૂજી ઊઠી. “શું મારા પિતા આ યુવાનને ઝેર આપી મારી નાંખવા ઇચ્છે છે ! પણ શા માટે ? નહિ. હું એને મરવા નહીં દઉં. એ મારી આંખમાં વસી ગયો છે. હું એને જ પરણીશ.” આમ વિચારી તેણે પત્રમાં જ્યાં “વિષ' લખ્યું હતું ત્યાં તેણે “ષની આગળ એક માત્રા ઉમેરી દીધો અને ઝડપથી એ પત્ર પાછો કવરમાં મૂકી દીધો.
એક માત્રાના ફેરફારથી આખું દશ્ય બદલાઈ ગયું. દામન્નક જાગ્યો અને ચાલતો તે સાગરદત્તના ઘરે આવ્યો. તેણે પત્ર સમુદ્રદત્તને આપ્યો. એણે પત્ર વાંચ્યો. તેના આશ્ચર્યનો પાર ન રહ્યો. પિતાની આજ્ઞાનો અનાદર કેમ થાય? તેણે દામન્નકને પત્ર વંચાવ્યો. તેની આંખો પણ પહોળી થઈ ગઈ. બીજું કંઈ વિચારવાનો પ્રશ્ન ન હતો. સમુદ્રદત્તે ભારે ઉમળકાથી પોતાની બહેન વિષાને દામનક સાથે પરણાવી દીધી.
- સાગરદત્ત થોડા દિવસ પછી ઘેર આવ્યા. તેમણે જાણ્યું કે જેને મેં વિષ આપવાનું લખ્યું હતું તેને મારા જ સગા દીકરાએ તેની બહેન આપી દીધી. ગજબ અનર્થ થઈ ગયો! શેઠ ધુંધવાઈ ગયો. પણ તેમણે તેમનો ગુસ્સો મનમાં સંતાડી રાખ્યો અને ચાંડાળને પાછો બોલાવીને ખાનગીમાં ધમકાવ્યો અને કરડાકીથી ચેતવણી આપી : “આજે તું જો એ છોકરાની હત્યા નહિ કરે તો તેનું પરિણામ સારું નહિ આવે. ભયથી ચાંડાળે શેઠની વાતનો સ્વીકાર કર્યો.
સાંજે સાગરદત્તે ઘણા પ્રેમથી પુત્રી અને જમાઈને કહ્યું: “આજની રાત આપણા કુળમાં ઘણી મહત્ત્વની છે. આપણો કુલાચાર છે કે આજની રાતે નવદંપતીએ માતૃકાદેવીની પૂજા કરવી જોઈએ. તો તમે બન્ને ભાવથી પૂજા કરી આવો.”
પિતાની આજ્ઞા માનીને બન્ને રાતના સમયે માતૃકાદેવીના મંદિરે જવા નીકળ્યાં. રસ્તામાં તેમને સમુદ્રદત્ત મળ્યો. તેણે પૂછ્યું: “રાતના સમયે તમે બન્ને આ નિર્જન રસ્તે ક્યાં જાવ છો?” દામન્નકે બધી વાત કરી. સાંભળીને સમુદ્રદત્ત બોલ્યો : “પિતાએ ભલે કહ્યું. પણ આવી રાતના સમયે સ્ત્રીને લઈને જવું ઉચિત નથી અને રાતના દેવીપૂજા થાય પણ નહિ. પિતાની કહેવામાં કંઈ ભૂલ થઈ લાગે છે. માટે તમે પાછાં ફરો અને આ નૈવેદ્યાદિ મને આપો. દેવીને હું ચડાવી આવીશ.”
વિષાના કહેવાથી દામન્નકે સાળાની વાત માની લીધી. તે બન્ને ઘર તરફ પાછા ફર્યા. સમુદ્રદત્ત દેવીના મંદિરે ગયો. જેવો તેણે ગર્ભદ્વારમાં પગ મૂક્યો કે ચાંડાળે તલવારથી તેનું મસ્તક કાપી નાખ્યું.