________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
૧૦૯
મિત્રાનંદને તો એ જ જોઈતું હતું. પરંતુ પોતાનો ઇરાદો છતો ન થઈ જાય તેથી તેણે તે વાત માનવાનો તો ધરાર ઇન્કાર જ કર્યો. છેવટે કહ્યું : ‘તો હે રાજન્ ! મારે તેને પ્રથમ જોવી પડશે. મારાથી તે સાધ્ય થશે કે કેમ તે નક્કી કરીને પછી જ હું તમને જવાબ આપું.' રાજા કબૂલ થયો.
રાજ આજ્ઞાથી મિત્રાનંદ રાજપુત્રીને મળ્યો. રત્નમંજરીએ તેને ઓળખી લીધો. તેને પ્રેમથી બેસાડ્યો અને તેનો યોગ્ય સત્કાર કર્યો. મિત્રાનંદે નિખાલસતાથી કહ્યું : ‘મેં તને ખોટું કલંક આપ્યું છે. માટે તું મને પ્રથમ ક્ષમા કર. પરંતુ તને અમરદત્ત પાસે લઈ જવાનો આ જ એક ઉત્તમ ઉપાય છે. હવે હું તને રાજા પાસે લઈ જઈને તારા પર દાણા નાખું ત્યારે તારે મોમાંથી ફુત્કાર કાઢવાં અને જોરથી માથું ધુણાવવું. તું આટલું કરીશ તો આપણું કામ સિદ્ધ થઈ જશે.” રાજપુત્રીએ ઉમળકાથી કહ્યું : ‘તમે કહેશો તે પ્રમાણે કરીશ કહેશો, તો મારા પ્રાણ પણ આપી દઈશ.'
આમ બધું પાકું ગોઠવીને મિત્રાનંદ રાજાને મળ્યો. તેણે કહ્યું : ‘હે રાજન્ ! તમારું કહેવું બરાબર છે. તમારી પુત્રી જ રાતના મને ખાઈ જવા આવી હતી, પણ તમે ચિંતા ન કરશો. હું તેને મારા વશ કરી લઈશ. આ માટે તમે એક સાંઢણી તૈયાર કરાવો. આજે રાતના મંત્રના પ્રભાવથી હું તેને સાંઢણી પર બેસાડીને, તેને દેશ બહાર લઈ જઈશ અને સવારના તેને ગમે ત્યાં છોડી દઈશ.'
રાજા સંમત થયો. સાંજે મિત્રાનંદ રાજપુત્રીને વાળ પકડીને લઈ આવ્યો. તેના પર સરસવના દાણા નાખ્યા. રત્નમંજરીએ શીખવ્યા પ્રમાણે ફુત્કાર કર્યો અને જો૨થી માથું ધુણાવે રાખ્યું. મિત્રાનંદે તુરત જ તેને બે હાથે ઊંચકીને સાંઢણી પર બેસાડી દીધી અને પોતે પણ બેસી ગયો અને રાજાની પ્રેમભરી વિદાય લઈને સાંઢણીને મારી મૂકી. બે મહિના પૂરા થવાનો આજે છેલ્લો દિવસ હતો. હતાશ થઈને અમરદત્ત ચિતામાં બળી મરવાની તૈયારી કરતો હતો ત્યાં જ મિત્રાનંદ રત્નમંજરીને લઈને આવી પહોંચ્યો. રાજપુત્રીને જોતાં જ અમરદત્તના જીવમાં જીવ આવી ગયો. પૂર્વભવના રાગથી બન્ને એકબીજાને ભેટી પડ્યાં અને ત્યાં જ બન્નેએ લગ્ન કર્યાં.
હવે તે જ સમયે તે નગરનો રાજા અપુત્રીઓ મરણ પામ્યો. બીજા રાજાની પસંદગી માટે પ્રધાનોએ પંચ દિવ્ય કર્યા. એ હાથણીએ નગર બહાર આવીને અમરદત્ત પર કળશ ઢોળ્યો. આથી મોટા ઉત્સવપૂર્વક તેને રાજગાદીએ બેસાડ્યો. અમરદત્તે મિત્રાનંદને મુખ્ય પ્રધાન બનાવ્યો અને રત્નસાર શ્રેષ્ઠીને નગરશેઠ બનાવ્યા.
મિત્રાનંદ રાજ્ય કારભારમાં વ્યસ્ત હતો. છતાંય તે પેલો શબના શબ્દો ભૂલ્યો ન હતો. આથી એ શબ્દો યાદ આવતાં તે વ્યગ્ર બની જતો. એક દિવસ તે અમરદત્તની રજા લઈને કેટલાક નોકરો સાથે પોતાના મૂળ વતન તરફ જવા નીકળ્યો. વિદાય સમયે અમરદત્તે કહ્યું ઃ ‘મિત્ર ! તારા સમાચાર તું મને અવારનવાર મોકલતો રહેજે !