________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
૧૧૫ ત્યાં સદ્ભાગ્યે અષાઢભૂતિ મુનિ બીજા દિવસે પણ એ નટને ત્યાં ગોચરી માટે આવ્યા. તેમને જોઈને પુત્રીઓ તૈયાર થઈ ગઈ. ખૂબ જ હાવભાવથી તેમણે પાતાં ભરીને સુગંધી લાડુ વહોરાવ્યા અને વિનંતી કરી: “હે મુનિ ! તમે રોજ અમને લાભ આપજો. તમારાં પગલાં પુણ્યવંત છે. તમારાં પગલાંથી અમારાં ભાગ્ય ખૂલી ગયાં છે. તો આપ હંમેશાં અમારે ત્યાં જ ગોચરી માટે પધારો.” એ પછી અષાઢભૂતિ મુનિ રોજ નટને ત્યાં ગોચરી માટે આવવા લાગ્યા. ધીમે ધીમે પુત્રીઓએ મુનિ પર જાદુ કરવા માંડ્યો. ચોક્કસ હેતુપૂર્વક તેઓ વર્તતી. તેમની સાથે હસીને વાત કરતી. તેમનાં અંગો દેખાય તેવી રીતે હલનચલન કરતી. કટાક્ષ કરતી, દ્વીઅર્થી વાણી બોલતી. છેવટે એક દિવસ બન્નેએ સ્પષ્ટપણે મુનિને પોતાની સાથે ભોગ ભોગવવાની માંગણી કરી.
મુનિએ કહ્યું: “તમારા અંતરની વ્યથા હું સમજી શકું છું. પરંતુ મારાથી ગુરુની આજ્ઞા વિના કંઈ થઈ શકે નહિ. હું મારા ગુરુની આજ્ઞા લઈને તુરત જ પાછો આવીશ. પછી તમે કહેશો તેમ તમારી સાથે વર્તીશ.”
ઉપાશ્રયે આવીને અષાઢભૂતિએ ગુરુને બધી સત્ય વાત કહી અને નટને ત્યાં જવા માટેની રજા માંગી. આચાર્ય બે ઘડી મૌન થંભી ગયા. તેમણે વિચાર્યું: “માયાપિંડથી આહાર લાવવાનું આ પરિણામ આવ્યું છે. મુનિ લપસ્યો છે, પણ હજી પટકાયો નથી. મને પૂછવા આવ્યો છે. મારી આજ્ઞા માગે છે. આથી હજી તેનામાં આત્મા જીવે છે ખરો. તેનો આત્મા એકદમ ઘોરી નથી ગયો. પરંતુ મારાથી તેને પાપકર્મ કરવા માટે મંજૂરી કેમ અપાય? છેવટે ઘણા મનોમંથનને અંતે તેમણે વચલો રસ્તો કાઢ્યો. મુનિને કહ્યું: “હે શિષ્ય ! તારું આ પગલું અનુચિત છે. પરંતુ તું મારી વાત અંગીકાર કર. તું મદિરા અને માંસ નહિ ખાવાની પ્રતિજ્ઞા લે.” મુનિએ તુરત જ તે પ્રતિજ્ઞા લીધી અને પછી સીધા નટને ત્યાં પહોંચી ગયા.
મુનિને સંસારી વેષમાં આવેલા જોઈને નટ અને તેની પુત્રીઓના આનંદની અવધિ ન રહી. અષાઢભૂતિએ ઘરમાં સ્થિર થતાં પહેલાં કહ્યું: “હું તમારે ત્યાં રહું. તમારા જેવો થઈને રહું પણ તે એક જ શરતે. તમે સૌ મદિરા અને માંસ નહિ ખાવાનું વચન આપો તો જ હું તમારી ઇચ્છા પૂરી કરું. નટે અને તેની બન્ને પુત્રીઓએ એ શરત મંજૂર રાખી. નટે પોતાની બન્ને પુત્રીઓને પરણાવી અને અષાઢભૂતિ હવે ઘરજમાઈ બનીને રહ્યા.
થોડા જ સમયમાં પોતાની નાટ્યકશળતાથી અષાઢભૂતિએ નટને માલામાલ કરી દીધો. નગર આખામાં અષાઢભૂતિની પ્રશંસા થવા લાગી. આ પ્રશંસા બીજા એક નટથી સહન ન થઈ. તેણે રાજાને સ્પર્ધા યોજવા પડકાર કર્યો. આ પરદેશી નટે શરત કરી કે જેનો પરાજય થાય તે સર્વસ્વ મૂકીને આ ગામ છોડીને ચાલ્યો જાય. અષાઢભૂતિએ આ પડકાર ઝીલી લીધો.
- નિશ્ચિત દિવસે સ્પર્ધા યોજાઈ. રાજા સહિત આખું નગર આ નાટ્યસ્પર્ધા જોવા ઊમટ્યું. બને પત્ની તે રાતના ઘરે રહી. તેમણે વિચાર્યું “ઘણા દિવસથી મદિરા (દારૂ) પીધી નથી. ગળામાં સોસ પડે છે. આજે સ્વામી છે નહિ. શા માટે રાતે મદિરા પીને મજા ન કરવી? અને બંનેએ તે રાતે ખૂબ મદિરા (દારૂ) પીધી અને મસાલેદાર માંસાહાર પણ કર્યો.