________________
૧૦૭
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ પાસેથી રાજપુત્રી રત્નમંજરીની બધી હકીકત જાણી લીધી અને તરત જ એ અવંતી તરફ ગયો. અવંતી પહોંચીને તે ગામ બહાર એક દેવાલયમાં ઊતર્યો. ત્યાં તેણે એક ઘોષણા સાંભળી : “રાતના ચાર પહોર સુધી આ મડદાનું રક્ષણ કરશે તેને હું એક હજાર સોનામહોર આપીશ.”
મિત્રાનંદે એ બીડું ઝડપી લીધું. તેની મક્કમતા જોઈ ઘોષણાકારે તેને પાંચસો સોનામહોર પહેલાં આપી અને બાકીની સવારે આપવાનું કહ્યું.
રાતના ચાર પહોર મિત્રાનંદ માટે ચાર ભવ જેવા વીત્યા. ભૂત-પ્રેત-વ્યંતર વગેરે દુષ્ટ દેવોએ મિત્રાનંદને અનેક ઉપસર્ગોથી હેરાન કર્યો. આખી રાત તેણે અનેકવિધ આફતો અને તોફાનોનો વીરતાથી સામનો કર્યો. સવારના તેને અને શબને હેમખેમ જોઈ લોકો હેરત પામી ગયા. સૌએ તેની વીરતા વધાવી. શબનો અગ્નિદાહ કરવામાં આવ્યો. પરંતુ તે માટે શરતની બાકીની પાંચસો સોનામહોર આપવાનો પેલાએ નનૈયો ભણ્યો. આથી મિત્રાનંદે મનમાં ગાંઠ વાળી કે “બાકીની સોનામહોર અહીંના રાજાની સમક્ષ લઉં તો જ હું મિત્રાનંદ ખરો.'
ત્યારપછી મિત્રાનંદે ગામમાં ફરતા-ફરતા રાજા અને રાજપુત્રી વિષે ઘણી ઘણી માહિતી ભેગી કરી લીધી અને એક રાતના તે રાજાની અતિ માનીતી વેશ્યાને ત્યાં ગયો. રાત ગાળવા માટે તેણે વેશ્યાની માતાને ચારસો સોનામહોર ગણી આપી. માતા અને વેશ્યા બને તેની આ ઉદારતા જોઈને ખુશ થયા અને મિત્રાનંદ પર ખૂબ જ પ્રેમભાવ બતાવવા લાગ્યા.
વેશ્યા સોળ શણગાર સજીને મિત્રાનંદ પાસે આવી. પરંતુ મિત્રાનંદને વેશ્યા સાથે વિલાસ કરવામાં રસ નહોતો. તે તો વેશ્યા પાસેથી પોતાનું કામ કરાવવા માંગતો હતો. આથી વેશ્યાના લટકા તરફ જરાય લક્ષ્ય ન આપતાં તેણે કહ્યું : “તું મને એક પાટલો લાવી આપ. ધૂપ, દીવો, પુષ્પ વગેરે પૂજાની બધી સામગ્રી આપ. મારે મારા ઇષ્ટદેવનું અહીં ધ્યાન ધરવું છે.”
રંગભવનમાં દેવની સાધના? વેશ્યા અને તેની માતા બન્ને આ સાંભળીને આભાં બની ગયાં. છતાંય તેણે બધી પૂજાની સામગ્રી લાવી આપી. એ રાતે મિત્રાનંદે વેશ્યા તરફ નજર સુધ્ધાં કર્યા વિના અખંડ ભગવત સ્મરણ કર્યું. સતત ત્રણ રાત તે આમ વેશ્યાને ત્યાં રહ્યો. વેશ્યાને આથી તેના પ્રત્યે માન થયું અને વિશ્વાસ પણ બેઠો. આ તકનો લાભ લઈને મિત્રાનંદે વેશ્યાને પૂછ્યું : “તારે અને રાજપુત્રી રત્નમંજરી સાથે કેવા સંબંધ છે? વેશ્યાએ કહ્યું : “એ મારી ખાસ બેનપણી છે અને અમે બન્ને રોજ મળીએ છીએ.”
મિત્રાનંદઃ “તો મારું આટલું કામ કરી આપ. તારી બેનપણીને કહે કે જેના પર તું વારી ગઈ છું તે અમરદત્ત રાજપુત્રનો પ્રિય મિત્ર તારા પત્રનો જવાબ લઈને આવ્યો છે અને તે તેને ખાનગીમાં આપવા માંગે છે.”
રત્નમંજરી તો વેશ્યા પાસેથી સમાચાર સાંભળીને વિચારમાં જ પડી ગઈ. કોણ પ્રિય? કયો પત્ર? અને કોણ મિત્ર? જરૂર આ કોઈ લો-લબાડ લાગે છે. એ જે હોય તે પણ આ માણસ