________________
–
- ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ સમય જતાં દાસી સગર્ભા બની. તેને મોરનું માંસ ખાવાનો દોહદ થયો. પ્રભાકરને તેણે વાત કરી. પ્રભાકર જાણતો હતો કે જેના આશરે પોતે છે એ સિંહ પાસે એક મોર છે. આ સમયે તેણે પિતાની વાતની કસોટી કરી. સિંહના મોરને તેણે ક્યાંક સંતાડી દીધો અને બીજા મોરને મારીને તેના માંસથી પત્નીના દોહદને પૂર્ણ કર્યો.
સિંહે મોર ન જોયો એટલે તેના હૈયે ફાળ પડી. એ મોર તેને ખૂબ જ વહાલો હતો. ચારે બાજુ તપાસ કરતાં મોર ન મળ્યો એટલે સિંહે ઘોષણા કરાવી કે જે મારા મોરની ખબર આપશે તેને હું ૮૦૦ સોનામહોર આપીશ.”
ઘોષણા સાંભળીને દાસીનું મન સોનામહોર મેળવવા લલચાઈ ગયું. તેણે સિંહને જઈને કહ્યું: “હે સ્વામિન્ મારો અપરાધ ક્ષમા કરો. મારો દોહદ પૂરો કરવા મારા ભતરે તમારા મોરને મારી નાંખ્યો છે. આ જાણતાં જ સિંહે પ્રભાકરને પકડી લાવવા માણસ દોડાવ્યા.
પ્રભાકરને તેની ખબર પડતાં એ પોતાના મિત્ર લોભનંદીને ત્યાં ગયો અને પોતાને રક્ષણ આપવા વિનંતી કરી. રક્ષણ કરવાના બદલે લોભનંદીએ પ્રભાકરને સ્વામીદ્રોહી કહીને તેને ઘરની બહાર કાઢી મૂક્યો. ત્યાં જ સિંહના માણસોએ તેને પકડી લીધો અને તેને સિંહ પાસે લઈ આવ્યા. તેને જોતાં જ સિંહ રાડ પાડીને બોલ્યો : “દુષ્ટ ! મારો મોર લઈ આવીને આપ, નહિ તો હું તને જીવતો નહિ છોડું.” પ્રભાકરે બનાવટી રીતે રડી કરગરીને પોતાનો ગુનો માફ કરવા કહ્યું. સિંહ જરાય માન્યો નહિ અને તેણે નોકરોને હુકમ કર્યો : “જાવ પ્રભાકરને કસાઈને ત્યાં વધ કરવા લઈ જાવ.”
આ ઘટનાથી પ્રભાકરને પિતાની વાતની સચ્ચાઈ સમજાઈ કે ખરાબ અને અધમની સોબત કરવાથી છેવટે દુઃખી થવાનો સમય આવે છે. આથી તેણે સાચી વાત કહી અને મોરને પાછો આપી દીધો. હવે તેણે બીજી વાતની સચ્ચાઈ કરવા આ બધા ખરાબ અને અધમનો સંગ છોડી દીધો અને બીજે ગામ ચાલ્યો ગયો. રસ્તે ચાલતાં પ્રભાકર વિચારવા લાગ્યો કે -
नृणां मृत्युरपि श्रेयान् पण्डितेन सह ध्रुवम् ।
न राज्यमपि मूर्खण, लोकद्वयविनाशिना ॥ “માણસે પંડિત સાથે રહીને મરવું તે શ્રેષ્ઠ છે પણ મૂર્મની સાથે રહીને રાજ્ય કરવું તે શ્રેષ્ઠ નથી. કારણ મૂર્ખ લોકોની સોબત આ લોક અને પરલોક બન્નેમાં વિનાશકારી છે.”
થોડા દિવસ બાદ પ્રભાકર સુંદરપુર નગર આવી પહોંચ્યો. અહીં તેણે નગરના રાજપુત્ર ગુણસુંદર સાથે મૈત્રી બાંધી. પ્રભાકર હવે રાજકુમાર ગુણસુંદર સાથે જ રહેવા લાગ્યો. અહીં તેણે એક સુશીલ અને સંસ્કારી બ્રાહ્મણ કન્યા સાથે લગ્ન કર્યા. તેમજ વસંત નામના ગૃહસ્થ સાથે મીઠો મૈત્રીભર્યો સંબંધ વિકસાવ્યો.