________________
૧૦૮
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૪ છે ખૂબ જ ચાલાક, મારે તેને મળવું પડશે. આમ વિચારીને તેણે વેશ્યાને કહ્યું કે “એ મિત્રને તું રાતના મારે ત્યાં મોકલજે.”
આપેલ નિશાની પ્રમાણે સાત કિલ્લા ઉલ્લંઘીને મિત્રાનંદ રત્નમંજરીના એકાંત શયનગૃહમાં ગયો. બન્ને એકબીજાને ઘડીભર જોઈ રહ્યાં. સમય ગુમાવવો પાલવે તેમ ન હતો. આથી મિત્રાનંદે પત્ર વાંચી સંભળાવ્યો. અમરદત્ત તેના પ્રેમમાં કેટલો બધો પાગલ છે તે બધી હકીકત કહી. મિત્રાનંદની વાણી, તેની ચતુરાઈ વગેરે જોઈને રત્નમંજરી જીવંત પ્રતિમા જેવી બની ગઈ. એ તકનો લાભ લઈને મિત્રાનંદે રાજપુત્રીના હાથનું કડું કાઢી લીધું અને તેની જાંઘ ઉપર ત્રિશૂળનું નિશાન કરી દીધું. રાજપુત્રી બીજું કંઈ વિચારે તે પહેલાં તો મિત્રાનંદ આંખના પલકારામાં ત્યાંથી નીકળી ગયો અને વેશ્યાને ત્યાં જઈને આરામથી સૂઈ ગયો.
બીજે દિવસે સવારના મિત્રાનંદ રાજસભામાં ગયો. રાજાને ભેટશું ધરીને તેણે પેલા શ્રેષ્ઠીની ફરિયાદ કરી અને બાકીની સોનામહોર અપાવવા માટે દાદ માંગી. રાજાએ તુરત જ તે શ્રેષ્ઠીને બોલાવ્યો. તે આવ્યો. તેણે કહ્યું: “તે સમયે હું ખૂબ જ શોકાકુળ હતો અને પિતાની મરણોત્તર ક્રિયામાં વ્યસ્ત હતો આથી તે સોનામહોર હું આપી શક્યો નથી. તો તમે બને મને ક્ષમા કરો. આમ કહીને તેણે બાકીની બધી સોનામહોર ગણી આપી.
રાજાએ મિત્રાનંદને પૂછ્યું કે “તે રાતે તેં શબનું આખી રાત રક્ષણ કેવી રીતે કર્યું? ત્યાં તને શું અનુભવ થયો?' મિત્રાનંદે વિનયથી કહ્યું : હે રાજન્ ! તે રાતે મને ડરાવવા અનેક ભૂત, પ્રેત, વ્યંતર વગેરે આવ્યાં. મને મારી નાંખવા તેમણે અનેક શસ્ત્રોનો ઉપયોગ કર્યો. પરંતુ ગુરુમંત્રના બળથી મેં તે સૌનો પરાભવ કર્યો.
રાતના છેલ્લા પહોરમાં અપ્સરા જેવી સ્વરૂપવાન એક સ્ત્રી આવી. તેના ચહેરા પર તેજ હતું પરંતુ તે મને કોઈ ડાકણ જેવી લાગી. તેણે વાળ છૂટા રાખ્યા હતા. તે મોંમાંથી અગ્નિની જ્વાળાઓ કાઢતી હતી. તેના હાથમાં એક ત્રિશૂળ હતું. બિહામણા અવાજે તેણે મને કહ્યું: “આજ તો હું તને ખાઈને જ જંપીશ.” તેનું આ વિકરાળ સ્વરૂપ જોઈને મને થયું કે લોકો કહે છે તે ડાકણ આ જ હોવી જોઈએ. આથી મેં તેની સાથે જીવ સટોસટનું યુદ્ધ ખેલ્યું. ઝપાઝપીમાં મેં તેના હાથનું સુવર્ણ કંકણ કાઢી લીધું અને તેને પકડીને તેની જમણી જાંઘમાં ત્રિશૂળનું નિશાન કર્યું. છેવટે તે મારાથી હારીને ભાગી ગઈ.”
એ કડું તું મને બતાવશે ?' રાજાએ પૂછ્યું. મિત્રાનંદે રાજાના હાથમાં કડું મૂક્યું. એ જોઈને રાજા આઘાતથી ચોંકી ઊઠ્યો. શું મારી પુત્રી જ ડાકણ ઠરી? વધુ ખાત્રી કરવા તે રાજમહેલમાં ગયો. ત્યાં જઈ તેણે જોયું તો પોતાની સગી પુત્રી સૂતી હતી અને તેના એક હાથમાં કડું ન હતું. માથાના વાળ બધા છૂટા ને વીખરાયેલા હતા અને જાંઘ પર પાટો બાંધેલો હતો. રાજાએ આવીને મિત્રાનંદને ખાનગી ખંડમાં આવવા કહ્યું. ત્યાં તેણે કહ્યું: “એ મારી પુત્રી છે. હવે તું જ તેનો સ્વીકાર કર.”