________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
૧૨૩ નથી.” આમ વિચારીને કોઈ જ દેવો ગયો નહિ. પરિણામે સેના સહિત સુભૂમ ચક્રવર્તી લવણ સમુદ્રની મઝધારે ડૂબી મર્યો અને મરીને નરકે ગયો. સુભૂમ છ ખંડનો સ્વામી હતો. છતાંય લોભથી તેણે વધુ ખંડ જીતવાનો લોભ કર્યો તે માટે પ્રયાણ કર્યું અને છેવટે મરીને તે સાતમી નરકે ગયો.
આ આગમ દૃષ્ટાંતથી સુજ્ઞજનોએ બોધપાઠ લેવાનો છે કે લોભથી છેવટે નરકગતિ પ્રાપ્ત થાય છે માટે લોભથી સદાય દૂર રહેવું.
૨૪૬
ક્રોધ પિંડનું સ્વરૂપ उच्चारनाधिसामर्थ्य, शापमंत्रतपो बलम् ।
प्रदर्श्य क्रोधतो लाति, क्रोधपिंड स उच्यते ॥ “ઉચ્ચાટન, કામણ, મારણ, મોહન, વશીકરણ વગેરેથી તેમજ શાપ, મંત્રના બળથી ક્રોધથી જે આહારાદિક વહોરવામાં (ગ્રહણ) આવે તે ક્રોધપિંડ કહેવાય છે.”
દિષ્ટાંત માસક્ષમણના તપસ્વી એક સાધુ પારણા માટે હસ્તિકલ્પ નગરમાં ફરતા ફરતા એક બ્રાહ્મણને ત્યાં જઈ પહોંચ્યા. ત્યારે બ્રાહ્મણને ત્યાં સૌ બારમાનું જમણ જમતા હતા. સૌએ તપસ્વી સાધુને જોયા. કોઈએ તેમનું સ્વાગત ન કર્યું. ઊલટું સૌએ તેમનું અપમાન કર્યું. તપસ્વી સાધુ ગુસ્સે થઈ ગયા. તેમણે કહ્યું : “આજે ભલે તમે મને અપમાન કરીને કાઢી મૂકો પરંતુ યાદ રાખજો, ફરીથી હું આવા જ પ્રસંગે તમારે ત્યાં પારણા માટે આવીશ.”
બીજા મહિને એ તપસ્વી સાધુ ફરીથી એ જ બ્રાહ્મણને ત્યાં પારણા માટે આવ્યા. ત્યારે પણ બારમાનું જમણ સૌ જમતા હતા. આ સમયે પણ બધાએ તેમનું અપમાન કર્યું. આવું ચાર ચાર વખત બન્યું. ચારેય વખત તેમને ભિક્ષા ન મળી. એ દરેક પ્રસંગે તેમણે પહેલાંની જેમ જ કહ્યું.
આથી ઘરધણીએ વિચાર્યું કે “મારે ત્યાં સૌ સાધુનું અપમાન કરે છે આથી જ દર મહિને મારે ત્યાં કોઈ ને કોઈનું મરણ થાય છે. આથી મારે સાધુની ભક્તિ કરવી જોઈએ અને તેમને ભિક્ષા આપવી જોઈએ.” આથી પાંચમી વખતે ઘરધણીએ એ તપસ્વી સાધુને ભિક્ષામાં ભાવથી ઘેબર વહોરાવ્યાં અને તેમનું સન્માન પણ કર્યું. તેમજ બે હાથ જોડીને કહ્યું: “હે મુનિ! મને ક્ષમા કરો અને અમને જીવતદાન આપો !”