________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
૧૫૧ ત્યારે શેઠે વિનયથી અંજલિપૂર્વક કહ્યું: “હે ભગવંત ! સાંસારિક જંજાળના કારણે નિત્ય ધર્મની આરાધના મારાથી થઈ શકે તેમ નથી. તો હે કૃપાળુ ! કોઈ એવો દિવસ આપ બતાવો કે જે દિવસનું આરાધન કરવાથી મને વર્ષભરની ધર્મની આરાધના જેટલું ફળ મળે.”
ગુરુ મહારાજ: “તો તે શેઠ! તમે માગસર માસની અજવાળી અગિયારસની આરાધના કરો. આ દિવસે અહોરાત (આખા દિવસ)નો પૌષધ કરવો. તે દિવસે ઉપવાસ કરવો અને મનવચન ને કાયાથી તમામ પાપપ્રવૃત્તિનો ત્યાગ કરીને આખો દિવસ મૌન રાખવું. આ વિધિ પ્રમાણે ઓછામાં ઓછાં અગિયાર વરસ સુધી આ એકાદશીની આરાધના કરવી અને એ તપ પૂર્ણ થાય ત્યારે ઉલ્લાસ અને ઉદારતાથી મહોત્સવપૂર્વક તેનું ઉદ્યાપન (ઉજમણું) કરવું.”
સુરશેઠને આ મૌન એકાદશીનું વ્રત ગમી ગયું. વિધિપૂર્વક અને આત્માના ઉલ્લાસથી તે વ્રતનું ઉત્કૃષ્ટ આરાધન કર્યું. તપ પૂર્ણ થયે તેનું ભવ્ય ઉજમણું પણ કર્યું. આયુષ્ય કર્મ પૂરું થયું. સુરશેઠ મરીને આરણ નામના દેવલોકમાં દેવ થયા. દેવલોકનું એકવીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરીને તેમનો જીવ ભરતક્ષેત્રના સૌરીપુર નગરમાં રહેતા સમૃદ્ધિદત્ત શેઠની ગુણિયલ પત્ની પ્રીતિમતીની કુક્ષિમાં અવતર્યો.
ગર્ભના પ્રભાવથી પ્રીતિમતીને તીવ્ર ઇચ્છા (દોહદ) થઈ: “હું શ્રાવકના બાર વ્રત અંગીકાર કરું. મહાવ્રતધારી મુનિ ભગવંતોની વિવિધ પ્રકારે ભક્તિ કરું. સર્વ સંસારીઓને વ્રતનો મહિમા સમજાવી તે સૌને વ્રતધારી બનાવું. સંગીતકારો વ્રતધારીઓનો મહિમા ગાય. નર્તકો નૃત્ય કરે અને એ મહિમાના ગાન અને નૃત્ય બસ જોયા જ કરું...” સમૃદ્ધિદત્તે પત્નીના આ દોહદને પૂર્ણ કર્યો. યોગ્ય સમયે તેણે પુત્રને જન્મ આપ્યો. ગર્ભાધાન સમયે માતાને વ્રત લેવાની ઇચ્છા થઈ હતી. આથી પુત્રનું નામ “સુવ્રત' રાખવામાં આવ્યું.
સુવ્રત મોટો થયો. ભણી ગણીને વિદ્વાન પણ થયો. યુવાન વયે પિતાએ સુવ્રતને અગિયાર કન્યાઓ પરણાવી. કાળક્રમે તેનાં માતા-પિતા મૃત્યુ પામ્યાં. હવે તે અગિયાર કરોડ સોનામહોર આદિનો માલિક બન્યો.
એક સમયે સૌરીપુર નગરમાં વિશુદ્ધ ચારિત્ર્યધારી આચાર્ય ભગવંત શ્રી ધર્મઘોષસૂરિજી વિશાળ શિષ્ય સમુદાય સહિત પધાર્યા. આ શુભ સમાચાર મળતાં જ સુવ્રત શેઠ સપરિવાર તેમની ધર્મદશના સાંભળવા ગયો. દેશના સાંભળતાં સાંભળતાં સુવ્રતને જાતિસ્મરણ જ્ઞાન થયું. દેશના પૂરી થઈ. સુવ્રત શેઠે વિનયથી પૂછ્યું : “હે ભગવંત ! પૂર્વભવમાં મેં મૌન એકાદશી પર્વની આરાધના કરી, તેથી મને આરણ સ્વર્ગમાં પ્રથમ સુખ મળ્યાં અને પછી આજે આ મહાસમૃદ્ધિ પામ્યો છું. તો હે ભગવંત ! હું હવે શેની આરાધના કરું જેથી મને આથીય વિશેષ અસાધારણ ફળની પ્રાપ્તિ થાય ?'
આચાર્ય ભગવંત બોલ્યા: “હે મહાનુભાવ! જે પર્વની આરાધનાથી તમને આવો અચિંત્ય
ઉ.ભા.-૪-૧૧