________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪
रागेण च दोसेण च, परिणामेण च न दूसियं जं तु । ..
तं खलु पच्चक्खाणं, भावविशुद्ध मुणेयव्वं ॥
જે રાગ, દ્વેષ કે પરિણામથી દૂષિત થયેલું ન હોય તે જ પ્રત્યાખ્યાન ભાવ વિશુદ્ધ જાણવું.'
ગુરુએ આનો પ્રતિકાર કરતાં કહ્યું: “તમે જે આશંસાદોષ આપ્યો તે કાળનો અવધિ પ્રાપ્ત કરવાથી પ્રાપ્ત થાય છે કે વાંછાથી પ્રાપ્ત થાય છે? જો કાળનો અવધિ કરવાથી પ્રાપ્ત થતો હોય તો પોરસી વગેરેના પચ્ચખાણમાં પણ તે દોષ પ્રાપ્ત થશે. કેમ કે કાળ પ્રત્યાખ્યાનમાં પ્રહર વગેરે કાળમાન સાક્ષાત્ કહેલું છે.
જો કદાચ પોરસી વગેરેમાં પણ કાળનો અવધિ કરવો નહિ' એમ કહેશો તો દીક્ષા ગ્રહણ કરવાના દિવસથી જ અનશન કરવું પડશે અને તીર્થકરોએ તો તપસ્વીઓને દશ પ્રકારે અનાગત આદિ પ્રત્યાખ્યાનો કરવાનું સિદ્ધાંતમાં કહ્યું છે.
હવે જો તૃષ્ણાથી આશંસાદોષ પ્રાપ્ત થાય છે એ બીજો પક્ષ માનશો તો તે પણ અયોગ્ય છે. કારણ મુનિને અન્ય ભવમાં પાપ સેવવાની ઇચ્છા હોતી નથી અને જો અવધિ વિના પ્રત્યાખ્યાન કરે તો સર્વ ભવિષ્યના કાળનું પ્રત્યાખ્યાન થઈ જશે. તેમ થવાથી આયુષ્યના ક્ષયે દેવગતિને પામેલા યતિને સાવદ્ય કર્મના સેવનથી અવશ્ય વ્રતનો ભંગ થશે. આ બધાં કારણોથી આશંસા રહિતપણે અવધિ સહિત પ્રત્યાખ્યાન કરવાથી કાયોત્સર્ગની જેમ કંઈ પણ દોષ નથી.”
આ ને આવી બીજી અનેક દાખલા દલીલોથી ગોષ્ટામાહિલ મુનિ ન સમજયા ત્યારે પુષ્પમિત્ર આચાર્ય તેમને અન્ય ગચ્છના બહુશ્રુત અને વૃદ્ધ મુનિઓ પાસે લઈ ગયા. તે સૌએ કહ્યું : “આ પુષ્પમિત્ર આચાર્ય કહે છે તે જ આચાર્ય આર્યરક્ષિતજીએ પણ કહ્યું હતું, તેમણે પણ આ જ પ્રરૂપણા કરી હતી. એમાં કશું જ ઓછુવતું નથી.”
ગોષ્ટામાપિલ મુનિ : “તમારા જેવા મુનિઓ આમાં શું જાણો ને સમજો? તીર્થંકરોએ તો મેં કહ્યું છે તેમજ પ્રરૂપણા કરી છે.” સ્થવિર મુનિઓએ કહ્યું : “હે મુનિ ! આમ કદાગ્રહ ન કરો. એમ કરવાથી તીર્થકરની આશાતના થાય છે. તે શું તમે નથી જાણતા ?” છતાંય ગોષ્ટામાહિલ મુનિએ પોતાની મમત ન મૂકી.
ત્યારે સંઘે ભેગા મળીને શાસનદેવતાને હાજરાહજૂર કરવા કાયોત્સર્ગ કર્યો. તેના પ્રભાવથી એક શાસનદેવીએ હાજર થઈને કહ્યું : “મને આજ્ઞા કરો. હું સંઘની શી સેવા કરું ?” શ્રી સંઘ સિદ્ધાંતનો પરમાર્થ જાણતો હતો છતાંય લોકવિશ્વાસ ઊભો કરવા માટે કહ્યું : “હે શાસનદેવી ! તમે મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થંકર પરમાત્મા પાસે જઈને પૂછી લાવો કે શ્રી સંઘ જે કહે છે તે સત્ય છે કે ગોષ્ટામાહિલ મુનિ કહે છે તે સત્ય છે.”