________________
૧૧૬
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૪ અષાઢભૂતિએ સ્પર્ધામાં વિજય મેળવ્યો. સવારે ઘરે આવીને જોયું તો બન્ને પત્નીઓ શયનખંડમાં નિર્લજ્જ અવસ્થામાં પડી હતી અને માથું ફાટી જાય તેવી દુર્ગધ તેમના મોંમાંથી આવતી હતી. એઠાં મોંના કારણે ત્યાં માખીઓ પણ બણબણતી હતી. આ જુગુપ્સાજનક દશ્ય જોઈને અષાઢભૂતિનું અંતર વલોવાઈ ગયું. તેમનો સૂતેલો આત્મા જાગી ગયો. તેમને ગુરુજીનું વાક્ય યાદ આવી ગયું. તે તરત જ પોતાના સસરા નટ પાસે ગયા અને કહ્યું –
મારો ને તમારો સૌનો સંબંધ પૂરો થયો. બાર-બાર વરસ સુધી હું કાદવમાં રહ્યો. હવે હું આ ગંદવાડમાં જીવી શકું તેમ નથી. રસ અને રૂપમાં લુબ્ધ બનીને મેં ચારિત્ર ગુમાવ્યું. બાર વરસ મેં તેમાં બરબાદ કર્યા. આજે મને અનુભૂતિ થઈ છે કે મેં અયોગ્ય કર્યું છે. હાથમાં આવેલ ચારિત્ર મેં ગુમાવી દીધું છે. પરંતુ હવે મારાથી વધુ સમય આ ગંદકી અને ઉકરડામાં જીવી શકાય તેમ નથી. હવે હું પાછો મારા ગુરુ પાસે જાઉં છું.”
આ સાંભળીને નટે અને પત્નીઓએ તેને ખૂબ જ સમજાવ્યો. પત્નીઓએ પોતાની ભૂલની ક્ષમા માંગી. અષાઢભૂતિ એકનો બે ન થયો. ત્યારે પત્નીએ કહ્યું “તમારે જવું હોય તો ભલે જાવ. પણ અમને જીવનભર ચાલે તેટલું ધન આપીને પછી જાવ. તે સિવાય અમે તમને જવા નહિ દઈએ.
અષાઢભૂતિએ તે વાત સ્વીકારી લીધી. તે તુરત જ રાજા પાસે ગયા, કહ્યું: “હે રાજનું! હું તમને સર્વશ્રેષ્ઠ ભરત ચક્રવર્તીનું નાટક બતાવીશ અને રાજાના સહકારથી તેમણે સાત દિવસમાં નવું નાટક તૈયાર કર્યું. યોગ્ય સમયે નાટક શરૂ થયું. અષાઢભૂતિ પોતે ભરત બન્યો અને ચક્રની ઉત્પત્તિથી માંડીને કેવળજ્ઞાનની પ્રાપ્તિ સુધીનાં બધાં જ દશ્યો તેમણે આબેહૂબ ભજવ્યાં.
અરિસાભુવનમાં વીંટી નીકળી ગઈ અને ભરતની જેમ જ ધ્યાનમાં ઉત્તરોત્તર ઊંચે ચડતા ગયા અને નાટકના બદલે સત્ય સાબિત થયું. નાટક ભજવતાં અષાઢભૂતિને કેવળજ્ઞાન થયું. આથી ત્યાં જ રંગભૂમિ ઉપર જ પંચમુષ્ટિ લોન્ચ કર્યો. દેવતાઓએ આપેલ મુનિવેષ પહેર્યો અને નાટકમાં ભાગ લેનારા પાંચસો રાજપુત્રોને પ્રતિબોધ પમાડ્યા, નાટક માટે જે કંઈ રત્નાદિક સામગ્રી લીધી હતી તે બધી પત્નીઓને આપીને તે પોતે ત્યાંથી ચાલી નીકળ્યા. અષાઢભૂતિની આ સિદ્ધિની તેમના ગુરુએ પ્રશંસા કરી અને તેમને વંદના પણ કરી.
ભવ્ય જીવોએ આ સત્ય ઘટનામાંથી શીખવાનું છે કે ક્યારેય પણ કશામાં લુબ્ધ બનવું નહિ. રસ અને રૂપમાં, સ્વાદ અને સૌન્દર્યમાં લુબ્ધ બનવાથી સાધના ખરડાય છે અને ખંડિત પણ થાય છે. ચારિત્ર કલંક્તિ બને છે. કોઈ વિરલા જ બગડેલી બાજી સુધારી શકે છે. આથી જીવનમાં કદી માયા ન કરવી અને કશામાં લુબ્ધ-આસક્ત ન બનવું.
-
O