________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ વૃક્ષ બોલ્યું : ‘હે સૂરિજી ! અમે તો દરેકને છાંયડો આપીએ છીએ. ફળ-ફૂલ પણ આપીએ છીએ અને પક્ષીઓને ઘર કરવા માટે નિરંતર આધાર આપીએ છીએ. વૃક્ષો સ્વયં તાપમાં તપે છે અને બીજાઓને છાંયો આપે છે. તે હંમેશાં પરોપકારને માટે જ ફળે છે, પોતાના માટે તે ફળતાં નથી.
૮૨
“હે ભગવંત્ ! અમારા માટે તો એક કવિએ ત્યાં સુધી કહ્યું છે કે, ‘હે વૃક્ષ ! તું જૈન સાધુની જેમ ક્ષમાનો અદ્વિતીય આશ્રય છે. માટે તું ગ્રીષ્મ ઋતુના સૂર્યનાં અત્યંત તીક્ષ્ણ કિરણો સહન કર, વર્ષાઋતુના જળથી ઉત્પન્ન થતા ક્લેશને સહન કર, મનુષ્યાદિકના ભેદન, છેદન વગેરે વિવિધ પ્રકારની કદર્થના સહન કર. તેમજ સર્વનું ભક્ષણ કરનારા દાવાનળની પ્રકાશિત જ્વાળા સમૂહને આલિંગન કરવાનું દુ:ખ સહન કર. આમ અમે ઘણું બધું સહન કરીએ છીએ. ત્યારે નગુણો માણસ શું સહન કરે છે ? માટે આપે તેની સરખામણી અમારી સાથે ન કરવી જોઈએ.
ધૂળ બોલી : ‘હે વંઘ ! હું બાળકોને ક્રીડા કરાવું છું. કાદવનો નાશ કરું છું, મારાથી જ હોળીનું પર્વ થયું છે અને મને ખેતરમાં નાંખવાથી સારો પાક થાય છે.’
હું ધૂળ સર્વ મૂળ પદાર્થોને ઉત્પન્ન કરનારી છું. થાંભલા વગેરેને આધાર આપનારી છું. લખેલા લેખોને સૂકવનારી છું. હાથીની હું પ્રિય સંગિની છું. દુર્ગંધને હું જ દૂર કરું છું. ત્રણે કાળમાં હું સ્થિર રહેનારી છું. મારા સમાન બીજું કોઈ નથી. આમ મારામાં અનેક ગુણ છે ત્યારે તમે મારી સરખામણી નગુણા માણસ સાથે કરો તે ઠીક નથી.”
રાખ બોલી : “હે ક્ષમાશ્રમણ ! મને ધાન્ય-અનાજના ઢગલામાં નાંખી હોય તો હું એ અનાજનું રક્ષણ કરું છું. હું મુખને શુદ્ધ કરું છું અને સુગંધી છું માટે માણસો મને માન આપે છે. આમ મારામાં તો ગુણો છે. તો પછી નગુણા માણસ સાથે મારી સરખામણી શા માટે કરો છો ?”
શ્રી કાલિકાચાર્યે આવાં સરળ દૃષ્ટાંતો આપી શાલિવાહન રાજા અને અન્ય પ્રજાજનોને મનુષ્યભવનું મહત્ત્વ સમજાવ્યું. તેમણે ભારપૂર્વક કહ્યું કે મનુષ્યજન્મ ત્યારે જ સાર્થક બને કે દાન, શીલ, તપ, ભાવ આદિ ધર્મની આરાધના કરવામાં આવે, જીવનમાં ધર્મ ન કર્યો તો સમજવું કે મનુષ્ય જન્મ સાવ એળે ગયો.
આપણે સૌએ પણ આ દૃષ્ટાંત વાંચીને દાનાદિક ધર્મ કરવામાં ઉત્સાહી અને ઉદ્યમી બનીને મનુષ્યજન્મને સફળ કરવો જોઈએ.