________________
૫૮
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ પ્રેમથી ભેટ્યા. એકબીજાની ક્ષમા માગી અને બન્ને ભાઈઓએ દસ કરોડ પુરુષો સાથે તાપસી દીક્ષા લીધી અને વનમાં તપસ્યા સાથે ધર્મધ્યાનમાં લીન રહેવા લાગ્યા.
એક દિવસે નમિ વિનમિ નામના વિદ્યાધર રાજર્ષિના બે પ્રશિષ્યો આકાશમાર્ગે એ વનમાં આવી પહોંચ્યા. તાપસોએ તેમને વંદના કરીને પૂછ્યું. “આપ હવે અહીંથી કઈ તરફ જવાના છો ?' મુનિઓએ કહ્યું : “અમે અહીંથી શ્રી સિદ્ધાચલ ગિરિરાજની યાત્રાએ જઈએ છીએ.' તાપસોએ ગિરિરાજનો મહિમા પૂછડ્યો. મુનિઓએ કહ્યું –
શ્રી સિદ્ધાચલ ઉપર તીર્થના પ્રભાવથી શુદ્ધ ચારિત્રથી શોભતા અનંતા જીવો મુક્તિએ ગયા છે અને હજી પણ ઘણા જીવો મોક્ષે જશે.'
આ તીર્થનો મહિમા અચિંત્ય છે, અપાર છે. લાખ વરસ સુધી તેનું મહિમા ગાન કરીએ તો પણ પાર આવે તેમ નથી. આ તીર્થમાં નમિ વિનમિ નામના મુનીન્દ્ર બે કરોડ મુનિઓ સાથે શ્રી પુંડરિક ગણધરની જેમ ફાગણ સુદ દસમે મોક્ષે ગયા છે. ભગવાન શ્રી ઋષભદેવના ગણધરો અને કેવળી ભગવંતો પાસેથી અમે સાંભળ્યું છે કે -
આગામી કાળમાં આ તીર્થમાં ઘણા ઉત્તમ પુરષો સિદ્ધિપદને પામશે. શ્રી રામચંદ્ર રાજર્ષિ ત્રણ કરોડ મુનિ સહિત સિદ્ધિપદને પામશે. એકાણું લાખ મુનિઓ સહિત નારદજી મુક્તિને પામશે. સાડા આઠ કરોડ મુનિઓ સહિત શાંબ અને પ્રદ્યુમ્ન સિદ્ધિને પામશે. વિશ કરોડ મુનિઓ સહિત પાંડવો સિદ્ધિપદને પામશે. થાવગ્ગાપુત્ર તથા શુક્રાચાર્ય હજાર હજાર સાધુઓ સાથે મુક્તિ પામશે. પાંચસો સાધુઓ સહિત સેલક રાજર્ષિ સિદ્ધિને પામશે અને શ્રી ઋષભદેવસ્વામીના શાસનમાં પણ અસંખ્ય કોટી લક્ષ સાધુઓ આ ગિરિરાજ ઉપર મુક્તિ પામશે.”
શ્રી સિદ્ધાચલગિરિનો આવો અપરંપાર મહિમા સાંભળીને બધા જ તાપસો તેની યાત્રા કરવા તૈયાર થયા. મુનિઓએ તે સૌને ભાગવતી દીક્ષા આપી. પછી સૌ શ્રી સિદ્ધાચલગિરિ ઉપર આવ્યા. ત્યાં ભગવાન શ્રી ઋષભદેવસ્વામીની પ્રતિમાજીનાં દર્શન કર્યા. ત્યાર પછી માસક્ષમણના પારણે વિદ્યાધર મુનિએ તાપસ મુનિઓને કહ્યું: “હે મુનિઓ ! તમારાં અનંતકાળનાં સંચિત પાપકર્મો આ તીર્થની સેવા કરવાથી જ ક્ષય પામશે માટે તમારે સૌએ અત્રે જ સ્થિરતા કરીને તપસંયમમાં અપ્રમત્ત રહેવું.”
ગુરુ આજ્ઞા શિરોમાન્ય કરીને દ્રાવિડ અને વાલિખિલ્લ આદિ દસ કરોડ સાધુઓ સિદ્ધાચલ ઉપર રહીને ધ્યાનમાં રત રહ્યા. અનુક્રમે એક માસના ઉપવાસ કરીને તે સર્વ કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયા.
આ તીર્થનો પ્રભાવ અને મહિમા હજી આજે પણ એવો જ પાવન છે. ભવ્ય જીવોએ આ તીર્થની યાત્રા દર વરસે કરવી જોઈએ. ત્યાં જઈને તપ સહિત યાત્રા કરવી. એવી યાત્રા કરવાથી યાત્રિકના પાપકર્મનો ક્ષય થાય છે. ચિત્ત નિર્મળ અને શુદ્ધ બને છે.
-
-
O