________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
૧૧૩
હવે બાહુબલીએ વિચાર્યું : ‘હું આમ છદ્મસ્થપણે પિતા પાસે જઈશ તો મારાથી પ્રથમ દીક્ષિત થયેલાઓને મારે વંદના કરવી પડશે. તેથી તો મારી લઘુતા ગણાય. આથી હું કેવળજ્ઞાની બનીશ ત્યારે જ પ્રભુ પિતાજીની પર્ષદામાં જઈશ.” આમ નક્કી કરીને બાહુબલી યુદ્ધભૂમિમાં જ કાયોત્સર્ગ કરવા લાગ્યા.
એક વરસ સુધી બાહુબલી અડોલપણે આત્મધ્યાનમાં સ્થિર રહ્યા. એક વરસમાં તો ઋતુઓ પણ બદલાઈ અને બાહુબલીની આસપાસ લતાઓ ઊગી નીકળી. માથા ને દાઢીના પણ વાળ વધી ગયા. તેમાં પક્ષીઓએ માળા બાંધ્યા છતાંય બાહુબલીજી ધ્યાનમાં અખંડિત ને અતૂટ રહ્યા. ભગવાને બાહુબલીના કેવળજ્ઞાનનો અવસ૨ જાણીને તેમને પ્રતિબોધ પમાડવા બ્રાહ્મી અને સુંદરી સાધ્વીઓને મોકલી. આ બન્ને બાહુબલીજીની સંસારી બહેનો હતી.
ઘણી મુશ્કેલીએ સાધ્વીઓએ બાહુબલીને ઓળખી કાઢ્યા અને ઊંચે અવાજે કહ્યું : “વીરા ! મારા ! ગજ થકી નીચે ઊતરો !” ધ્યાનસ્થ બાહુબલીએ આ ચાર શબ્દ સાંભળ્યા. આંખ ખોલીને જોયું તો બે સાધ્વીઓ પોતાને ઉદ્દેશીને બોલી રહી હતી. પછી ઓળખાણ પડી. અરે ! આ તો બ્રાહ્મી અને સુંદરી ! બાહુબલીને જાગ્રત થયેલા જોઈને બન્નેએ કહ્યું : ‘હે બંધુ! પિતાજીએ અમને કહેવડાવ્યું છે કે મદોન્મત્ત હાથી પર ચઢવાથી કેવળજ્ઞાન તમને શી રીતે મળશે ? આથી તેવા હાથી પરથી નીચે ઊતરો. હાથી પર ચઢીને કેવળજ્ઞાન પામવું હતું તો પછી તક્ષશિલાનું રાજ્ય શા માટે છોડ્યું ?”
આ સાંભળી બાહુબલી વિચારમાં પડી ગયા. તેમનું અભિમાન સમ્યક્ વિચારધારાથી ઓગળતું ગયું. તેમને સમજાયું કે હું અભિમાન કરી રહ્યો છું એમાં જ મેં આટલી સાધના વ્યર્થ કરી. કેવળી તો બધા જ પૂજ્ય અને વંદનીય છે. મેં તેમના માટે અયોગ્ય તુલના કરી. હવે મારે તુરત જ તેમની ક્ષમા માગવી જોઈએ અને તેમને વંદના કરવી જોઈએ.
અને બાહુબલી જ્યાં ભગવાનની પર્ષદામાં જવા પગ ઉપાડે છે ત્યાં જ તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. દેવતાઓએ આપેલ મુનિવેષને ધારણ કરીને તે ભગવાનના સમવસરણમાં ગયા અને ત્યાં તીર્થને નમસ્કાર કરીને કેવળીની સભામાં બેઠા.
આ ઘટનાથી ભવ્યજીવોએ અંતરમાંથી માન, મદ, અભિમાન વગેરે નિર્મૂળ કરવા પ્રયત્નશીલ બનવાનું છે. આત્મસાધનામાં અભિમાન બાધક છે. મુક્તિ માટે અહંકાર મુક્ત બનવાનું છે તે આ સત્ય પ્રસંગથી આપણે શીખવાનું છે.
“ખરેખર બાહુબલીને જ મહાબળવાન જાણવા કે જેમણે પ્રથમ છ ખંડના નાથને જીતી લીધા અને પછી વિશ્વમાં કંટકરૂપી માનરૂપી મહામલ્લને હણીને પરમાનંદ પ્રાપ્ત કર્યું.