________________
૧૨૨
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
આ સમયમાં કૃતવીર્યની પેલી રાણીએ પુત્રને જન્મ આપ્યો હતો. તેનું નામ સુભૂમ રાખવામાં આવ્યું હતું. ક્ષત્રિયની ગંધથી પરશુએ આગની જ્વાળા ફેંકી. આથી પરશુરામે તાપસોને પૂછ્યું : ‘અહીં તમારા આશ્રમમાં ક્ષત્રિય કોણ છે ?' તેમણે કહ્યું : “અમે બધાં મૂળથી ક્ષત્રિયો જ છીએ, પરંતુ અત્યારે અમે સૌ તાપસો છીએ.” પરશુરામ આથી શંકામુક્ત થયો.
એક દિવસ વૈતાઢ્ય પર્વતના સ્વામી મેઘનાદ વિદ્યાધરે એક નૈમિત્તિકને પૂછ્યું : “મારી કન્યાનો પતિ કોણ થશે ?’” તેણે કહ્યું ‘સુભૂમ નામનો ચક્રવર્તી તમારી કન્યાનો પતિ થશે.’ તે પછી મેઘનાથ વિદ્યાધરે થોડા સમયમાં તેની માતાની સાથે ભોંયરામાં રહેલા સુભૂમ સાથે પોતાની કન્યા પરણાવી. સુભૂમે ભોંયરાની બહારની દુનિયા જોઈ નહોતી, આથી એકદા તેણે માતાને પૂછ્યું : ‘હે માતા ! શું પૃથ્વી આટલી જ છે ?' માતાએ કહ્યું ‘ના, વત્સ ! પૃથ્વી તો ઘણી વિશાળ છે. પરંતુ તારા પિતાને પરશુરામે મારી નાંખી તેમનું રાજ્ય લૂંટી લીધું. આથી તેના ભયથી આપણે ભોંયરામાં રહીએ છીએ.' એમ કહી તેણે બધી વાત જણાવી.
એ સાંભળીને સુભૂમનું ક્ષત્રિય લોહી ગરમ થઈ ગયું. માતાના આશીર્વાદ લઈને મેઘનાદ વિદ્યાધર સાથે તે હસ્તિનાપુર ગયો. ત્યાં તે પ્રથમ દાનશાળામાં ગયો. તેની નજર પડતાં જ સિંહાસન પરના થાળમાં મૂકેલી બધી દાઢો ઓગળીને ખીર બની ગઈ. સુભૂમ તે બધી ગટગટાવી ગયો. આ સમાચાર સાંભળતાં જ પરશુરામ પોતાના શત્રુને હણવા પરશુ લઈને દોડી આવ્યો. સુભૂમે તરત જ તેની સામે ખીરનો થાળ ભમાવીને તેના તરફ ફેંક્યો. એ થાળ હજાર દેવોથી અધિષ્ઠિત ચક્ર બની ગયું. તેનાથી વીંધાઈને પરશુરામ મરણ પામ્યો. દેવોએ તે સમયે સુભૂમ પર પુષ્પવૃષ્ટિ કરી.
પૂર્વના વૈરથી સુભૂમે એકવીસ વખત પૃથ્વીને બ્રાહ્મણ વિનાની કરી. અનુક્રમે તે છ ખંડનો ચક્રવર્તી બન્યો. પરંતુ તેનાથી તેને સંતોષ ન થયો. ધાતકીખંડમાં આવેલા છ ખંડ જીતવાની તેને લાલસા જાગી. એ સમયે દેવતાઓએ કહ્યું :
“હે સુભૂમ ! તું વધુ પડતી ને ખોટી મહેચ્છા રાખે છે. અગાઉ થઈ ગયેલા બધા જ ચક્રવર્તીઓએ માત્ર ભરતક્ષેત્રના છ ખંડ જીત્યા હતા. અનંતાકાળમાં અનંતચક્રી થઈ ગયા. બીજા પણ થશે. તે સૌની નીતિ એ જ હતી અને એ જ રહેશે. કોઈ ધાતકીખંડ જીતવાની ઇચ્છા નથી કરતું. માટે તું પણ એ ઇચ્છાનો ત્યાગ કર.”
પરંતુ સુભૂમે દેવતાઓનું કહ્યું ના માન્યું અને પોતાની સેનાને લઈને તે લવણ સમુદ્રને કાંઠે આવ્યો અને પોતાના ચર્મરત્નને હાથના સ્પર્શથી વિસ્તાર્યું. તેના પર સર્વ સેના સાથે બેસીને તે લવણસમુદ્ર પાર કરવા લાગ્યો.
તે સમયે બધા દેવોએ પોતપોતાના મનમાં વિચાર્યું કે “ચક્રવર્તીના તો ઘણા બધા દેવસેવક છે. આથી મારા એકલાની શક્તિ શું કામ કરવાની છે ? હું નહિ જાઉં તો કંઈ કશું નુકસાન થવાનું