________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
૧૩૫
મન મજબૂત કરીને મનને શુભ ધ્યાનમાં જ રાખ્યું. પણ વેદના તેમની જીવલેણ બની. ઉપવાસમાં જ તે કાળધર્મ પામ્યા.
આ સમાચાર સાંભળીને યક્ષા સાધ્વીને ભારે આઘાત લાગ્યો. તેમને થયું કે મારા નિમિત્તે જ ભાઈ મુનિ કાળધર્મ પામ્યા. હું સાધુ-હત્યારી બની. મેં તેમને ઉપવાસ કરવાની પ્રેરણા ન આપી હોત તો આવું અમંગળ ન બનત. આમ વિચારીને યક્ષા સાધ્વીએ ચારેય આહારનો ત્યાગ કર્યો.
આ જાણીને શ્રી ચતુર્વિધ સંઘે સાધ્વીજીને સમજાવ્યાં: “તમે આમાં નિર્દોષ છો. જે બન્યું તે આકસ્મિક છે. તમારા ભાવ તો નિર્મળ અને ઉચ્ચ હતા. એમનું આયુષ્યકર્મ પૂરું થયું અને એ કાળધર્મ પામ્યા.” પરંતુ સાધ્વીજી માન્યાં નહિ. ફરી ફરીને તે એક જ વાત કહેતાં રહ્યાં : “મારે આ પાપનું પ્રાયશ્ચિત્ત કરવું છે. તમે મને મુનિ હત્યાના પાપનું પ્રાયશ્ચિત્ત આપો.'
સાધ્વીજીને અડગ જોઈને શ્રી સંઘે શાસનદેવનું ધ્યાન ધર્યું. તેણે પ્રકટ થઈને કહ્યું: “મને શા માટે યાદ કરી? સંઘે વિનયથી કહ્યું : “યક્ષા સાધ્વીજીને આપ શ્રી સીમંધર પરમાત્મા પાસે લઈ જાવ અને તેમની શંકાનું નિવારણ કરાવો.” દેવી બોલી: “જેવી શ્રી સંઘની આજ્ઞા. પણ હું જયાં સુધી પાછી ન ફરું ત્યાં સુધી તમે બધાં કાઉસ્સગ્ગ ધ્યાનમાં જ લીન રહેજો.” - યક્ષા સાધ્વીએ શ્રી સીમંધર પરમાત્માને વંદના કરી અને પોતાની શંકાનું નિવારણ કરવા વિનંતી કરી. ભગવંતે કહ્યું: “સાધ્વી! તમે નિર્દોષ છો આથી તેમને સંતોષ થયો. આ પ્રસંગે શ્રી સીમંધર પરમાત્માએ સાધ્વીજીને સૂત્રની બે ચૂલિકા (ગાથા) આપી. તે લઈને સાધ્વીજી શાસનદેવી સાથે પૃથ્વી પર પાછા ફર્યા. સંઘે “નમો અરિહંતાણં' બોલીને કાઉસ્સગ્ગ પાર્યો. ત્યારે યક્ષા સાધ્વીજીએ શ્રી સંઘને કહ્યું : કૃપાળુ ભગવંતે મારા મુખે શ્રી સંઘને આપવા માટે સૂત્રપદો અને ચાર અધ્યયન પાઠવ્યા છે.
આ ચાર અધ્યયનનાં નામ આ પ્રમાણે છે - ૧. ભાવના, ૨. વિમુક્તિ, ૩. રતિકલ્પ અને ૪. એકાંતચર્યા. આ ચાર અધ્યયન મેં એક જ વાર સાંભળીને કંઠસ્થ-હૃદયસ્થ કરી લીધાં છે અને જેવાં તે મેં સાંભળ્યાં છે તેવાં જ મેં તમને સંભળાવ્યાં છે.”
આ અંગે “પરિશિષ્ટ પર્વ”માં જણાવ્યું છે કે – “પૂર્વોક્ત ચાર અધ્યયનમાંથી પ્રથમનાં બે અધ્યયન શ્રી આચારાંગ સૂત્રની ચૂલિકા રૂપે અને છેલ્લાં બે દશવૈકાલિકની ચૂલિકા રૂપે શ્રી સંઘ દ્વારા નિયોજિત કરવામાં આવ્યાં છે.”
શ્રીયક મુનિના જીવન પ્રસંગથી બોધપાઠ લેવાનો છે કે ધીમે-ધીમે શક્તિ વધારતા જઈને તપ અવશ્ય કરવો. બીજાઓને પણ તપ કરવા માટે પ્રેરણા અને પ્રોત્સાહન આપવું.
ઉ.ભા.જ-૧૦