________________
૧૨૦
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૪ પછી દેવતાઓએ આગળ માર્ગમાં એક બાજુ કાંટા પાથર્યા અને બીજા માર્ગમાં દેડકા વગેરે જીવજંતુઓ મૂક્યાં. પદ્મરથ મુનિ વિચારમાં પડી ગયા કે કયા માર્ગે જવું? પરંતુ તેમના અહિંસક અને કરુણાસભર આત્માએ કાંટાળા માર્ગે ચાલવાનું પસંદ કર્યું. ચાલતાં-ચાલતાં પગમાં સેંકડો કાંટા ઝૂંપી ગયા. લોહી નીકળવા માંડ્યું છતાં ય સમતાભાવથી તે સતત ચાલતા રહ્યા.
દેવોએ એ પછીના મુનિના માર્ગમાં રૂપાંગનાઓ હાજર કરી. તેમણે મુનિને પતિત કરવા સેંકડો નિષ્ફળ પ્રયત્ન કર્યા. ત્યારે દેવતાઓએ નૈમિત્તિકનું રૂપ ધારણ કરીને મુનિને કહ્યું: “હે મુનિ! અમે નૈમિત્તિકો છીએ. અમે નિમિત્ત જોઈને કહીએ છીએ કે તમારું આયુષ્ય હજી ઘણું લાંબુ છે. આથી તમે આ યુવાવસ્થામાં ભોગો ભોગવો અને પછી ઘડપણમાં તમે ધર્મ ધ્યાન કરજો. | મુનિ બોલ્યા: “આ જીવે અનંતા ભોગ ભોગવ્યા છે છતાંય તેને તલમાત્ર તૃપ્તિ થઈ નથી અને મારું આયુષ્ય ઘણું લાંબું છે. એ તો ઘણા આનંદની વાત થઈ. એથી હું વધુ વરસો આત્મસાધના કરી શકીશ.” મુનિની આવી દઢ ધર્મશ્રદ્ધા જોઈને બન્ને દેવતાઓએ જૈનધર્મની ખૂબ-ખૂબ પ્રશંસા કરી અને મુનિને ભાવથી ત્રિવિધ વંદના કરી. પછી તેઓ બંને એક જંગલમાં ગયા. ત્યાં જમદગ્નિ નામનો એક વયોવૃદ્ધ તાપસ તપસ્યા કરતો હતો. દેવતાઓ ચકલા-ચકલીનું રૂપ ધારણ કરીને તાપસની દાઢીમાં રહ્યા.
એક દિવસ ચકલાએ મનુષ્યવાણીમાં કહ્યું : “હે પ્રિય ! હું થોડા દિવસ માટે હિમવંત પર્વત પર જઉં છું.” ચકલી બોલી : ‘તમે જાવ તેનો મને વાંધો નથી. પરંતુ ત્યાં તમે કોઈ બીજી ચકલીના પ્રેમમાં પડી જાવ તો અહીં મારું શું થાય ?” ચકલાએ કહ્યું : “હું ગાયના સોગંદ ખાઈને કહું છું કે એવું કશું જ નહિ થાય અને હું જરૂર પાછો આવીશ.” ચકલી ફરી બોલી : “હે પ્રિયે ! જો તમે પાછા ન આવો તો તમે આ ઋષિના પાપથી લેપશો એવા સોગંદ ખાઓ તો તમને પ્રેમથી જવા દઉં.”
જમદગ્નિ ઋષિએ આ સાંભળ્યું. ગુસ્સાથી બરાડી ઊઠ્યા: “અરે! ઓ શુદ્ધાત્માઓ! તમે શું બોલો છો તેનું તમને ભાન છે? તમે મને પાપી કહો છો? કયો પુરાવો છે તમારી પાસે મને પાપી કહેવાનો ?”
ચકલો બોલ્યો: “હે તપોનિધિ ! આપ અમારા પર આમ કોપાયમાન ના થાવ. આપ તો શાસ્ત્રજ્ઞ છો. આપના શાસ્ત્રમાં કહ્યું છે કે “અપુત્રની ગતિ થતી નથી અને સ્વર્ગ તો મળતું જ નથી. માટે પુત્રનું મુખ જોઈને પછી જ બધાં કાર્ય કરવાં જોઈએ. તો “હે પૂજ્યવર! આપ તો અપુત્રિઆ છો તો પછી આપની સદ્ગતિ શી રીતે થશે?”
ચકલાની આ વાત ઋષિના કાળજે વાગી ગઈ. તેમણે તપસ્યા છોડી દીધી અને તે રાજા જિતશત્રુ પાસે ગયો અને પોતાના માટે એક કન્યાની માંગણી કરી. રાજાએ કહ્યું: “મારી પાસે સો કન્યા છે. તેમાંથી તમને જે ગમે તેની સાથે તમારાં લગ્ન કરાવું.”