________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ પુત્ર રાજસેવા કરવા માટે રાજાને મળવા ગયો. રસ્તામાં તે માની શિખામણ ગોખતો હતો. ચાલતાં-ચાલતાં તે એક જંગલમાં આવ્યો. ત્યાં તેણે હરણોને જોયાં. સાથે સાથે ઝાડ પાછળ સંતાયેલા પારધીઓને પણ જોયા. આ પારધીઓ ધનુષ્ય પર તીર ચડાવીને બેઠા હતા. પુત્રે તેઓને જોઈને મોટેથી “રામ રામ' કહીને પ્રણામ કર્યા. અવાજ સાંભળીને હરણો નાસી ગયાં. હાથમાં આવેલાં હરણો ભાગી ગયાં. આથી પારધીઓએ પુત્રને પકડી લીધો. બાંધ્યો અને માર્યો. ત્યારે પુત્રે કહ્યું: “મારી માએ મને શીખવ્યું છે કે જે મળે તેને રામ-રામ કહીને પ્રણામ કરવા. આથી મેં તમને પ્રણામ કર્યા. પુત્રનું ભોળપણ જોઈને પારધીઓએ તેને છોડી દીધો અને શિખામણ આપી કે “આમ કોઈ સંતાઈને બેઠું હોય ત્યારે અવાજ કર્યા વિના, દબાતા પગલે, ધીમે ધીમે ત્યાંથી પસાર થવું.” પુત્રે આ શિખામણ પણ યાદ રાખી.
આગળ ચાલતાં તેણે એક સ્થળે કપડા ધોતા ધોબીઓને જોયા. ધોબીઓનાં કપડાં કોઈ ચોરી જતું હતું આથી ચોરને પકડવા કેટલાક ધોબીઓ સંતાઈને બેઠા હતા.
તેમને જોઈને પુત્ર અવાજ કર્યા વિના ધીમે-ધીમે દબાતા પગલે ચાલ્યો. તેને આ પ્રમાણે ચાલતો જોઈને ધોબીઓએ તેને જ કપડાંચોર સમજીને પકડી લીધો. પરંતુ તેનું અબુધપણું જાણીને છોડી મૂક્યો અને શિખામણ આપી: “આવી રીતે કોઈને બેઠેલો જોઈએ ત્યારે કહેવું કે અહીં ખાર પડો, ચોખ્ખું થાવ.” તેણે આ શિખામણ બરાબર ગોખી લીધી.
પુત્ર ત્યાંથી એક ગામમાં આવ્યો. તે દિવસે પ્રથમ હળ ખેડવાનું મુહૂર્ત હતું. મંગળ ક્રિયા માટે બધા બેઠા હતા, તેમને જોઈને પુત્ર બોલી ઊઠ્યો: “અહીં ખાર પડો, ચોખ્ખું થાવ.” તેને આમ બોલતો સાંભળીને ખેડૂતોએ તેને પકડ્યો. પરંતુ તેને ભોળો જાણી છોડી મૂક્યો અને શિખામણ આપી કે : “આવી રીતે જોઈને એમ કહેવું અહીં ગાડા ભરાઓ, ઘણું થાઓ.”
પુત્ર ત્યાંથી ચાલતો બીજા ગામમાં આવ્યો. ત્યાં તેણે એક મડદાને ગામ બહાર લઈ જતા જોયા. તે જોઈ પુત્ર બોલ્યો: “ગાડા ભરાઓ, ઘણું થાઓ.' આથી અહીં પણ તેને માર પડ્યો, પરંતુ તેને ભોળો જાણીને છોડી મૂક્યો ને શિખામણ આપી કે “આવું જુએ ત્યારે કહેવું કે ક્યારેય પણ તમારે આવું ન થાઓ.’
આ શિખામણનો અમલ તેણે એક લગ્ન પ્રસંગમાં કર્યો. આથી ત્યાં પણ તેને માર પડ્યો. આમ જડ બુદ્ધિવાળાને ધર્મનો ઉપદેશ ઉપયોગી નથી બનતો. આવા મૂઢ અને અબુધ માણસો ઉપદેશ માટે અયોગ્ય છે.
૪. ધૂર્ત ઉપદેશ યોગ્ય નથી वस्त्ववस्तुपरीक्षायां, धूर्तव्युद्ग्राहणावशात् । अक्षमो कुग्रहाविष्टो, हास्यः स्याद् गोपवन्नरः ॥