________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
૧૩૯ થઈ ગયા. દામન્નક આથી નગર છોડીને અન્યત્ર ભાગી ગયો. રોગચાળાનો ઉપદ્રવ શાંત થયો ત્યારે તે રખડતો રઝળતો પાછો રાજગૃહી નગરમાં આવ્યો. અહીં તે સાગરદત્ત શેઠના ઘરે નોકર તરીકે રહેવા લાગ્યો.
એક દિવસની વાત છે. સાગરદત્તને ત્યાં નિમિત્તના જાણકાર બે મુનિ ભગવંત ગોચરી માટે પધાર્યા. ગોચરી લેતાં તેમની નજર દામન્નક પર પડી. તેને જોઈને મોટા મુનિએ નાના મુનિને કહ્યું: “આ છોકરો મોટો થઈને આ ઘરનો માલિક બનશે.”
સાગરદત્તે આ ભવિષ્યવાણી સાંભળી. તેનું ભવન ફરી ગયું. “આ નોકર મારા ઘરનો માલિક બની જશે? નહિ. હું તેમ નહિ થવા દઉં.' આમ વિચારી તેણે દામન્નકનું કાસળ કાઢવા એક ચાંડાળને સાધ્યો. પૈસા આપીને તેણે ચાંડાળને કહ્યું: “હું આ છોકરાને સમજાવીને તારી સાથે મોકલીશ. તું કોઈને ખબર ન પડે તેમ તેની હત્યા કરી નાંખજે. તેની ટચલી આંગળી પછી તું મને બતાવજે. એટલે બાકીના પૈસા તને આપી દઈશ.”
શેઠ અને ચાંડાળ વચ્ચે હત્યાનો સોદો નક્કી થઈ ગયો. શેઠના કહેવાથી દામનક ચાંડાળની સાથે ગયો. ચાંડાળ તેને દૂર એકાંત સ્થળે લઈ ગયો. પરંતુ તેને દામન્નક પર દયા આવી. ભોળા નિર્દોષ બાળકની પૈસાના લોભે હત્યા કરવા માટે તેનો જીવ ના ચાલ્યો. આથી તેણે તેની માત્ર ટચલી આંગળી કાપી લીધી. દામનક ચીસો પાડી રડી ઊઠ્યો. ચાંડાળે તરત જ તેના પર પાટો બાંધ્યો અને કહ્યું : “જા દીકરા ! દોટ મૂકીને ઝડપથી ભાગ, તારા શેઠ તને મારી નાંખવા માંગે છે.”
મોતના ભયથી દામનક પાછું જોયા વિના મુઠ્ઠી વાળીને ભાગ્યો. ભાગતો ભાગતો તે એક નજીકના ગામડામાં આવ્યો. આ ગામડામાં સાગરશેઠનું એક ગોકુળ હતું. અચાનક અજાણતાં જ દામનક ત્યાં આવી પહોંચ્યો. ગોપાલકે તેનો નિર્દોષ ચહેરો અને વિનયવાન જાણીને તેણે પોતાને ત્યાં પુત્રની જેમ રાખી લીધો. દિવસો વહેતા ગયા. દામનક યુવાન થયો.
એક દિવસ સાગરદત્ત પોતે આ ગોકુળમાં આવ્યા. તેમની નજર યુવાન પર પડી. તેમણે ધ્યાનથી જોયું. યુવાનની ટચલી આંગળી કપાયેલી હતી. તે દામનકને ઓળખી ગયા. ફરી તે તેને મારી નાંખવા માટે તૈયાર થયા. કાવતરું મનમાં ગોઠવીને તેમણે ગોપાલકને કહ્યું : “મારે જરૂરી તાકીદનું કામ છે તો તારા આ યુવાન પુત્રને આ કાગળ લઈને મારા ઘરે રાજગૃહી મોકલી આપ.”
કાગળ લઈને દામન્નક રાજગૃહના સીમાડે કામદેવના મંદિર પાસે આવ્યો. તેના ઓટલે બેઠો. થાકને લીધે તેને ઝોકું આવી ગયું અને થોડીવારમાં તો તેનાં નસકોરાં બોલવા લાગ્યાં.
ત્યાં જ સાગરદત્ત શેઠની સોહામણી યુવાન પુત્રી કામદેવની પૂજા કરવા માટે આવી. (એ સમયમાં યુવાન કન્યાઓ યોગ્ય પતિ મેળવવા માટે કામદેવની પૂજા કરતી) તેણે સૂતેલા યુવાનને જોયો. તેનું રૂપ અને સૌષ્ઠવ જોઈ એ યુવતી તેના પર મુગ્ધ બની ગઈ. તે તેને અપલક ધ્યાનથી