________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ વેશ્યા-તાપસીનો આવો ઉપદેશ સાંભળીને પૂર્વભવના રાગથી પેલા ચાંડાલો તેના ભક્તો થશે અને બીજા ધર્મોની ખાસ કરીને જૈન ધર્મની નિંદા-અવહેલના કરશે અને છેવટે તે બધા તાપસી પાસે દીક્ષા લઈને તાપસ બનશે.
૧૦૪
પાંચ વરસ બાદ મરણ પામીને તેઓ સૌ ચોત્રીસમા ભવે તે જ અવંતીનગરીમાં ભાંડના કુળમાં ઉત્પન્ન થશે. ત્યાં અનેક પ્રકારની ભાંડની ચેષ્ટા કરીને પોતાની આજીવિકા ચલાવશે. એક સમયે કુશસ્થ નગરના રાજાની પાસે તેઓ ભાંડચેષ્ટા કરીને લોકોનું મનોરંજન કરતા હશે, ત્યારે ત્યાંથી અક્રમ તપના તપસ્વી કોઈ બે જૈન મુનિ ગોચરી માટે નીકળશે. તેમને જોઈને પુરોહિતના કહેવાથી એ ભાંડો એ જૈન સાધુઓની અવહેલના કરશે. તો પણ એ સાધુઓ તો મૌન જ રહેશે.
‘હે અગ્નિદત્ત મુનિ ! તે ભાંડો સૂતા હશે તે સમયે તેમના પર વીજળી પડશે. તેથી તે બધા મૃત્યુ પામશે. ત્યાંથી પાંત્રીસમા ભવે મધ્ય દેશમાં જુદા જુદા બ્રાહ્મણ કુળમાં ઉત્પન્ન થશે. ત્યાં તેઓ સૌ ચૌદ વિદ્યામાં પારંગત થશે. એક સમયે તેઓ યજ્ઞદત્ત બ્રાહ્મણના નિયંત્રણથી ધારાપુર નગરમાં યજ્ઞ માટે જશે. ત્યાં યજ્ઞમંડપનાં દ્વાર બંધ કરીને અગ્નિકુંડમાં હોમ કરશે. તે સમયે યજ્ઞની જ્વાળાઓમાં તેઓ બળી જશે અને આર્તધ્યાનમાં મૃત્યુ પામશે.
ત્યાંથી તેઓ સીપ્રાનદીમાં મત્સ્યપણે ઉત્પન્ન થશે. ઉપરા ઉપરી સાત સાતવાર જળચર યોનિમાં ઉત્પન્ન થશે. ત્યાર પછી નવ વખત પક્ષીઓમાં ઉત્પન્ન થશે અને પછી અગિયાર વાર પશુઓમાં ઉત્પન્ન થશે. આમ બધા મળીને તેમના બાસઠ ભવ થશે. છેલ્લા બાસઠમા ભવમાં તેઓ મૃગપણું પામશે. ત્યાં દાવાનળના અગ્નિથી બળીને ત્રેસઠમા ભવે તે બાવીશે મિત્રો મધ્યપ્રદેશમાં શ્રાવક કુળમાં જુદા જુદા ઉત્પન્ન થશે. ત્યાં યુવાન વયે તેઓ ઉદ્ધૃત અને ઉચ્છંખલ તેમજ દેવ, ગુરુ અને ધર્મના નિંદક થશે. તેઓ લોકોને કહેતા ફરશે કે – “પથ્થર તથા ધાતુ વગેરેની બનાવેલી પ્રતિમાનું પૂજન કરવામાં હિંસા થાય છે તેથી તે પૂજન વ્યર્થ છે” આમ તેઓ બધા જિનમંદિર, જિનધર્મ અને જિનાગમના ઉત્થાપકો થશે.
જ્યારે વેશ્યા તાપસી છવ્વીસ વરસની તાપસી દીક્ષા પાળી કુલ એકસો ચાર વરસનું આયુષ્ય ભોગવીને સાત દિવસનું અનશન કરીને મૃત્યુ પામશે. ત્યાંથી તે વાણવ્યંતર યોનિમાં સુવચ્છ નામના દક્ષિણેન્દ્ર દેશે ઊણા અર્ધ પલ્યોપમના આયુષ્યવાળી સુવચ્છા નામે દેવી થશે. ત્યાં વિભંગ જ્ઞાનથી પૂર્વના સંબંધી પેલા બાવીશ મિત્રોને જોઈને હર્ષ પામશે અને તેમને દરેક કાર્યમાં મદદ કરશે. દેવીના પ્રભાવથી તે બાવીસે મિત્રો સમૃદ્ધવાન બનશે અને લોકોને કહેશે કે : ‘હે મનુષ્યો ! તમે જુઓ કે અમારા ધર્મનું પ્રત્યક્ષ ફળ આજ અમે કેવું ભોગવીએ છીએ ? તમે પણ અમારો ધર્મ સ્વીકારો અને સુખી થાવ. તમે શા માટે પથરા પૂજીને છકાય જીવની હિંસા કરો છો ? એવા ધર્મથી તમને શું ફળ મળશે ? ધર્મનું પ્રત્યક્ષ ફળ જોઈતું હોય તો અમારો ધર્મ અંગીકાર કરો.