________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૪
૧૨૫ દેવદત્તે પુનઃ કહ્યું: “હે મુનિ ! તમે અમને આ વિસ્તારથી સમજાવો.” ત્યારે સાધુએ તે દરેકની સદષ્ટાંત આ પ્રમાણે સમજ આપી :
(૧) એક પુરુષ તેની પત્નીને વશ હતો. તેના કહ્યા પ્રમાણે તે કરતો. એક દિવસ તેણે રોજ કરતાં વહેલાં ખાવાનું માંગ્યું. પથારીમાં સૂતેલી પત્નીએ કહ્યું: ‘તમારે વહેલા ખાવું હોય તો ચૂલામાંથી બધી રાખ કાઢો અને લાકડાં વગેરે તૈયાર કરો.' કહ્યાગરા કંથે ચૂલામાંથી રાખ કાઢી. આમ રોજ રોજ કરવાથી તેની બધી આંગળીઓ સફેદ થઈ ગઈ. આથી લોકો તેને શ્વેતાંગુલી કહેવા લાગ્યા.
(૨) એક કહ્યાગરા કંથને તેની પત્નીએ કહ્યું : “તમારે હંમેશા તળાવમાંથી પાણી લઈ આવવું.' તે રોજ રાતના પાણી ભરવા જતો, ઘડામાં પાણી ભરાવાના અવાજથી બગલા ઊડી જતા. આથી લોકોમાં તે બગલા ઉડાડનાર તરીકે જાણીતો થયો.
(૩) કોઈ પુરુષે તેની પત્ની પાસે જાવાનું પાણી માંગ્યું. તેની પત્નીએ કહ્યું: “ધોતિયું લઈને તળાવે જઈને હાઈ આવો.' આવું તે રોજ કરવા લાગ્યો. આથી લોકો તેને તીર્થસ્નાતા તરીકે ઓળખવા લાગ્યા.
(૪) સ્ત્રીલુબ્ધ પુરુષ રોજ સવારે તેની પત્નીને પૂછતોઃ “હે પ્રિયા ! આજ હું તારી શી સેવા કરું?” ત્યારે પત્ની તેને ઝાડૂ વાળવાનું, વાસણ માંજવાનું વગેરે વિવિધ કામ બતાવતી. આથી લોકો તેને બૈરીનો ચાકર કહેતા.
(૫) પત્નીના કહેવાથી એ પુરુષ બાળકોને રમાડતો. બાળકોને સંડાસ-પેશાબ કરાવતો. તેમજ બાળકોનાં ગંધાતાં કપડાં પણ ધોઈ નાંખતો. આમ કરવાથી તેનાં કપડાં દુર્ગધ મારતાં તે જોઈને લોકો તેને દુર્ગધી કહેતા.
| (૬) કોઈ પુરુષ જમવા બેઠો. તેને શાકમાંગ્યું. તે સમયે પત્ની બીજા કામમાં હતી આથી તેણે કહ્યું: ‘જોઈએતો તમે તમારા હાથે લઈ લો.” આથી તેણે ગીધ પક્ષીની જેમ બબડતાં-બબડતાં હાથે શાક લીધું. તેના આવા વર્તાવથી લોકોમાં તે ગીધડા તરીકે ઓળખાવા લાગ્યો. આમ આ છ પ્રકારના પુરુષો કહ્યાગરા કંથ છે. સ્ત્રીના ગુલામ છે. તમે જો તેમાંના એકેય ન હો તો તમારી પાસે કંઈક માંગું.
ત્યાં કોઈક બોલ્યું : “હે મુનિ ! આ શેઠ તો છ માંના જ એક પ્રકારના છે. તે જ સમયે શેઠ બોલ્યા કે મનિ ! તમે એના બોલવા પર જરાય ધ્યાન ન આપશો. હું એવો કહ્યાગરો કંથ નથી. તમારે જે માંગવું હોય તે માંગો.” સાધુએ ઘી-ગોળવાળી સેવની માંગણી કરી અને તેની પત્ની સાથે જે વાર્તાલાપ થયો હતો તે પણ કહ્યો.
શેઠ અને મુનિ પછી બન્ને ઘરે આવ્યા. શેઠે પત્નીને કશા કામે બહાર મોકલી આપી અને મુનિને ઘણી બધી ગળી સેવ વહોરાવી. ત્યાં જ પત્ની પાછી ફરી. તેને જોઈને મુનિએ નાક પર આંગળી ઘસી. સ્ત્રી સમજી ગઈ કે મુનિએ ઈશારાથી મને નફ્ટ કહી. આથી તેણે પણ વધુ બીજી સેવ વહોરાવી. ઘણી બધી સેવ લઈને મુનિ ઉપાશ્રયે આવ્યા. એ જોઈને બીજા બધા સાધુઓએ તેમની પ્રશંસા કરી.