________________
૧૨૮
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ આવ્યા ત્યારે “ધર્મલાભ ના બદલે “સિંહકેસરિયા” બોલ્યા હતા. શ્રાવકને હવે તાળો મળી ગયો. સાધુને આખા દિવસમાં ક્યાંયથી એ મળ્યા નથી તેથી તે મેળવવાની આશા ને લાલસામાં અત્યારે કટાણે મારે ત્યાં પધાર્યા છે. ખરેખર ! આહારના લોભ ને લાલસામાં આ મુનિ લપસ્યા છે. પણ પટકાયા નથી. પાંચ મહાવ્રતોમાંથી તેનું એક પણ વ્રત ખંડિત નથી થયું. આમ વિચારીને તે ફરી થાળ ભરી લાવ્યો. હવે તેમાં સિંહ કેસરિયા હતા. તેણે કહ્યું: “હે ભગવંત ! આ સિંહકેસરિયા વહોરો અને મને કૃતાર્થ કરો.”
મુનિએ તરત જ પાતરું ધર્યું. ગોચરીમાં સિંહકેસરિયા લાડવા મળ્યા તેથી તેમના ચહેરા પરની ખિન્નતા અને ઉદાસી દૂર થઈ ગઈ. હવે તેમનું ચિત્ત શાંત અને સ્વસ્થ બન્યું. મુનિ બોલ્યા: “ધર્મલાભ”. શ્રાવકની મૂંઝવણ અને ચિંતા હવે ઔર વધી ગઈ. તેને થયું કે આ મુનિ આ લાડવાની લોલુપતાથી રાત્રિ ભોજન કરશે તો તેમનાં મહાવ્રત ખંડિત થશે. હું શું કરું તો આ મુનિ મહાદોષમાંથી ઊગરી જાય ?
ત્યાં તેના ચિત્તમાં ચમકારો થયો. મુનિ હજી પાછા ફરે છે ત્યાં જ તેણે વિનયથી કહ્યું: “હે તપસ્વી ભગવંત! એકાદ મિનિટ મારા માટે થોભવાની કૃપા કરો. આજ મેં પુરિમુઢનું પચ્ચકખાણ ધાર્યું છે. એનો સમય થયો કે નહિ તે કહેવા કૃપા કરો.”
તપસ્વી મુનિએ સમય જોવા આકાશ તરફ આંખ ઊંચી કરી જોયું અને એ ગજબની હેબત ખાઈ ગયા. હૈયે ધ્રાસ્કો પડ્યો : અરે ! અડધી રાત થઈ છે આ તો !!! અને હું મધરાતે શ્રાવકના ઘરે ગોચરી માટે આવ્યો છું?!!! ઓહો ! મારાથી આ શું થઈ ગયું ?! લાડવાના લોભ અને લાલસામાં હું મારી મર્યાદા પણ ભૂલી ગયો? ધિક્કાર છે મને અને મારી આ આહાર લાલસાને...! આમ આત્મનિંદા કરતાં મુનિએ સ્વસ્થતા અને કૃતજ્ઞભાવે કહ્યું: “હે શ્રાવક! તું સાચે જ તત્ત્વજ્ઞ અને વિનયી શ્રાવક છે. ખરેખર તું ધન્ય અને કૂતપુર્યા છે. શ્રાવકનું કર્તવ્ય સમજી તેં મને ગોચરી તો વહોરાવી. પણ વિવેક અને વિનય સાચવીને તેં મને પચ્ચકખાણનો સમય પૂછીને સંસારમાંથી ડૂબતો બચાવી લીધો. સાચે જ શ્રાવક! તારી પ્રેરણા ઉત્તમ અને અનુકરણીય છે. માર્ગથી ગબડેલાને - માર્ગ ભૂલેલાને સાચા પંથે ચડાવનાર તું મારો ધર્મગુરુ છે. હું તને વંદન કરું છું !”
જાણ્યા પછી સુજ્ઞજન એ ભૂલનું કદી પુનરાવર્તન નથી કરતો. મુનિને પોતાની ભૂલ સવેળા સમજાઈ. તેમણે શ્રાવક પાસે એકાંત જગાની યાચના કરી અને ત્યાં એ કાયોત્સર્ગ કરી આત્મધ્યાનમાં લીન બન્યા. સવાર પડી. મુનિ રાતની ગોચરીને પરઠવા શુદ્ધ ભૂમિ તરફ ગયા. લાડવાનો ભુક્કો કરતા ગયા. ભુક્કો કરતાં કરતાં એ પોતાના આત્માને વધુ ને વધુ તીવ્રતાથી નિંદતા રહ્યા અને ઢંઢણમુનિની જેમ શુભ ભાવના ભાવતા ગયા. ભાવતા જ રહ્યા. અતિ શુભ ને શુદ્ધધ્યાન (શુક્લધ્યાન)ના બળથી તેમનાં બધાં જ ઘાતકર્મોનો ક્ષય થઈ ગયો. તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. દેવોએ તે જાણી આનંદથી તેનો મહોત્સવ કર્યો, આદરથી દેવોએ તેમને સુવર્ણ કમળ પર બિરાજમાન કર્યા. નૂતન કેવળી ભગવંત સુવ્રતમુનિએ પ્રેરક ધર્મદેશના આપી.