________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
૯
રોજની જેમ સહસ્રમલે મોડી રાતે ઘરનાં બારણાં ખટખટાવ્યાં. બારણાં પાછળથી માએ કહ્યું: “આ કંઈ ઘરે આવવાનો સમય છે? જા, જ્યાં બારણાં ખુલ્લાં હોય ત્યાં જા, હું અત્યારે બારણું નહિ ખોલું.”
સહસ્રમલને આથી ગુસ્સો ચડ્યો. ત્યાંથી તે ચાલી નીકળ્યો. ઘણું રખડ્યો પણ કોઈનાં બારણાં ખુલ્લાં ન જોયાં ત્યાં તે એક ઉપાશ્રય પાસે આવ્યો. ત્યાંનાં બારણાં ખુલ્લાં જોયાં ત્યાં ગયો. સાધુને પગે લાગ્યો અને દીક્ષા આપવા કહ્યું. તેણે પત્ની અને માની સંમતિ ન મેળવી હોવાથી સાધુએ તેને દીક્ષા ન આપી આથી તેણે જાતે જ કેશનો લોચ કર્યો. આ જોઈને કૃષ્ણસૂરિજીએ તેને મુનિવેષ આપ્યો. સહગ્નમલ હવે મુનિ બન્યો અને તેમની સાથે જ વિહાર કરવા લાગ્યો.
થોડાં વરસો બાદ સૌ રથવીર નગરમાં પધાર્યા. ત્યારે રાજાએ સહગ્નમલમુનિને રત્નકંબળ વહોરાવી. આચાર્યશ્રીએ તેને કહ્યું: “આપણે સાધુને આવાં બહુ મૂલ્યવાન ઉપકરણ રાખવાં ન કલ્પે.” પરંતુ મુનિએ તે માન્યું નહિ. તેણે છાની રીતે રત્નકંબળ સાચવી રાખી. શિષ્યની આ મૂર્છા જાણીને સૂરિજીએ એક દિવસ તેની ગેરહાજરીમાં એ રત્નકંબલ ફાડી નાંખીને તેના ટુકડા સાધુઓને હાથ પગ લૂછવા માટે આપી દીધા. સહસ્રમલને આથી ગુસ્સો ચડ્યો પણ તે મૌન રહ્યો.
એક દિવસ આચાર્યશ્રીએ શિષ્યોને જિનકલ્પની સમજ આપી: “જિનકલ્પિક બે પ્રકારના હોય છે. એક પાણિપાત્ર અને બીજા પાત્રભોજી. પાણિપાત્ર એટલે હાથમાં લઈને ભોજન કરનારા, પાત્રભોજી એટલે પાત્રમાં ભોજન કરનારા. આ બન્નેના પણ બબ્બે ભેદ છે. એક સ્વલ્પ સચેલક એટલે કે અલ્પ વસ્ત્ર રાખનારા અને બીજા અચેલક એટલે કે બિલકુલ વસ્ત્ર નહિ રાખનારા.”
સહસ્રમલ મુનિ : “જિનકલ્પિક અચેલક હોય છે તો પછી અત્યારે શા માટે બહુ ઉપધિ રાખવામાં આવે છે? શા માટે આપણે જિનકલ્પ અંગીકાર કરતા નથી ?”
આચાર્યશ્રી : “આ ભરતક્ષેત્રમાં શ્રી વીરના ધર્મપૌત્ર એટલે તેમની ત્રીજી પાટે થયેલા શ્રી જબૂસ્વામીના નિર્વાણ સાથે જિનકલ્પ વગેરે દસ વસ્તુઓનો વિચ્છેદ થયો છે. બીજું શારીરિક વગેરેના કારણે વર્તમાનમાં અચેલક રહેવું શક્ય નથી.”
સહસ્રમલ મુનિ: “અલ્પ સત્ત્વવાળા માટે જિનકલ્પનો વિચ્છેદ થયો હશે. મારા માટે થયો નથી. કારણ મારા જેવા મહાસત્ત્વ તો વર્તમાનકાળમાં પણ જિનકલ્પ અંગીકાર કરવા સમર્થ છે. મોક્ષના અભિલાષીએ તો સમગ્ર પરિગ્રહનો ત્યાગ કરવો જોઈએ. તો પછી કષાય, ભય, મૂચ્છદિક દોષના ભંડાર જેવા આ અનર્થકારી પરિગ્રહથી શું? જિનેન્દ્રો પોતે પણ અચલક હતા. તેથી વસ રહિત રહેવું તે જ શ્રેષ્ઠ છે.”