________________
८०
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ દાન, શીલ, ગુણ અને ધર્મ નથી તેવા માણસો મૃત્યુલોકની ધરતી પર ભારરૂપ થઈને માણસનું રૂપ ધારણ કરનારાં પશુઓ છે.”
આ સાંભળીને એક ગાય બોલી ઊઠી : ‘હે સૂરિવર ! નગુણા માણસને મારી ઉપમા આપવી તે યોગ્ય નથી. કારણ હું ઘાસ ખાઉં છું તેના બદલામાં ઘણું બધું દૂધ આપું છું. મારું છાણ ઘરનું ભૂષણ છે. મારું સૂત્ર રોગનો નાશ કરે છે અને મારા પૂંછડામાં કરોડો દેવતાઓનું સ્થાન છે.’
બળદે કહ્યું : ‘હે સૂરિજી ! તમે કહ્યા તેવા નિર્ગુણ માણસમાં મારા જેટલો ભાર ઉપાડવાની શક્તિ નથી. વહન કરનારનો કંઈ ગુણ નથી તો પણ મહાદેવના પોઠિયાની જેમ માણસ બેઠો બેઠો ભોજન કરે છે, જ્યારે હું તો મોટા ગાડાની ધૂંસરી ધારણ કરું છું. ઘાસ ખાઈને જીવું છું. ઊબડખાબડ ખેતરમાં હળ ખેંચું છું. આમ જગત ઉપર હું અનેક ઉપકાર કરું છું. વળી મારી માતા ગાય છે. જે પવિત્ર છે. તે તમે નરપશુ સાથે મારી ઉપમા કેમ આપો છો ?’
કૂતરો બોલ્યો : ‘હે પૂજ્યવર ! હું માલિકને વફાદાર છું. સારી ચેતનાવાળો, ઓછી ઊંઘવાળો, નિરંતર ઉદ્યમી અને થોડામાં સંતોષી છું. તેથી નિર્ગુણી માણસ જેવો હું કેવી રીતે હોઈ શકું ? આ માટે તમને એક દૃષ્ટાંત કહું તે તમે સાંભળો : ગોવિંદચંદ્ર નામે એક રાજા હતો. તેને આનંદ નામે એક મંત્રી હતો. આ મંત્રી પાપિષ્ટ અને દુરાચારી હતો. આથી રાજાએ તેને મારી નાખીને ઉકરડામાં દાટી દીધો. એક દિવસ બે કૂતરાએ એ ઉકરડો ખોદ્યો. તો તેમાંથી પેલા મંત્રીની કોહવાયેલી લાશ નીકળી. તેને જોઈને નાનો કૂતરો ખાવા ગયો. ત્યારે મોટા કૂતરાએ તેને કહ્યું : ‘તું એને અડીશ પણ નહિ.’ નાનાએ પૂછ્યું : ‘કેમ ?' મોટા કૂતરાએ કહ્યું :
:
‘કારણ કે તેના હાથે કદી દાન કર્યું નથી, તેના કાને ક્યારેય સત્ય વચન સાંભળ્યું નથી, તેની આંખોએ કદી સાધુ પુરુષનાં દર્શન કર્યાં નથી, તેના પગ તીર્થયાત્રાએ ગયા નથી, તેનું પેટ લાંચથી લૂંટેલા પૈસાથી ભરપેટ છે અને તેનું મસ્તક અભિમાનથી અક્કડ છે. માટે હે ભાઈ ! સર્વથા અને સર્વ નિંદવાલાયક માણસના એ શરીરને તું ભૂલથી પણ સ્પર્શ કરીશ નહિ.'
“તો કે સૂરિજી ! જે કૂતરો માણસની પરીક્ષા કરવામાં ચતુર છે તે નગુણા માણસની બરાબર કેવી રીતે હોઈ શકે ?”
ગધેડો બોલ્યો : “હે વંદનીય ! હું શિયાળો, ઉનાળો, ચોમાસું કશું જ જાણતો નથી. બારે માસ જાત જાતનો ભાર હું ઉપાડું છું. તુચ્છ પદાર્થો ખાઈને સંતોષ અનુભવું છું અને સ્વભાવે હું બિલકુલ ભોળો ભદ્રિક છું. આથી આપ નગુણા માણસને મારી સાથે સરખાવો તે જરાય વાજબી નથી.”
કાગડો બોલ્યો : ‘હે પ્રણમ્ય ! દૂર દેશાવર ગયેલા પતિને ઘરે પાછો ફરતો જાણીને તેના આગમનની જાણ હું કરું છું. કોઈનો પણ હું વિશ્વાસ કરતો નથી અને વર્ષાકાળમાં માળો બાંધીને રહું છું.